અમદાવાદમાં 23 વર્ષે કાંકરિયાની પાળે ગરબા યોજાશે, આવતીકાલે લોકો માટે ફ્રી એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kankaria Garba 2026: અત્યાર સુધી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જીએમડીસી મેદાનમાં લોકો માટે જાહેર ગરબાનું મોટા પાયે આયોજન થાય છે, પરંતુ પૂર્વ અમદાવાદમાં આવું કોઈ જાહેર આયોજન થતું નહોતું. આ બાબતને ધ્યાનમાં રાખીને આગામી શનિવારે 23 વર્ષના લાંબા અંતરાલ બાદ કાંકરિયા તળાવની પાળે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2003 પહેલાં કાંકરિયા ખાતે આ રીતે નવરાત્રિ યોજાતી હતી, જેને હવે ફરી જીવંત કરવામાં આવી રહી છે. આવતીકાલે તા. 24ના રોજ સાંજે 7.30થી રાત્રે 12 વાગ્યા સુધી 'કાંકરિયાનો ગરબો' નામે રાસ-ગરબાનું ધામધૂમથી આયોજન કરાયું છે, જેમાં તમામ શહેરીજનોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે.
દિવ્યાંગો માટે વિશેષ સ્થાન અને 25 હજારથી વધુ લોકો જોડાવાની શક્યતા
સ્થાયી સમિતિના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા અનુસાર, આ આયોજનમાં એક હજાર દિવ્યાંગોને સહભાગી બનાવીને તેમના જીવનમાં ખુશીઓ લાવવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂર્વ અમદાવાદમાં એકપણ જગ્યાએ જાહેર નવરાત્રિ ન યોજાતી હોવાથી, આ ગરબામાં આશરે 25 હજારથી પણ વધારે શહેરીજનો ઉમટી પડે તેવી આશા સેવાઈ રહી છે, જેના ભાગરૂપે તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરી દેવાઈ છે. આ ભવ્ય કાર્યક્રમમાં નાગરિકો માટે પુષ્પકુંજ તરફના ગેટ નં. 1 પરથી મુખ્ય પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે.
આવતા વર્ષથી 9 દિવસના આયોજનની વિચારણા અને જાણીતા કલાકારોની પ્રસ્તુતિ
ગરબાના મોંઘા પાસ ન ખરીદી શકતા સામાન્ય શહેરીજનો માટે આ 'કાંકરિયાનો ગરબો' માતાજીની ભક્તિ સાથે મનોરંજન મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ બનશે. આ કાર્યક્રમ માટે ગરબા ક્ષેત્રના જાણીતા અને નામાંકિત કલાકારોને ખાસ બોલાવવામાં આવ્યા છે. જો આ શનિવારનું આયોજન સફળ રહેશે તો જીએમડીસી ગ્રાઉન્ડની માફક જ પૂર્વના શહેરીજનો માટે પણ આવતા વર્ષથી કાંકરિયા તળાવની પાળે આખા નવ દિવસ સુધી ગરબા યોજવાની વિચારણા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.




