Ahmedabad

અમદાવાદીઓ સાચવજો! ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં ડેન્ગ્યૂના કેસ થયા બમણા, પાણીજન્ય રોગો પણ વકર્યા

By GS Team
6 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ચોમાસા પછી મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યૂના કેસમાં સપ્ટેમ્બરમાં મોટો ઉછાળો આવ્યો, જેમાં 756 કેસ નોંધાયા. ઓગસ્ટમાં 361 કેસ હતા, જે એક મહિનામાં બમણાથી વધુ થયા. શહેરમાં મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ચીકનગુનિયાના કેસ પણ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્વારા મચ્છર નિયંત્રણની ઝુંબેશ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદીઓ સાચવજો! ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં ડેન્ગ્યૂના કેસ થયા બમણા, પાણીજન્ય રોગો પણ વકર્યા

Ahmedabad Dengue Surge: અમદાવાદમાં ચોમાસાની સિઝન પૂર્ણ થવાના આરે મચ્છરજન્ય રોગોએ ચિંતા વધારી છે. ખાસ કરીને ડેન્ગ્યૂના કેસમાં સપ્ટેમ્બર દરમિયાન નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બરમાં શહેરમાં ડેન્ગ્યૂના 756 કેસ નોંધાયા છે, જ્યારે ઓગસ્ટમાં 361 કેસ નોંધાયા હતા. એટલે માત્ર એક મહિનામાં જ કેસનો આંકડો બમણાથી વધુ થયો છે. ચાલુ વર્ષના પ્રથમ 9 મહિનામાં ડેન્ગ્યૂના કુલ 1344 સત્તાવાર કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં ડેન્ગ્યૂ ઉપરાંત મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ચીકનગુનિયાના કેસ પણ નોંધાઈ રહ્યા છે. બીજી તરફ વાયરલ તાવના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ઉપરાંત AMC સંચાલિત વી.એસ., એલ.જી. અને શારદાબેન હોસ્પિટલની ઓપીડી, અર્બન હેલ્થ સેન્ટરો, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો તેમજ ખાનગી દવાખાનાઓમાં તાવ સહિતની તકલીફ ધરાવતા દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે.

ગત વર્ષની સરખામણીએ પણ ડેન્ગ્યૂમાં ઉછાળો

આ વર્ષે સપ્ટેમ્બરમાં નોંધાયેલા 756 ડેન્ગ્યૂ કેસની સરખામણી ગત વર્ષના સમાન સમયગાળા સાથે કરવામાં આવે તો પણ વધારો જોવા મળે છે. સપ્ટેમ્બર 2025માં શહેરમાં ડેન્ગ્યૂના 448 કેસ નોંધાયા હતા. આમ, એક વર્ષમાં સપ્ટેમ્બર માસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેન્ગ્યૂની તપાસ માટે પણ આરોગ્ય તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં 16,290 સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જ્યારે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યૂ માટે કુલ 64,887 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના આંકડામાં સામે આવ્યું છે.

સાદા મેલેરિયાના 137, ઝેરી મેલેરિયાના 41 કેસ

મચ્છરજન્ય અન્ય રોગોની સ્થિતિ પણ ચિંતાજનક છે. સપ્ટેમ્બર દરમિયાન શહેરમાં સાદા મેલેરિયાના 137 અને ઝેરી મેલેરિયાના 41 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચીકુનગુનિયાના 10 કેસ પણ સત્તાવાર ચોપડે નોંધાયા છે.

પાણીજન્ય રોગચાળાએ પણ ચિંતા વધારી

મચ્છરજન્ય રોગોની સાથે પાણીજન્ય રોગોએ પણ આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે. સપ્ટેમ્બરમાં ઝાડા-ઉલટીના 208, કમળાના 79 અને ટાઈફોઈડના 266 કેસ નોંધાયા છે. જોકે, આ સમયગાળા દરમિયાન કોલેરાનો એક પણ કેસ નોંધાયો નથી.

પીવાના પાણીના 7596 સેમ્પલ, 21 અનફિટ

રોગચાળા વચ્ચે પાણીની ગુણવત્તા ચકાસવા માટે પણ AMC દ્વારા કામગીરી કરવામાં આવી છે. સપ્ટેમ્બર દરમિયાન પીવાના પાણીના 7596 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 21 સેમ્પલ અનફિટ મળી આવતા સંબંધિત સ્થળોએ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીમાં ક્લોરિનનું પ્રમાણ ચકાસવા માટે 53,090 સ્થળે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

મચ્છરોના ઉપદ્રવને રોકવા તંત્રની ઝુંબેશ

ડેન્ગ્યૂ અને અન્ય મચ્છરજન્ય રોગોના વધતા કેસ વચ્ચે AMCના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોને પણ ઘરની અંદર કે આસપાસ પાણી ભરાઈ ન રહે તેની ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. પાણી ભરાયેલા પાત્રો, કુંડા, ટાંકા કે અન્ય સ્થળોએ મચ્છરના ઉત્પત્તિસ્થાન ન બને તે માટે નિયમિત સફાઈ રાખવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મચ્છરદાની અને મચ્છર ભગાડવાના સાધનોનો ઉપયોગ કરવા તથા તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો સહિત ડેન્ગ્યૂ જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકના સરકારી અથવા મ્યુનિસિપલ આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.