Get The App

રાજા સિંહની પાર્ટીનું નવું સ્લોગન : એક બૂથ, 10 યુથ વિપક્ષના નેતા સસલાભાઈનું સ્લોગન : એક બૂથ, 10 જૂથ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
રાજા સિંહની પાર્ટીનું નવું સ્લોગન : એક બૂથ, 10 યુથ વિપક્ષના નેતા સસલાભાઈનું સ્લોગન : એક બૂથ, 10 જૂથ 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- એક બૂથ, 10 યુથ - એવો નારો લગાવીને સિંહની પાર્ટીના કાર્યકરો વિપક્ષો પર તૂટી પડતા હતા. વિપક્ષી કાર્યકરોમાં તો ફફડાટ ફેલાઈ ગયો

રાજા સિંહે તેમની પાર્ટીના અધ્યક્ષપદે તેતરભાઈ તકરારીને પસંદ કર્યા હતા. તેતરભાઈએ ખૂબ મહેનતથી આ મુકામ મેળવ્યો હતો. ગમે તેની સાથે લડાઈ-ઝઘડા કરવાની તેમની ક્ષમતા બેમિસાલ હતી. વિપક્ષી નેતાઓના સમર્થકો સાથે તો તકરારમાં ઉતરતા માટે તેતરભાઈ મધરાતે ય તૈયાર રહેતા. એટલું જ નહીં, તેમની ખાસિયત એ હતી કે તકરાર કરવા માટે તેમને ક્યારેય કારણની જરૂર ન પડતી. તકરાર કર્યા પછી બોલાચાલી થતી એમાંથી એ કારણ શોધી કાઢતા.

મહારાજા સિંહ ખુદ તેમના ઓડિયો કાર્યક્રમ 'વન કી બાત'માં તેતર તકરારીનાં પરાક્રમોનું વર્ણન કરી ચૂક્યા હતા અને પાર્ટીના કાર્યકરો કેવી રીતે તેમની પાસેથી પ્રેરણા લઈ શકે તે ઉદાહરણ સાથે સમજાવી ચૂક્યા હતા. રાજા સિંહે તો ત્યાં સુધી કહેલું કે કાર્યકર તરીકે તમારે વારંવાર વિપક્ષી કાર્યકરો સાથે ઘર્ષણમાં ઉતરવાનું થાય, ઝઘડા કરવાનું થાય, મારપીટ પણ કરવાની થાય - દરેક વખતે કંઈ તમારી પાસે ઝઘડાનું મજબૂત કારણ ન હોય. ત્યારે તમે માથાકૂટ કર્યા પછી કારણ કેવી રીતે શોધી શકો અને સોશિયલ મીડિયામાં પ્રચાર કરીને પોતાની તરફેણમાં માહોલ કેવી રીતે બનાવી શકો તે તમે તેતર તકરારી પાસેથી શીખી શકો છો.

તેતરભાઈ તકરારી રાજા સિંહની પાર્ટીના અધ્યક્ષ બન્યા ત્યારથી તેમણે કાર્યકરોને સતત મારપીટ કરવા, ઝઘડા કરવા પ્રેરિત કર્યા. પાર્ટીના યુવા કાર્યકરોને ઉશ્કેરવા માટે તેમણે ખાસ સ્લોગન આપ્યું : 'એક બૂથ, ૧૦ યુથ!' રાજા સિંહની પાર્ટીનું લક્ષ્ય દરેક બૂથ હોય છે. બૂથ લેવલે કામ કરતી પાર્ટી હોવાથી આ સ્લોગનનો માર્મિક અર્થ એવો થતો હતો કે એકેએક બૂથમાં ૧૦ યુથ ભેગા થઈને વિપક્ષના કાર્યકરો પર તૂટી પડે. તેમની ગણતરી એવી હતી કે જંગલના દરેક બૂથમાં ઓછામાં ઓછા ૧૦ યુવાન કાર્યકરો બૂથ લેવલેથી જ મારપીટની યોગ્ય તાલીમ મેળવે તો પાર્ટી પાસે બહુ મોટી કેડર બેઝ ઝઘડાખોર ટીમ તૈયાર થાય ને પાર્ટીને લાંબા ગાળે ફાયદો થાય.

તેતર તકરારીના કુશળ નેતૃત્વમાં આખાય જંગલમાં આવી ટીમ તૈયાર થવા માંડી. એક બૂથ, ૧૦ યુથ - એવો નારો લગાવીને સિંહની પાર્ટીના કાર્યકરો વિપક્ષો પર તૂટી પડતા હતા. વિપક્ષી કાર્યકરોમાં તો ફફડાટ ફેલાઈ ગયો. વિપક્ષના મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાએ પાર્ટીના કાર્યકરોને કહ્યું કે તમે બધા ભેગા થઈને આની સામે જાહેરમાં કકળાટ કરો. જંગલવાસીઓને ખબર પડવી જોઈએ કે રાજા સિંહના કાર્યકરો આપણા કાર્યકરો પર અત્યાચાર કરી રહ્યા છે. કાચબાભાઈ તો રાજા સિંહ અને વિપક્ષના નેતા સસલા બંનેના વિરોધમાં હતા એટલે તેમણે કાર્યકરોને સમજાવ્યા કે તમારે એવો પ્રચાર કરવાનો છે કે સિંહના કાર્યકરો અને સસલાના કાર્યકરો વચ્ચે અંદરખાને ગઠબંધન છે એટલે બંને મળીને આપણા કાર્યકરોને ટાર્ગેટ કરે છે.

રાજા સિંહની પાર્ટીના નવા કેમ્પેઈન અને કાચબાભાઈની સક્રિયતા વિશે જાણીને આખરે વિપક્ષના નેતા સસલાભાઈ પણ એક્ટિવ થયા. સસલાભાઈ પાસે તો રાજા સિંહની જેમ કાર્યકરોની મોટી ટીમ ન હતી. સસલાભાઈએ જંગલ જોડો યાત્રા કરીને નવા કાર્યકરો બનાવવાની કોશિશ કરી હતી, પરંતુ પછી પગમાં છાલા પડતાં વારંવાર આરામમાં ઉતરી જતા હતા. સસલાભાઈએ થોડા દિવસ તો ઊંડું ચિંતન કર્યું છતાં કોઈ ઉકેલ ન મળ્યો એટલે સિનિયર નેતા, અંગત વિશ્વાસુ અને પાર્ટીના અધ્યક્ષ લંગૂરભાઈ લપલપિયા સાથે ચર્ચા કરી. લંગૂરભાઈએ ઉછળકૂદ કરીને ઉપાય બતાવ્યો : 'સસલાજી! આપણે પણ આવું જ કંઈક સ્લોગન આપીને કેમ્પેઈનિંગ કરીએ.'

'ઓકે. લેટ મી થિંક!' સસલાભાઈએ મિનિટો સુધી વિચાર્યુ ને પછી અચાનક ઉછળી પડયા. તેમને સ્લોગન ક્લિક થઈ ગયું હતું. તેમણે ઉત્સાહથી નવું સ્લોગન આપ્યું : 'એક બૂથ, ૧૦ જૂથ!'

લંગૂરભાઈએ તરત રિએક્ટ કર્યું, 'આ સૂત્ર તો આપણી પાર્ટીમાં આમેય અમલી જ છે. બધા જૂથમાં જ તો કામ કરે છે!'

'નો. યુ ડિડન્ટ અંડરસ્ટેન્ડ માય પોઈન્ટ!' સિંહના દસ કાર્યકરો સામે આપણાં દસ જૂથ એક્ટિવ થશે. મામલો સોલ્વ્ડ!' સસલાભાઈએ ઉમંગથી ઉમેર્યું, 'તમે દરેક બૂથની યાદી તૈયાર કરો!'

નિસાસો નાખીને લંગૂરભાઈ લપલપિયા નેગેટિવ ટોનમાં બોલ્યા: 'સસલાજી! સ્લોગન તો અદ્ભુત ક્રિએટિવ છે, પરંતુ એક જ સમસ્યા છે -આપણી પાસે દરેક બૂથમાં આટલા કાર્યકરો ને નેતાઓ જ નથી.'

છેક અંતરીક્ષમાં આંખો ખોડીને સસલાભાઈએ ઊંડો વિચાર કર્યો ને પછી એકાએક દોડીને દૂર જતાં બોલ્યા: 'ઓકે તો હું કાર્યકરો બનાવવા જંગલ જોડો યાત્રાએ નીકળું છું.'

Tags :