અમદાવાદ: મકતમપુરામાં 36 અને જોધપુરમાં 16 બાંધકામો તોડાયાં, ચોમાસું પૂરું થયા બાદ વરસાદી પાણીની લાઈન અને ટીપી રોડ માટે કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Demolition : અમદાવાદમાં ચોમાસું પૂરું થયા બાદ તંત્રને યાદ આવ્યું કે વરસાદી પાણીના નિકાલની લાઈનમાં નડતરરૂપ બાંધકામો દુર કરવાની જરૂર છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં વરસાદી પાણીના નિકાલની લાઇન અને ટી.પી. રોડના કામમાં નડતરરૂપ બનેલાં કુલ 52 રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યાં છે. મકતમપુરા વોર્ડમાં 36 અને જોધપુર વોર્ડમાં 16 બાંધકામો તોડીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મકતમપુરામાં ફતેવાડી કેનાલ પાસે સાબરમતી નદી તરફ જતા નાળિયા રોડ પર વરસાદી પાણીની ડક્ટ લાઇનના સૂચિત એલાઇનમેન્ટમાં નડતરરૂપ બાંધકામો દૂર કરાયાં છે. ત્યારે બીજી બાજુ જોધપુરમાં મમતપુરા ગામના તળાવથી 30 મીટર પહોળા આર.સી.સી. રોડને જોડતા 12 મીટરના ટી.પી. રોડ પરથી દબાણો હટાવીને 320 મીટર લાંબો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.
મકતમપુરા વોર્ડમાં ફતેવાડી કેનાલ પાસે સાબરમતી નદી તરફ જતા નાળિયા રોડ પર વરસાદી પાણીની ડક્ટ લાઇનનું એલાઇનમેન્ટ નક્કી કરવામાં આવ્યું હતું. આ એલાઇનમેન્ટમાં નડતરરૂપ 33 રહેણાંક અને 3 કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યાં છે. આ કામગીરી દરમિયાન બાંધકામો હટાવવા માટે હિટાચી અને જે.સી.બી. સહિતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાનગી કોન્ટ્રાક્ટરના મજૂરોની મદદથી દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

જોધપુરમાં ટી.પી. રોડની અમલવારીમાં 16 બાંધકામો દૂર કરાયાં
બીજી તરફ, જોધપુર વોર્ડમાં ટી.પી. સ્કીમ નં. 204 હેઠળ મમતપુરા ગામના તળાવથી 30 મીટર પહોળા આર.સી.સી. રોડને જોડતા 12 મીટરના ટી.પી. રોડ પરનાં 16 રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, 40 રનિંગ મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ પણ હટાવવામાં આવી હતી. આ કામગીરીના કારણે કુલ 320 મીટર લંબાઈનો ટી.પી. રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોધપુરમાં દબાણ હટાવવાની કામગીરી માટે દબાણ હટાવતી બે ગાડીઓ, બે જે.સી.બી. મશીન અને ખાનગી કોન્ટ્રાક્ટરના 10 મજૂરોની મદદ લેવામાં આવી હતી. દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બંને વોર્ડમાં રસ્તા અને વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં નડતરરૂપ બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં.
રિવરફ્રન્ટની પાછળના બે પ્લોટનો કબજો લેવાયો
સરદારનગર વોર્ડમાં આવેલા કોતરપુર વોટર વર્ક્સની પાછળ નિર્માણાધીન (અંડર કન્સ્ટ્રક્શન) રિવરફ્રન્ટને અડીને આવેલા 'સેલ ફોર કોમર્શિયલ'ના 23,493 ચોરસ મીટર અને 'સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર'ના હેતુ માટેના 12,965 ચોરસ મીટરના પ્લોટનો કબજો લેવામાં આવ્યો છે. આ સિવાય કોતરપુર વોટર વર્ક્સની પાછળના ભાગથી નિર્માણાધીન રિવરફ્રન્ટ તરફ જતો 12 મીટર પહોળાઈનો ટી.પી. રોડ ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.




