અમદાવાદમાં સાયબર ફ્રોડના 3 કિસ્સા: APK ફાઈલ, ક્રેડિટ કાર્ડ અને ગેસ બિલના બહાને 14 લાખ રૂપિયાની ઠગાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Crime: અમદાવાદ શહેરમાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરમાં સાયબર ફ્રોડ અને વિશ્વાસઘાતની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં હેકર્સે માલવેર APK ફાઈલ, ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગમાં કમિશનની લાલચ અને ગેસ બિલ અપડેટ કરવાના બહાને બે વેપારી અને એક નિવૃત્ત વૃદ્ધ મળી કુલ 14.50 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી છે. ભોગ બનનારાઓએ આ અંગે પોલીસ મથકે ફરિયાદો નોંધાવી છે.
ગેસ કનેક્શન માટે ઓનલાઇન સર્ચ કરી APK ડાઉનલોડ કરતા 5.90 લાખ ગુમાવ્યા
પહેલી ઘટનામાં અમરાઈવાડીમાં રહેતા 55 વર્ષીય મહેશ જૈન સાથે 23મીથી 29મી સપ્ટેમ્બર દરમિયાન સાયબર ફ્રોડ થયો છે. જેમાં તેણે દુકાન માટે ગેસ કનેક્શન લેવા ઓનલાઇન સર્ચ કર્યું હતું. ત્યારબાદ તેને હેકરે અજાણ્યા વોટ્સએપ નંબર પર Gas Bill_update.apk નામની ફાઇલ મોકલીને રજીસ્ટ્રેશન માટે 10 રૂપિયા ચૂકવવા કહ્યું હતું. આ APK ફાઇલ ડાઉનલોડ કરતા જ હેકરે તેમના મોબાઇલ હેક કરી લીધો હતો અને તેમના કેનેરા બૅંક એકાઉન્માંથી ઓટીપી લઈને 5,90,796 રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જે બાદ વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
3% કમિશનની શરતે આપેલા ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ
બીજી ઘટનામાં ફરિયાદી અવેશ યાસીને પોતાના અને પોતાના માતા-પિતાના ક્રેડિટ કાર્ડનું બિલ ભરવા માટે ક્રેડિટ કાર્ડ સ્વેપિંગનો ધંધો કરતા ત્રણ પરિચિતો મોહમ્મદ રીબા, અહેમદ હુસૈન અને નફીસ સૈયદને 3% કમિશનની શરતે પોતાના કાર્ડ આપ્યા હતા. આ આરોપીઓએ વિશ્વાસઘાત કરી ફરિયાદીના બે ક્રેડિટ કાર્ડમાં ફ્રોડના કુલ 4,37,184 રૂપિયા જમા કરાવ્યા અને વિવિધ ઓનલાઈન પોર્ટલથી તે રકમ ઉપાડી લીધી હતી. ત્યારબાદ 10 જુલાઈના રોજ આંધ્ર પ્રદેશ પોલીસે ફરિયાદીના ઘરે આવીને જાણ કરી કે તેના કાર્ડમાં ફ્રોડના રૂપિયા જમા થયા છે અને કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે ફરિયાદી પાસેથી કુલ 4,37,184 રૂપિયા રિકવર કર્યા હતા. આરોપીઓએ ફ્રોડના રૂપિયાનો ઉપયોગ કરી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ વેપારીએ પોલીસ ફરિયાદ કરી છે.
70 વર્ષના વૃદ્ધના ATMની વિગતો લઈને 4.23 લાખ ઉપાડી લીધા
ત્રીજી ઘટનામાં નિકોલ વિસ્તારમાં રહેતા અને ગુજરાત સરકારમાંથી નિવૃત થયેલા 70 વર્ષીય પ્રવિણચંદ્ર નટરલાલ મોદી નામના વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. ગત 26 ઓગસ્ટના રોજ અદાણી ગેસમાંથી બોલું છું તેવી ખોટી ઓળખ આપી એક હેકરે વોટ્સએપ પર કોલ કરી ગેસ બિલ અપડેટ કરવાના બહાને ફરિયાદીને એક ફોર્મ મોકલ્યું હતું. આ ફોર્મ ચાર્જના માત્ર 20 રૂપિયા ભરવાનું કહીને હેકરે તેમની પાસેથી બેંક ઓફ ઇન્ડિયા અને પત્ની સાથેના જોઈન્ટ યસ બૅંકના એટીએમ કાર્ડની વિગતો લઈ લીધા હતા. આ વિગતોના આધારે હેકરે ફરિયાદીની જાણ બહાર તેમના બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાંથી 3,23,560 રૂપિયા અને યસ બૅંકના એકાઉન્ટમાંથી 99,500 રૂપિયા સહિત કુલ 4,23,060 રૂપિયા અલગ-અલગ અજાણ્યા બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. બૅંકમાંથી ડેબિટ ટ્રાન્ઝેક્શન અંગેનો કોલ આવતા પોતાની સાથે ફ્રોડ થયાની જાણ થતાં ભોગ બનનાર વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે.




