મકરબા-કોર્પોરેટ રોડ બ્રિજ પાસે અકસ્માતનો ભય: 200 મીટરનો ફેરો બચાવવા લોકો તોડેલા ડિવાઇડરમાંથી જીવના જોખમે લે છે U-Turn
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Makarba Corporate Road Dangerous U-turn Illegal Cut: મકરબાથી કોર્પોરેટ રોડને જોડતો નવતર ઓવરબ્રિજ ઉદ્ઘાટન સમયથી જ સતત વિવાદોના ઘેરામાં રહ્યો છે. શરૂઆતમાં બ્રિજ કોર્પોરેટ રોડના ચાર રસ્તે જ પૂરો થતો હોવાથી ત્યાં સતત અકસ્માતો અને ગંભીર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી. જોકે, પાછળથી ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન દ્વારા કેપ્સુલ સિસ્ટમ લાગુ કરીને આ ભૂલ સુધારવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ, આ સુધારા બાદ હવે એક નવી અને અત્યંત જોખમી સમસ્યા સામે આવી છે.
200 મીટરનો ફેરો બચાવવા 'જોખમી શોર્ટકટ'
નવી વાહનવ્યવહાર સિસ્ટમ મુજબ, કોર્પોરેટ રોડ પરથી પ્રહલાદનગર તરફ જવા માટે વાહનચાલકોએ એસ.જી. હાઇવે તરફ વળીને આગળ 200 મીટર જઈ યુ-ટર્ન (U-Turn) લેવાનો થાય છે. પરંતુ આ મોટો ચકરાવો ન મારવો પડે તે માટે વાહનચાલકોએ રોડ પર આવેલા ડિવાઇડરના ખુલ્લા ભાગમાંથી જ જીવના જોખમે ખોટો યુ-ટર્ન લેવાનું શરૂ કરી દીધું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલાં રોડ પર ડિવાઇડર તોડીને ખોદકામ કરવામાં આવ્યું હતું. કામ પૂરું થયા બાદ તંત્રે આ કટ પૂરવાની તસ્દી ન લીધી! તંત્રની આ ઘોર બેદરકારીનો 'લાભ' ઉઠાવીને વાહનચાલકોએ હવે ત્યાંથી ગેરકાયદેસર અને જોખમી રીતે પસાર થવાનું શરૂ કરી દીધું છે.
દ્રશ્યો કેમેરામાં કેદ: ગમે ત્યારે મોટા અકસ્માતની ભીતિ
'ગુજરાત સમાચાર ડિજિટલ'ની ટીમે આ રોડ પર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં જોવા મળ્યું કે, અનેક ટુ-વ્હીલર અને મોપેડ ચાલકો ખુલ્લા ડિવાઇડરમાંથી પ્રહલાદનગર રોડ તરફ જવા માટે સીધા જ વાહનો વાળી રહ્યા છે. બીજી તરફ, હાઇવે તરફથી મકરબા બ્રિજ અને પ્રહલાદનગર તરફ ફુલ સ્પીડમાં વાહનો આવી રહ્યા હોય છે, જેના કારણે ગમે તે ક્ષણે ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.
માત્ર 200 મીટરનો ફેરો બચાવવા માટે લોકો પોતાના અને અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે કોઈ દુર્ઘટના બને તે પહેલાં જ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક આ ગેરકાયદે કટ બંધ કરાવે છે કે નહીં તે જોવાનું રહ્યું.




