Ahmedabad

અમદાવાદ: ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રસ્તો ઓળંગતી વખતે કારની ટક્કરથી 5 વર્ષના બાળકનું મોત

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં 18 ઓક્ટોબરે એક કરુણ અકસ્માત થયો હતો. ટેલિફોન એક્સચેન્જ જંકશન પાસે રસ્તો ઓળંગી રહેલા 5 વર્ષીય બાળક નિલેશ રાઠોડને પૂરઝડપે આવતી કારે ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. 'બી' ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક માલા રાજેશ મિત્તલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રસ્તો ઓળંગતી વખતે કારની ટક્કરથી 5 વર્ષના બાળકનું મોત

Ahmedabad Road Accident: અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. 18મી ઑક્ટોબરના રોજ ગુલબાઈ ટેકરા ટેલિફોન એક્સચેન્જ જંકશન પાસે રસ્તો ઓળંગી રહેલા 5 વર્ષીય બાળકને પૂરઝડપે આવી રહેલી એક કારે ટક્કર મારી હતી. જેમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ માલે બાળકના પિતાની ફરિયાદના આધારે 'બી' ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પૂરઝડપે આવી રહેલી કારે બાળકને અડફેટે લીધું

મળતી માહિતી અનુસાર, 18મી ઑક્ટોબરના રોજ સવારના સુમારે પાંચ વર્ષીય નિલેશ રાઠોડ ગુલબાઈ ટેકરા ટેલિફોન એક્સચેન્જ જંકશન પાસે રસ્તો ઓળંગી રહ્યો હતો. આ દરમિયાન એક કારના ચાલકે વાહન ખૂબ જ ઝડપે નિલેશને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નિલેશના માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી, તેમજ તેના જમણા પગ અને ડાબા હાથ પર પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.

ઘટના બાદ કારચાલક માલા રાજેશ મિત્તલે કાર રોકી હતી અને બાળકને તબીબી સારવાર મળે તે માટે મદદ કરી હતી. ચાલકે બાળકના પરિવારને સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની ખાતરી પણ આપી હતી. જોકે, નિલેશની તબિયત સતત કથળતી જતી હોવાથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પુત્રના અચાનક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

પિતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે

મૃતક બાળકના પિતા મહેશ રાઠોડ મજૂરીકામ કરે છે અને અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ પટ્ટા (બેલ્ટ) વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘટનાના દિવસે તેઓ કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પત્ની પાસેથી આ ગંભીર અકસ્માત વિશે જાણ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મૃતક નિલેશ પરિવારના ચાર બાળકોમાંનો એક હતો અને તેને યોગેશ નામનો પાંચ વર્ષનો જોડિયા ભાઈ પણ છે. એક ભાઈ ગુમાવવાથી જોડિયા ભાઈ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત કઈ પરિસ્થિતિમાં સર્જાયો તેની વધુ તપાસ હાથ ધરી છે.