અમદાવાદ: મકરબામાં પીજી ચલાવતા વૃદ્ધાને શેરબજારમાં રોકાણની લાલચ ભારે પડી, 17 લાખનો નફો બતાવી ઠગે 16.17 લાખ પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Online Investment Fraud: અમદાવાદના મકરબા વિસ્તારમાં એકલા રહી પીજી (PG) ચલાવતા 74 વર્ષીય વૃદ્ધા ફેસબુક પર શેરબજારમાં રોકાણ કરી મોટો નફો કમાવવાની લોભામણી જાહેરાતનો શિકાર બનીને લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. ઠગ મંડળીએ પ્રોક્સટ્રેન્ડ (Proxtrend) કંપનીના એજન્ટ તરીકેની ઓળખ આપી, ટેલિગ્રામ અને મોબાઈલ સ્ક્રીન શેરિંગથી વૃદ્ધાને જાળમાં ફસાવી શેર તથા ગોલ્ડમાં રોકાણ કરાવવાના બહાને કટકે-કટકે કુલ 16.17 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફેસબુક પર જાહેરાત જોઈ લિંક પર રજિસ્ટ્રેશન કર્યું હતું
મળતી માહિતી અનુસાર, મકરબા ખાતે રહેતા 74 વર્ષીય રોમાબહેન પંજાબી ગત પાંચમી મેના રોજ ફેસબુક જોઈ રહ્યા હતા, ત્યારે તેને શેરબજારમાં રોકાણ અંગેની એક આકર્ષક જાહેરાત દેખાઈ હતી. જાહેરાતની લિંક પર ક્લિક કરતાં quantum.com નામની વેબસાઇટ ખુલી હતી, જેમાં તેમણે પોતાની વિગતો ભરી હતી. બીજા જ દિવસે તેમને અભિષેક નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે પોતાની ઓળખ પ્રોક્સટ્રેન્ડ કંપનીના એજન્ટ તરીકે આપી હતી. અભિષેકે ટેલિગ્રામ આઈડીથી સંપર્ક કરી રોમાબહેનના મોબાઈલમાં સ્ક્રીન શેરિંગ કરાવી proxtrend.com પર એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું અને ઝૂમ વીડિયો કોલ મારફતે અલગ-અલગ યુ.પી.આઈ. (UPI) આઈડી આપી શેર ખરીદવાના નામે નાણાં ટ્રાન્સફર કરાવવાનું શરૂ કર્યું હતું.
વિશ્વાસ જીતવા 2800 રૂપિયાનો નફો આપ્યો, બાદમાં લાખો રૂપિયા પડાવ્યા
ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે 25મી મેના રોજ અભિષેકે નફા પેટે 2800 રૂપિયા પરત કર્યા હતા. ત્યારબાદ રોમાબહેનના મોતિયાના ઓપરેશન પછી, પહેલી જૂનથી દીપક નામના શખસે વિવિધ વિદેશી નંબરો પરથી સંપર્ક કરીને એકાઉન્ટ ઓપરેટ કરવાના બહાને શેર અને ગોલ્ડમાં વધુ રોકાણ કરાવી મોટા પ્રમાણમાં રકમ જમા કરાવી લીધી હતી. જ્યારે બોગસ એકાઉન્ટમાં 17 લાખ રૂપિયા જેટલો નફો બતાવતો હતો, ત્યારે રોમાબહેનને નાણાંની જરૂર હોવાથી તેમણે રકમ વિડ્રોઅલ કરવાની માગ કરી હતી. ત્યારબાદ રાધિકા અને ભારતી નામની મહિલાઓએ ફોન કરી હોલ્ડિંગ ફી તરીકે 1,55,000 રૂપિયા માગ્યા હતા, જે ફરિયાદીએ ચૂકવી દીધા હતા.
ઇન્કમટેક્સના નામે વધુ 5 લાખ માગતાં ફ્રોડનો પર્દાફાશ થયો
હોલ્ડિંગ ફી આપ્યા છતાં રકમ પરત ન મળતાં 23 અને 24મી સપ્ટેમ્બરના રોજ દુપદા રામાક્રિષ્ના નામના શખસે ફોન કરીને રકમ ખાતામાં જમા કરાવવા માટે પાંચ લાખ રૂપિયા ઇન્કમટેક્સ ભરવો પડશે તેમ કહી વધુ પૈસાની માગણી કરી હતી. વારંવાર નવા બહાના હેઠળ ચાર્જના નામે પૈસા માગવામાં આવતાં રોમાબહેનને શંકા ગઈ હતી.
તેમણે પોતાના પીજીમાં રહેતી યુવતી સાથે વાત કરતાં આ આખી ઘટના ઓનલાઈન સાયબર ફ્રોડ હોવાનો ખ્યાલ આવ્યો હતો. ફરિયાદી રોમાબેને અલગ-અલગ તારીખે કુલ 16,20,197 રૂપિયા જમા કરાવ્યા હતા, જેમાંથી માત્ર 2800 રૂપિયા પરત મળ્યા હતા. આમ, પોતાની સાથે કુલ 16,17,397 રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં તેમણે આખરે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.




