VIDEO: અમદાવાદના મેઘનાબહેનનો 15 વર્ષથી ‘શિક્ષણયજ્ઞ’: નાની ચોકડીથી શરૂ થયેલા ક્લાસમાં આજે ભણે છે 75 ગરીબ બાળકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Free Education: આજના સમયમાં સૌથી મોટી સેવા શિક્ષણની છે. એટલું જ નહીં આધુનિક યુગમાં સૌથી મોટું હથિયાર શિક્ષણ છે. જો વ્યક્તિ શિક્ષિત હોય તે દરેક ક્ષેત્રે આગળ વધી શકે અને પોતે તો પગભર થાય, પરંતુ સાથે પોતાના પરિવારની સારી રીતે સારસંભાળ રાખી શકે છે. ત્યારે આર્થિક રીતે નબળા અને સાવ ગરીબ પરિવારના બાળકોને કોઈ આશા કે અપેક્ષા વગર શિક્ષણ આપવું તે કોઈ મહાયજ્ઞથી ઓછું નથી. આજે એક એવાં જ શિક્ષિકાની વાત અહીં કરવી છે. પાલડી ગામમાં રહેતા મેઘના ઝાલા છેલ્લા 15 વર્ષથી જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. 15 વર્ષના કાર્યકાળમાં તેના હાથે કેટલાય ગરીબ બાળકોનું ભવિષ્ય ઘડાયું છે અને આજે પોતે પગભર થઈને સારું જીવન જીવી રહ્યા છે.
વાસણ ધોવાની ચોકડીથી શરૂ થયેલી સફર 150 વારના મકાન સુધી પહોંચી
15 વર્ષ પહેલાં ઘરની બહાર રોડને અડીને આવેલી વાસણ-કપડા ધોવાની એક ચોકડીમાં 2-3 વિદ્યાર્થીને સાંજે બે-બે કલાક ભણાવવાથી શરૂ કરેલો શિક્ષણયજ્ઞ આજે 75 જેટલા વિદ્યાર્થી સુધી પહોંચ્યો છે. કોઈ અન્ય પાસે આર્થિક સહાય લીધા વગર પોતાના જ અંગત પાંચ કલિગ દ્વારા ખુદને વારસાઈમાં મળેલા ઘરમાં 1થી 12 સુધીના બાળકોને ભણાવે છે.
કોઈની પાસે હાથ ફેલાવ્યા વગર તમામ ખર્ચ જાતે જ ઉપાડે છે
પાલડી ગામમાં આવેલા એક 150 વાર જેટલા મકાનમાં એક હોલ કિચન અને રૂમ છે. જેમાં 1થી 12 ધોરણ સુધીના બાળકો સાંજે પાંચથી સાત એમ બે કલાક સુધી હોંશે હોંશે ભણવા દરરોજ આવે છે. આ બાળકોને ભણાવવાનું કેમ નક્કી કર્યું તેના વિશે વાત કરતાં મેઘના ઝાલાએ જણાવ્યું કે, 'આજથી 15 વર્ષ પહેલાં મારા પતિ ચિરાગને વિચાર આવ્યો કે અહીં ગામમાં ઘણાં એવા છોકરા છે જેમને ભણવું તો છે, પરંતુ એના માટે તેને પ્રોપર ગાઇડલાઇન મળતી નથી. આ છોકરાઓ પ્રાયવેટ ટ્યુશનના રૂપિયા પણ ખર્ચી શકતા નથી. એવા છોકરાઓ રખડે નહીં અને ખોટો ટાઇમ બગાડે નહીં, એટલે સાંજે સાંજે બે કલાક નાની ચોકડીમાં અમે બાળકોને ભણાવવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં માત્ર બે-ત્રણ બાળકો ભણવા આવતા હતા. તેમને પ્રોત્સાહિત કર્યા કે, ભણો અને આગળ વધો જેથી ભવિષ્યમાં ક્યાંય પાછા પડો નહીં.'
અહીંથી ભણીને આગળ વધેલા પૂર્વ વિદ્યાર્થીઓ જ બન્યા શિક્ષક
અત્યાર સુધીની જર્ની અંગે મેઘના ઝાલાએ જણાવ્યું કે, 'પહેલા એક ચોડકી મળી જેમાં બાળકો સમાઈ શકતા નહોતા એટલે અમે હનુમાનજીના મંદિરમાં ભણાવવા ગયા એમાં પણ 30થી વધુ વિદ્યાર્થી થતાં જગ્યા નાની પડી અને અમે 4-5 વર્ષ સુધી ફૂટપાથ પર 40-50 જેટલા વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. એ પછી કોરોના આવ્યો અને વારસાઈમાં મળેલા આ ઘરમાં જ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. ત્યારે ખાસ તો 10મા ધોરણના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તે માટે અમે ઓનલાઇન ભણાવ્યું. ઘરમાં ભણાવવાને લીધે વરસાદ કે અન્ય કોઈ કારણોસર રોડ પર ભણાવતી વખતે જે રજાઓ રાખવી પડતી હતી તે બંધ થઈ ગઈ અને હવે સોમથી શનિવાર બાળકોના ક્લાસ નિયમિત રીતે ચાલુ રહે છે.'
આજે 70થી 75 જેટલા વિદ્યાર્થીઓ નિયમિત ભણે છે. આ વિદ્યાર્થીઓના અભ્યાસ અને એક્ટિવિટી પાછળ થતાં ખર્ચ અને ઉપરાંત તેના ફેમિલીને કેવી રીતે મદદ કરે છે તેના વિશે મેઘના ઝાલાએ જણાવ્યું કે, 'અમે કોઈની પણ પાસેથી એક રૂપિયો પણ ડોનેશન કે ફંડ લેતા નથી. હું, મારા પતિ ચિરાગ અને બીજા બે-ત્રણ સભ્યો મળીને કોઈની પણ સામે હાથ ફેલાવ્યા વિના તમામ ખર્ચ જાતે જ પૂરો કરીએ છીએ. જેમાં બાળકોની સ્કૂલ કે ટ્યુશન ફી ભરવાથી લઈને જરૂર પડ્યે વાલીઓના ઇમર્જન્સી હૉસ્પિટલાઈઝેશન કે બીમારી માટે ખુદ સારવાર કરાવીએ છીએ.'
મેઘના ઝાલાનું શું સપનું છે તેના વિશે જણાવ્યું કે, 'અમારે ત્યાં અત્યારે ભણાવતા શિક્ષકો અને વોલેન્ટિયર્સ પણ અગાઉ અહીં જ ભણેલા પૂર્વ વિદ્યાર્થીઓ છે. જેઓ અત્યારે કૉલેજમાં અભ્યાસ કરતાં હોવા છતાં કે, નોકરી કરતાં હોવા છતાં પોતાના અભ્યાસમાંથી રોજ બે કલાક કાઢીને અહીં આવતા નવા બાળકોનું ભવિષ્ય સુધારવા અને તેમને ભણાવવા આવે છે. જો 100માંથી એક પણ બાળક આગળ વધીને પોતાના પગભર થશે તો પણ અમને સંતોષ થશે કે કોઈ બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે. મારું સપનું છે કે અત્યારે બાળકોને જે બે કલાક આપું છું તેના બદલે મારો પૂરો સમય આ દીકરા-દીકરીઓને આપું જેથી તેમને જ્યારે પણ કોઈ જરૂર પડે ત્યારે હું તેમની પડખે ઊભી રહી શકું. મારે પ્રાયવેટ શાળાઓમાં બાળકોને ભણતર માટે જે સુવિધાઓ મળે છે તે તમામ સુવિધાઓ હું અહીંના બાળકોને એક પણ રૂપિયો ફી લીધા વગર પૂરી પાડું અને ભવિષ્યમાં મારી પોતાની એક શાળા બને.'
પૂર્વ વિદ્યાર્થીઓ રોજ બે કલાક સેવા આપવા આવે છે
મેઘના ઝાલાએ જ્યારે ચોકડીમાં બાળકોને ભણાવવાની શરૂઆત કરી ત્યારથી અહીં ભણીને આજે સેલ્સ મેનેજરના હોદ્દા સુધી પહોંચેલા કમલેશ જોશીએ જણાવ્યું કે, 'જ્યારે ચોકડીમાં ટ્યુશન ક્લાસ શરૂ થયા હતા ત્યારથી જ હું અહીં ભણતો હતો. જેના લીધે જ આજે હું સેલ્સ મેનેજરના હોદ્દા પર પહોંચી શક્યો છું. જ્યારે હું ભણતો હતો ત્યારે મારા પરિવારની આર્થિક સ્થિતિ થોડી નબળી હતી, પરંતુ તે સમયે મારા પરિવારનો અને ક્લાસિસના સર-મેમનો મને પૂરો સહકાર મળ્યો હતો. અત્યારે હું મારી નોકરી પરથી છૂટ્યા પછી અહીં 9મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવું છું અને આ રીતે મદદરૂપ થાઉં છું.'
તો અન્ય એક પૂર્વ વિદ્યાર્થીની અને અત્યારે અહીં બાળકોને ભણાવતી નિહાલી ઠાકોરે જણાવ્યું કે, 'હમણાં જ મેં NCC કમ્પ્લીટ કર્યું છે અને અગ્નિવીર પરીક્ષા પાસ કરીને હાલ ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહી છું. હું 2016માં છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી અહીં ભણતી હતી. અત્યારે હું કૉલેજ સમયમાંથી ફ્રી થઈને અહીં વોલેન્ટિયર તરીકે આવું છું અને ધોરણ 9ના વિદ્યાર્થીઓને ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન સહિતના તમામ વિષયો ભણાવું છું.'
આ ઉપરાંત અન્ય એક પૂર્વ વિદ્યાર્થી મનીષ બોરાણાએ જણાવ્યું કે, 'હું ત્રીજા કે ચોથા ધોરણથી આ ટ્યુશન ક્લાસીસમાં આવું છું અને 10મા ધોરણ સુધી અહીં જ ભણ્યો. તે પછી 11મા ધોરણમાં કોરોનાના કારણે ભણવાનું થોડું અટકી ગયું હતું અને ઘરની પરિસ્થિતિ સારી નહોતી એટલે 12મા ધોરણમાં મેં નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે મેઘના ટીચરને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે મારા મમ્મીને બોલાવી વાતચીત કરી તે જ દિવસે મારી નોકરી છોડાવી દીધી હતી અને ટ્યુશન ફી પોતે સ્પોન્સર કરી હતી. તેની મદદથી મેં 12મું ધોરણ તથા B.A.નું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને હવે હું માસ્ટર ડિગ્રીની તૈયારી કરી રહ્યો છું. હાલ હું અહીં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ભણાવું છું.'
વધુ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ઠાકોર યશે જણાવ્યું કે, 'હું ધોરણ 5માં ભણતો હતો ત્યારથી જ અહીં ભણતો હતો. એ સમયે મારા પરિવારની આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે ટ્યુશન ક્લાસની ફી આપી શકાય. આજે હું જે રીતે આગળ વધ્યો છું અને સારા હોદ્દા પર નોકરી કરી રહ્યો છું, તે બધો શ્રેય મેમની મહેનતને જાય છે. હું નાનપણથી લઈને મોટો થયો ત્યાં સુધી અહીં સતત મારી સેવા પણ આપી રહ્યો છું.'




