Ahmedabad

અમદાવાદ: સિંધુ ભવન રોડ પર ગરબામાં ડુપ્લિકેટ પાસ કૌભાંડ, આયોજકોની જાણ બહાર નકલી પાસ છાપનારા શખસો સામે ફરિયાદ

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સિંધુ ભવન રોડ પર સંકલ્પ નગરી ગરબામાં ડુપ્લિકેટ પાસ કૌભાંડ સામે આવ્યું છે. વિપુલ ભીમાણી નામના શખ્સે આયોજકોની જાણ બહાર વધારાના નકલી પાસ છાપી બારોબાર વેચી દીધા હતા. 16 અને 17 ઓક્ટોબરે ગેટ પર ચેકિંગ દરમિયાન રદ કરાયેલા અને સ્ટીકર વગરના પાસ સાથે ખેલૈયાઓ પકડાતા ભાંડો ફૂટ્યો હતો. આયોજકે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સિંધુ ભવન રોડ પર ગરબામાં ડુપ્લિકેટ પાસ કૌભાંડ, આયોજકોની જાણ બહાર નકલી પાસ છાપનારા શખસો સામે ફરિયાદ

Ahmedabad Garba Pass Scam: અમદાવાદના સિંધુ ભવન રોડ પર આયોજિત સંકલ્પ નગરી ગરબામાં ડુપ્લિકેટ પાસનું કૌભાંડ સામે આવ્યું છે. આયોજકો દ્વારા છપાવવામાં આવેલા 10 દિવસના કુલ 80000 પાસ ઉપરાંત વિપુલ ભીમાણી નામના શખસે આયોજકોની જાણ બહાર વધારાના નકલી પાસ છાપીને બારોબાર પધરાવી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગરબામાં ક્ષમતા કરતા વધુ ભીડ ઉમટી પડતા અને ગેટ પર ચેકિંગ દરમિયાન 16 તથા 17 ઓક્ટોબરે કેટલાક ખેલૈયાઓ જૂની ડિઝાઇનના રદ કરાયેલા અને સ્ટીકર વગરના નકલી પાસ સાથે પકડાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જે બાદ આયોજકે છેતરપિંડી કરનાર શખસો સામે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ક્ષમતા કરતાં વધુ ભીડ થતાં આયોજકોને શંકા ગઈ

સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ કરતા 27 વર્ષીય દ્રુપદ હિમાંશુ ગાંધીએ તેના મિત્રો ધીરજસિંહ રાઠોડ અને દક્ષ આચાર્ય એ સરખેજ સિંધુ ભવન રોડ પર ઔડાની જગ્યામાં સંકલ્પ નગરી નામે ગરબાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માટે તેઓએ આગમ ઝેરોક્ષ ખાતેથી 10 દિવસના રોજના 8000 લેખે કુલ 80000 પાસ પ્રિન્ટ કરાવ્યા હતા. પરંતુ, ગરબામાં ક્ષમતા કરતા વધુ ભીડ જોવા મળતા આયોજકોને શંકા ગઈ હતી કે કોઈકે ખોટા પાસ બનાવ્યા છે. આથી, 16મી ઓક્ટોબરે આયોજકોએ તાત્કાલિક પાસની ડિઝાઇન અને કલર બદલીને નવા પાસ બનાવડાવ્યા હતા અને જૂના પાસ રદ કરીને પોતાની પાસે રાખી લીધા હતા.

ગેટ પર સ્ટીકર વગરના અને રદ થયેલા પાસ પકડાયા

16મી ઓક્ટોબરે રાત્રે ગેટ પર ચેકિંગ દરમિયાન અમુક ખેલૈયાઓ અગાઉ પ્રિન્ટ કરાવેલા અને રદ કરાયેલા જૂની ડિઝાઇનના પાસ લઈને ગરબા રમવા આવ્યા હતા. જેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ પાસ વિપુલ ભીમાણી નામના શખસ દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 17મી ઓક્ટોબરે આયોજકોએ પાસ પર ખાસ સ્ટીકર લગાવ્યા હોવા છતાં ઘણાં લોકો સ્ટીકર વગરના પાસ સાથે પકડાયા હતા. આ સમગ્ર ઘટનામાં વિપુલ ભીમાણી તથા અન્ય શખસોએ આયોજકોની જાણ બહાર વધારાના પાસ છાપી તેનું ગેરકાયદે વિતરણ કર્યું હોવાથી આયોજકોએ સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.