- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- દર વર્ષે જંગલના બજેટસત્રમાં રાજા સિંહની સરકાર બજેટ રજૂ કરતી હતી. આ વર્ષેય બજેટમાં અલગ અલગ વર્ગને ધ્યાનમાં રાખીને ફંડ ફાળવાયું હતું
શિંગ-ભંગ યોજના
મહારાજા સિંહની સરકાર છેલ્લાં કેટલાય વર્ષોથી માદાસશક્તીકરણ માટે જુદી જુદી યોજના લાવીને પ્રયાસો કરે છે. એ પ્રયાસના ભાગરૂપે તદ્ન નવી યોજનાની બજેટમાં જાહેરાત થઈ હતી. રાજા સિંહની યોજનાઓનાં નામો રાખતા કલકલિયા કલમઘસુએ આ નામ બહુ સમજી-વિચારીને રાખ્યું હતું. જંગલની સરકારે બજેટમાં જોગવાઈ કરી એ પ્રમાણે આ યોજના હેઠળ પ્રાણીસમાજની માદાઓને બે પ્રકારે સહાય મળશે. જે માદા નર સાથે ફાઈટ કરીને નરના શિંગડા ભાંગી નાખશે તેના અકાઉન્ટમાં ભાંગેલા શિંગડાના વેરિફિકેશનના બદલામાં તુરંત ચોક્કસ રકમ જમા થઈ જશે. આ જ યોજનાનો બીજો પ્રકાર વધારે ઈન્ટરેસ્ટિંગ હતો. શિંગ-ભંગ યોજનાના ભાગરૂપે જ જો કોઈ માદા નરની સાથે ફાઈટ કરીને શિંગડા ગુમાવી દેશે તો તેમને કૃત્રિમ શિંગડા ફિટ કરવા આર્થિક સહાય મળશે.
પીંછાં-પાડ યોજના
શિંગ-ભંગની યોજના પ્રાણીસમાજની માદાઓ માટે હતી. પક્ષીસમાજની માદાઓને પણ તદ્ન આવી જ યોજનાનો લાભ મળે તે માટે બજેટમાં પીંછા-પાડ સ્કીમ લોંચ કરવાની જાહેરાત થઈ. પક્ષીસમાજની માદા નર સાથે લડાઈમાં ઉતરે અને વન-ઓન-વન ફાઈટમાં નરના પીંછાં ખેરવી નાખે તો ઈન્સ્ટન્ટ રકમ કરવાની જોગવાઈ થશે. સેમ, જો નર સામેની ફાઈટમાં માદાના પીંછા ખરી જશે તો કૃત્રિમ પીંછાં લગાવવા અલગથી રકમ મળશે. જે પક્ષીઓને નિયમિત પીંછાં ખરવાની સમસ્યા હતી તેમણે આ યોજનાનો લાભ લેવા માટે ડોક્ટરનું સર્ટિફિકેટ જોડવું પડશે એવી શરત આ યોજનામાં રાખવામાં આવી હતી. જેનો પક્ષીસમાજમાં ધીમો વિરોધ પણ ઉઠયો હતો.
વેરઝેર રોજગાર પાયલટ પ્રોજેક્ટ
રાજા સિંહ રોજગારી આપવા માટે તદ્ન મૌલિક યોજનાઓ આપતા હતા. અગાઉ તેમણે રીલ્સ રોજગારીનો વિચાર આપીને જંગલની યુવાપેઢીને રીલ્સ બનાવવા પ્રોત્સાહિત કરી હતી. તે પહેલાં પકોડા અને ભજિયાં બનાવીને રોજગારી મેળવવાનો વિચાર પણ તેમણે વહેતો કર્યો હતો. પરિણામે જંગલને પપ્પુ પોપટ જેવો ઉદ્યોગપતિ મળ્યો હતો કે જેણે પપ્પુ પકોડા ઈન્ડસ્ટ્રી નામથી સફળ સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી હતી. આવી યોજનાઓના ભાગરૂપે બજેટમાં વેરઝેર રોજગાર યોજનાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ થયો હતો. વિરોધીઓ સામે વેર રાખીને દરરોજ સવારે ઉઠે ત્યારથી લઈને છેક મધરાત સુધી સોશિયલ મિડીયામાં ઝેર ઓકી શકે એવા જંગલવાસીઓને રાશન મળશે. જોકે, આ યોજનાનો વિરોધપક્ષના નેતા સસલાભાઈ, કાચબાભાઈ, વાઘણબહેન, બારહસિંગાભાઈએ ભારે વિરોધ કર્યો હતો. તેમની દલીલ હતી કે રાજા સિંહ તેમના વિરોધીઓ સામે સમર્થકોને ઝેર ઓકવા ઉશ્કેરી રહ્યા છે અને સરકારી ફંડ આપીને તેમને છાવરી રહ્યા છે. રાજા સિંહે બહુ ઠંડકથી આનો જવાબ આપ્યો : 'મારે હવે તેમને ઉશ્કેરવાની જરૂર નથી. હું તો યુવાપેઢીના કૌશલ્યનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવા માંગું છે, વિપક્ષી નેતાઓ મને એ કામ કરવા દેતા નથી.'
લડ-ઝઘડ પેન્શન પ્લાન
જંગલની સરકારે આ પ્લાનને ટ્રેન્ડસેટર ગણાવીને કહ્યું હતું કે આ યોજનાથી જંગલવાસીઓના ભવિષ્ય સિક્યોર થશે. આ યુનિક પ્લાન પ્રમાણે બચત ન કરી શકતા જંગલવાસીઓ તેમનો લડવા-ઝઘડવાનો રેકોર્ડ સરકારી ચોપડે નોંધાવીને એને ભવિષ્યમાં પેન્શન પ્લાન તરીકે રીડીમ કરી શકશે. આ પ્લાન આર્થિક એક્સપર્ટ્સ પણ સમજી શક્યા ન હતા, પરંતુ પ્રાથમિક તારણ એવું રજૂ થતું હતું કે જેમણે લડી-ઝઘડીને પરાક્રમ બતાવ્યા છે તેમને સરકાર પરાક્રમના બદલામાં વળતર આપશે. રાજા સિંહના સમર્થનમાં લડતા સમર્થકોને કેવો અને કેટલો લાભ મળશે? રાજા સિંહના વિરોધીઓના સમર્થકો સિંહ સમર્થકો સામે લડે તો પેન્શન પ્લાનનો લાભ મળશે કે નહીં? કેવા પ્રકારની લડાઈને પેન્શન પ્લાનમાં કન્વર્ટ કરી શકાશે? આ બાબતે સ્પષ્ટતા થઈ ન હતી. પરંતુ 'જંગલ ન્યુઝ'ની પેનલમાં બેસેલા બજેટ એક્સપર્ટે આ પ્લાનને રાજા સિંહનો 'માસ્ટરસ્ટ્રોક' ગણાવ્યો હતો.
રાજકીય ભક્ત પ્રોત્સાહન સ્કીમ
ધંધા-રોજગાર મૂકીને રાજકીય પક્ષો, નેતાઓના સમર્થક કાર્યકરો માટે આ યોજના ઉપયોગી સાબિત થશે એમ કહીને બજેટમાં નોંધ મૂકવામાં આવી હતી કે માત્ર રાજા સિંહના જ નહીં, તમામ નેતાઓના સમર્થકોને આ સ્કીમનો લાભ મળશે. સ્કીમ હેઠળ ડેટાપેકથી લઈને ફૂડ પેકેટ્સની સવલત આપવા ખાસ ફંડ ફાળવાયું હતું. યોજનાનો લાભ લેવા માટે કાર્યકરે તેનો સોશિયલ મિડીયા પોસ્ટનો રેકોર્ડ બતાવવાનો થશે. રેલીઓમાં, યાત્રાઓમાં, મહોત્સવોમાં હાજર રહ્યા હોય તેનો ફોટો શેર કરવાનો થશે. મારપીટ કરતો વિડીયો રજૂ કરનારા કાર્યકરોને તો પ્રોટીનશેક, પ્રોટીન પાવડર સુદ્ધાં મળશે.
આ એકમાત્ર યોજના હતી, જેને વિપક્ષો પણ વધાવી લીધી હતી. જોકે, સસલાભાઈએ પ્રસન્નતા વ્યક્ત કરવાની સાથે ટકોર કરી હતી કે રાજા સિંહ આ યોજનાનો લાભ તમામ પાર્ટીના કાર્યકરોને ભેદભાવ વગર આપે તે જરૂરી છે. માત્ર રાજા સિંહની પાર્ટીને જ લાંબાંગાળે આ લાભ મળશે તો એ અન્ય પાર્ટીના કાર્યકરોને અન્યાય થયો ગણાશે.
આ નવી યોજનાઓની સાથે સાથે જંગલની સરકારે જૂની યોજનાઓને પણ ફંડ આપવાનું શરૂ રાખ્યું હતું. ખાસ તો ચૂંટણીમાં નેતાઓને જાહેરસભાઓમાં ઓકવા જે ઝેરની જરૂર પડે તે ડોનેટ કરતા સાપોને ટેક્સમાંથી મુક્તિ મળતી હતી તેનો સ્લેબ વધ્યો એ નોંધપાત્ર હતું. તેનાથી આખાય સાપ સમાજમાં અનેરો ઉત્સાહ જણાયો હતો.


