Ahmedabad

અમદાવાદમાં ‘24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ’ સેવા શરૂ: હવે દિલ્હી, મુંબઈ સહિત 6 મહાનગરોમાં 24 કલાકમાં પહોંચશે ટપાલ

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: ભારતીય ટપાલ વિભાગે ગ્રાહકોની ઝડપી ડિલિવરી જરૂરિયાતને ધ્યાને રાખી '24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સેવા'નો અમદાવાદમાં પ્રારંભ કર્યો છે. જનરલ પોસ્ટમાસ્ટરે 15 ઓક્ટોબરે જીપીઓ ખાતે ઉદ્ઘાટન કર્યું. આ સેવામાં 24 કલાકમાં ડિલિવરીની ગેરંટી, OTP આધારિત વિતરણ અને SMS એલર્ટ જેવી સુવિધાઓ છે. 500 ગ્રામ સુધીના મહત્વના દસ્તાવેજો મોકલી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ‘24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ’ સેવા શરૂ: હવે દિલ્હી, મુંબઈ સહિત 6 મહાનગરોમાં 24 કલાકમાં પહોંચશે ટપાલ

24 Speed Post Document Service: મેલ અને પાર્સલ ક્ષેત્રે ગ્રાહકોની ઝડપી અને સમયબદ્ધ ડિલિવરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય ટપાલ વિભાગ દ્વારા અમદાવાદ ખાતે ‘24 સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સેવા’નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરના રોજ ‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’ના સમાપન પ્રસંગે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના જનરલ પોસ્ટમાસ્ટરે અમદાવાદ જીપીઓ ખાતે આ નવીન પ્રીમિયમ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેવા હેઠળ પ્રથમ ગ્રાહક ભાવિકા માંગુકિયાએ અમદાવાદથી થાણે માટે બુકિંગ કરાવ્યું હતું, જેમને પોસ્ટમાસ્ટર જનરલે રસીદ અર્પણ કરી સેવાની શરૂઆત કરાવી હતી.

સેવાની મુખ્ય વિશેષતાઓ અને નિયમો

  • 24 કલાકમાં ડિલિવરીની ગેરંટી: નિર્ધારિત પિનકોડ પર આગામી દિવસે ડિલિવરીની ખાતરી આપવામાં આવી છે. જો ડિલિવરીમાં વિલંબ થાય કે આર્ટિકલ ગુમ થાય, તો ગ્રાહકને સંપૂર્ણ પોસ્ટલ ચાર્જ પરત કરવામાં આવશે.
  • રજાના દિવસે પણ સેવા: રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં પણ આ આર્ટિકલ્સનું વિતરણ ચાલુ રહેશે.
  • આધુનિક સુવિધાઓ: ટપાલની સલામતી માટે OTP આધારિત વિતરણ, એસએમએસ એલર્ટ સાથે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ, બલ્ક બુકિંગ માટે નિઃશુલ્ક પિકઅપ, વ્યાવસાયિક ગ્રાહકો માટે BNPL સુવિધા, એ.પી.આઈ. ઇન્ટિગ્રેશન અને કેન્દ્રીયકૃત બિલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • માન્ય દસ્તાવેજો અને વજન: અમદાવાદ જીપીઓનાં સિનિયર પોસ્ટમાસ્ટરના જણાવ્યા અનુસાર, મહત્તમ 500 ગ્રામ સુધીના અગત્યના દસ્તાવેજો જેવા કે પાન કાર્ડ, ઓળખપત્ર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ બેંકિંગ સંબંધિત દસ્તાવેજો આ સેવા હેઠળ મોકલી શકાશે.
  • સરનામું અને સંપર્ક વિગત: મોકલનાર અને મેળવનાર બંનેના સંપૂર્ણ સરનામા સાથે મોબાઇલ નંબર નોંધાવવો ફરજિયાત રહેશે.

બુકિંગ કેન્દ્રો અને વિસ્તરણ

હાલમાં આ સેવા માટે અમદાવાદ જીપીઓ, નવરંગપુરા બીડી સેલ અને શાહીબાગ સ્થિત બિઝનેસ પોસ્ટ સેન્ટર ખાતે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં નવરંગપુરા હેડ પોસ્ટ ઑફિસ, એલિસબ્રિજ, માણેકબાગ અને પાલડી પોસ્ટ ઑફિસમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દેશના મુખ્ય છ મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ બાદ હવે અમદાવાદમાં પણ આ સેવા શરૂ થવાથી વેપારી પેઢીઓ, બેંકો, નાણાકીય સંસ્થાઓ તેમજ સામાન્ય નાગરિકોને ઝડપી અને સુરક્ષિત દસ્તાવેજ વિતરણનો મોટો લાભ મળશે.