વિદેશી જંગલના રાજા ડ્રેગન સાથે મહારાજા સિંહની 'પર્સનલ દોસ્તી'
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- સિંહ પાસે જોકનો મોટો ખજાનો હતો. રાજા સિંહ એમ માનતા કે તેઓ બહુ કૂલ અને ફની છે એ પાછળ તેમની જોક કહેવાની વિશિષ્ટ આવડતનો બહુ મોટો ફાળો છે
વિદેશી જંગલોના રાજાઓ સાથે 'પર્સનલ દોસ્તી' બાંધવાની રાજા સિંહની ખાસિયત વિશિષ્ટ હતી. રાજા સિંહની દોસ્તી બાંધવાની સ્ટાઈલ પણ નોખી હતી. સામાન્ય રીતે રાજા સિંહ કોઈ વિદેશી જંગલની મુલાકાત કરે ત્યારે ત્યાંના રાજાને ભેટી પડે, તેનો પંજો એવો હચમચાવે, એવો હચમચાવે કે વિદેશી જંગલના રાજા પાસે દોસ્તી કર્યા સિવાય કોઈ છૂટકો જ ન રહે. રાજા સિંહની બીજી ખાસિયત હતી - જોક.
વિદેશી જંગલના રાજાને મળે ત્યારે રાજા સિંહ કાયમ એક જોક સંભળાવે ને એમાં પોતે જ એટલું હસે કે એને જોઈને જ સામેનો રાજા હસીને દોસ્તીનો પંજો લંબાવી દે. સિંહ પાસે જોકનો મોટો ખજાનો હતો. રાજા સિંહ એમ માનતા કે તેઓ બહુ કૂલ અને ફની છે એ પાછળ તેમની જોક કહેવાની વિશિષ્ટ આવડતનો બહુ મોટો ફાળો છે. 'જંગલ ન્યૂઝ'ના ખબર હટકે વિભાગમાં તો એવીય સ્ટોરી ચાલતી હતી કે રાજા સિંહ માટે કવિ કલકલિયો કલમઘસુ જોક લખી આપે છે. આવી રીતે જોક સંભળાવીને રાજા સિંહે કેટલાય રાજાઓ સાથે 'પર્સનલ દોસ્તી' બાંધી હતી. મહારાજા સિંહના સમર્થક ભક્ત શિરોમણી ઘેટાભાઈ ઘાસફૂસિયા તો સોશિયલ મીડિયામાં એવો પ્રચાર પણ કરતા કે રાજા સિંહની 'પર્સનલ દોસ્તી'ના કારણે જ જંગલને મોટો ફાયદો મળી રહ્યો છે.
એક દિવસ વિદેશી જંગલના રાજા ડ્રેગને ફોન કરીને રાજા સિંહને મહેમાન બનવાનું આમંત્રણ આપ્યું. પરવાનગી વગર વારંવાર રાજા સિંહના જંગલમાં ઉડાઉડ કરતા ડ્રેગનથી સિંહ નારાજ હતા, પરંતુ એક આમંત્રણે રાજા સિંહની નારાજગી દૂર કરી દીધી. સિંહના સ્વાગતમાં ડ્રેગને લાલ ઘાસ બિછાવ્યું હતું એનાથી રાજા સિંહ ખૂબ ખુશ થયા. રાજા સિંહે ડ્રેગનને ભેટીને કોઈ જબરો જોક સંભળાવ્યો ને પછી ખુદ એટલા હસ્યા કે ડ્રેગનના મોં પર પણ સ્મિત આવી ગયું. ને એ સાથે જ બંને જૂની નારાજગી ભૂલીને દોસ્ત બની ગયા. બંને મળીને ખૂબ હસ્યા. નાચ્યા. ગીતો ગાયા. ડ્રેગને આગના ફુફાડા મારીને સિંહનું મનોરંજન કર્યું. સિંહે ગર્જના કરીને ડ્રેગનનું દિલ બહેલાવ્યું. રાજા સિંહે તો પ્રસન્ન થઈને ઉત્સાહમાં બંનેની દોસ્તી માટે નવું સૂત્ર પણ આપ્યું : 'ડ્રેગન-સિંહ ભાઈ-ભાઈ'
આ બંનેની 'કેમિસ્ટ્રી' પર તો 'જંગલ ન્યૂઝ'માં ડિબેટ થઈ. સોશિયલ એન્જિનીયર મસ્તરામ મોરે વિરોધમાં દલીલ કરી: 'આ દોસ્તીનો કોઈ અર્થ નથી. અગાઉ પણ ડ્રેગનને મહારાજા સિંહે જંગલમાં બોલાવીને વડવાઈનો હિંચકો બનાવીને ઝુલાવ્યો હતો, છતાં એ સુધર્યો નહીં. જંગલને જો આ દોસ્તીથી ફાયદો ન થવાનો હોય તો કોઈ મતબલ નથી.'
પણ સામે પક્ષે ફોરેસ્ટ પૉલિસીના માસ્ટર ગણાતા હોલાજી હઠીલાએ સ્પષ્ટ શબ્દોમાં, ઘાંટો પાડીને કહી દીધું - 'આ ઐતિહાસિક ક્ષણ છે. ડ્રેગન-સિંહની દોસ્તીનાં ઉદાહરણો યુગો યુગો સુધી યાદ કરાશે. રાજા સિંહે આપેલો 'ડ્રેગન-સિંહ ભાઈ-ભાઈ'નો નારો કેટલાય જંગલોના રાજાના કાન ફાડી નાખશે. બીજા વિદેશી જંગલના રાજા ગોલ્ડન ઈગલના કાનના પડદા તો રિપેર કરાવવા પડે નહીં તો જ નવાઈ છે!'
જંગલ ન્યૂઝનો આ વિડીયો વાયરલ થઈ ગયો. કારણ એટલું કે વિદેશી જંગલના બે રાજાઓ - રાજા ગોલ્ડન ઈગલ અને રાજા ડ્રેગન વચ્ચે જૂની માથાકૂટ ચાલતી હતી. ગોલ્ડન ઈગલે રાજા ડ્રેગનના ફુફાડામાંથી જે આગ નીકળે એની સામે વાંધો ઉઠાવ્યો છે. ઈગલનું માનવું છે કે આ આગના કારણે ક્યારેય દાવાનળ ફાટી નીકળશે. સામે ડ્રેગને પણ ઈગલ ઉડે ત્યારે હવા કાઢે છે એની સામે વિરોધ ઉઠાવ્યો. એનું માનવું એમ છે કે મારી આગથી દાવાનળનું જોખમ બિલકુલ નથી, પણ જો ઈગલ એમાં હવા ફૂંકશે તો દાવાનળનું જોખમ ખરું. બંને વચ્ચે સમાધાનના પ્રયાસો થયા, પણ એક આગ રોકવા તૈયાર નથી, બીજો હવા રોકવા તૈયાર નથી.
અત્યાર સુધી રાજા સિંહ ઈગલની વાતમાં સહમત હતા કે ડ્રેગનના કારણે ક્યારેય મોટી આગ ફાટી નીકળશે. પણ હવે ડ્રેગનની મહેમાનગતિ પછી રાજા સિંહ બોલ્યા: 'મારું માનવું છે કે માત્ર આગથી કોઈ જોખમ નથી. એમાં હવા લાગે તો જ મોટો ખતરો છે.' સિંહનું બદલાયેલું વલણ જોઈને ગોલ્ડન ઈગલનો ગુસ્સો તો ફાટફાટ થવા લાગ્યો. તેણે નિવેદન આપ્યું: 'સિંહોની ગર્જના પર હું ટેરિફ લગાડું છું. કસમયે ગર્જનાથી મારા જંગલમાં અશાંતિ સર્જાય છે. હું સિંહોને ઘોંઘાટ કરવાની પરવાનગી નહીં આપું.'
રાજા સિંહના રાજકીય સલાહકાર રીંછભાઈએ ગોલ્ડન ઈગલના ટેરિફની જાણકારી આપીને રાજા સિંહને કહ્યું, 'મહારાજ! આમાં તો આપણું નુકસાન થશે. તમે કંઈક કરો!'
રાજા સિંહે વળતી દલીલ કરી, 'આપણે ગોલ્ડન ઈગલના જંગલમાં ગર્જના કરવા નહીં જઈએ. ભલે ટેરિફ લગાડે.'
'તમે સમજ્યા નહીં મહારાજ! ગોલ્ડન ઈગલના જંગલમાં આપણે ગર્જના 'ઈમ્પોર્ટ' કરીએ છીએ. આપણાં અનેક ક્લાયન્ટ્સ છે ત્યાં!' રીંછભાઈની સ્પષ્ટતા પછી રાજા સિંહે ગોલ્ડન ઈગલને ફોન કર્યો અને પોતાના જોકના ખજાનામાંથી જોક સંભળાવ્યો.
જોક પૂરો થાય એ પહેલાં જ ગોલ્ડન ઈગલે ફોન કટ કરીને નવો વિડીયો રીલિઝ કર્યો : 'હું સિંહ પર 'જોક ટેરિફ' લગાડું છું!'