- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- 'તમે નિરાંતે રીલ્સ બનાવી શકો એ માટે જ હું તમને નોકરીની ચક્કીમાં પીસતો નથી. મારા પ્યારા દોસ્તો! તમારા ભલા માટે મેં સરકારમાં ભરતી સાવ ઓછી કરી દીધી છે.'
મહારાજા સિંહે જંગલની યુવાપેઢીને સંબોધીને ઐતિહાસિક ભાષણ આપ્યું: 'મારા યુવા મિત્રોં! આજે હું તમને રોજગારીની તદ્ન નવી સલાહ આપવાનો છું. હું તમારું ભલું કરવા રાજા બન્યો છું અને ગમે તે ભોગે ભલું કરીને જ ઝંપીશ. હું તમને રોજગારીનો સાવ નવો મંત્ર આપી રહ્યો છું. તમે એ તમારા જીવનમાં અપ્લાય કરી દેશો તો જંગલની સરકાર પાસે પણ રોજગારીની અપેક્ષા નહીં રહે. એ સૂત્ર છે - રીલ બનાવો રોજગારી મેળવો!'
રાજા સિંહનું નવું સૂત્ર સાંભળીને તેમના સમર્થકોએ પંજા ટકરાવીને ઘોંઘાટ કરી મૂક્યો. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા તો અહોભાવથી રાજા સિંહને તાકી રહ્યા. એમણે વિચાર્યું: 'રોજગારી માટેના આવા આવા મૌલિક વિચારો રાજા સિંહ લાવતા ક્યાંથી હશે?'
રાજા સિંહે ભાષણ આગળ ચલાવ્યું: 'તમે નિરાંતે રીલ્સ બનાવી શકો એ માટે જ હું તમને નોકરીની ચક્કીમાં પીસતો નથી. મારા પ્યારા દોસ્તો! તમારા ભલા માટે મેં સરકારમાં ભરતી સાવ ઓછી કરી દીધી છે અને બધું જ કોન્ટ્રાક્ટથી ચલાવી લઉં છું. મારું આયોજન તો એવું છે કે ભવિષ્યમાં સરકારી ભરતી સદંતર બંધ કરીને આપ સૌને રીલ્સ બનાવવાની મોકળાશ આપું. જંગલની યુવાપેઢીને રીલ્સમાંથી કમાતી કરીને મારે આત્મનિર્ભર બનાવવી છે. તમે જોતા રહો એક દિવસ આપણા જંગલની આખી યુવાપેઢી રીલ્સ બનાવતી હશે અને દુનિયા એ રીલ્સ જોઈને મોંમાં પંજા નાખી દેશે!'
ફરી પંજા ટકરાવવાનો અવાજ આવ્યો. રાજા સિંહે ઉમેર્યું, 'અગાઉના રાજાઓના જમાનામાં માત્ર ગણ્યા-ગાંઠયા ફિલ્મસર્જકો જ ફિલ્મો બનાવતા. મેં જંગલમાં એવો માહોલ બનાવ્યો કે તમે સૌ ફિલમ ઉતારતા થઈ ગયા. આ મારી સિદ્ધિ છે દોસ્તો! મેં બનાવેલી પૉલિસીના કારણે આપ સૌ રીલ બનાવી શકો છો અને રીલ જોઈ શકો છો. યાદ કરો, પહેલાં આ જંગલની યુવા પેઢી નોકરી શોધવા અહીંથી અહીં ધક્કા ખાતી હતી. અમુક યુવા પંખીઓની પાંખો નોકરી શોધવામાં ઘસાઈ જતી હતી. પ્રાણી સમાજના કેટલાય યુવાનોની પગની ખરીઓ નોકરી મેળવવાના ચક્કરમાં નકામી થઈ જતી હતી. હવે નોકરી શોધવાની વાત જ ભૂતકાળ થઈ ગઈ છે. મેં જંગલમાં એવો માહોલ બનાવ્યો છે કે તમારે કોઈને નોકરીની જરૂર જ પડતી નથી. હું તમને સ્વનિર્ભર બનાવવામાં કોઈ કસર નહીં છોડું. આજે રીલથી રોજગારી મળે છે, કાલે કંઈ બીજું શોધી કાઢીશ.'
પછી તો રાજા સિંહ કલાક સુધી બોલતા રહ્યા. ઓડિયન્સને બગાસાં ખાતી જોઈને તેમના રાજકીય સલાહકાર રીંછભાઈએ આવીને કાનમાં કંઈક કહ્યું એટલે આખરે ભાષણ પૂરું કરતાં રાજા સિંહ બોલ્યા : 'વંદે જંગલમ્... જંગલ માતા કી જય!'
સિંહ સમર્થકોએ પણ વળતો નારો આપ્યો : 'વંદે જંગલમ્... જંગલ માતા કી જય!'
રાજા સિંહ રોજગારીના નવા નવા મૌલિક વિકલ્પો શોધીને આપતા હતા એનાથી સમર્થકો ખુશ હતા. ભાષણ પૂરું થયા પછી સમર્થકોમાં અંદરોઅંદર વાતો પણ ચાલી. બકુલેશ બળદના મોં પર અહોભાવ છલકાતો હતો : 'યાર આપણા રાજા તો આપણા રાજા છે હોં!'
સ્વઘોષિત વિદ્વાન હોલા હઠીલાએ વિદ્વતા ઓકી : 'આદરણીય રાજા સાહેબે વિચારણીય વિકલ્પ આપીને ચિરકાલીન યશસ્વી કાર્ય કર્યું છે.'
પાડા પંચાતિયાએ પંચાતમાં ઝંપલાવ્યું: 'રાજા સિંહનો આ આઈડિયા બીજા જંગલોમાં પણ લાગુ થશે. આપણા રાજા તો ખૂબ પોપ્યુલર છે. વિદેશી જંગલના રાજાઓ ગોલ્ડન ઈગલ, ડ્રેગન વગેરે તો એમના ખાસમખાસ દોસ્તો છે.'
ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ અઠંગ સિંહભક્તની અદાથી કહ્યું, 'રાજા સિંહ માટે આવા મૌલિક વિચારો રજૂ કરવા કંઈ નવી વાત નથી. અગાઉ તેમણે આવો જ ક્રાંતિકારી વિચાર આપીને જંગલમાં રોજગારીને નવી દિશા આપી હતી. તમને યાદ હોય તો તેમણે પકોડા અને ભજિયા બનાવીને રોજગારી મેળવવાની હાકલ કરી હતી. તેના પરિણામે જ આ જંગલને પપ્પુ પોપટ જેવો મહાન ઉદ્યોગપતિ મળ્યો. આજે તેમની કંપની પકોડા એન્ડ ભજિયા ઈન્ડસ્ટ્રી સરકારી કાર્યક્રમોમાં લાખો-કરોડોના કેટરિંગના ઓર્ડર્સ મેળવે છે.'
બીજી તરફ રાજા સિંહનું ભાષણ સાંભળીને જંગલના અનેક યુવક-યુવતીઓએ રીલ્સ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. અત્યાર સુધી માત્ર રીલ્સ જોતાં યુવાનોને પણ સિંહના ભાષણથી પ્રેરણા મળી. માત્ર રીલ્સ જોઈને ટાઈમપાસ કરવા કરતાં તેમને રીલ્સ બનાવવાની મહેનત કરવી યોગ્ય લાગી. સિંહના ભાષણની કલાકો પછી જંગલમાં ચારે બાજુ રીલ્સનું શૂટિંગ શરૂ થઈ ગયું.
જોકે, જંગલમાં એક વર્ગ હજુય એવો હતો જે સિંહના આવા મોટિવેશનલ ભાષણ પછીય પ્રેરિત થયો ન હતો. તેમના શરીરમાં એટલી આળસ ભરાઈ ગઈ હતી કે દરરોજ સિંહ આવાં ભાષણો કરે તો પણ આળસ ઉડે એમ ન હતી. પણ હા, તેમનેય ભાષણથી એટલી આશા તો બંધાઈ કે ભવિષ્યમાં રાજા સિંહ 'રીલ્સ જોઈને રોજગારી મેળવો' એવી યોજના ચોક્કસ લાવશે.
વિપક્ષના નેતા સસલાભાઈએ રાજા સિંહનું આખું ભાષણ સાંભળ્યું. રીલ્સ પ્રોડક્શનના ટ્રેન્ડ વિશે પણ જાણ્યું. સમર્થકો રાજા સિંહના રોજગારીના વિકલ્પોની વાહવાહી કરતા હતા એ જોઈને અકળાયેલા સસલાભાઈએ કટાક્ષમાં સૂત્ર આપ્યું : બેવકૂફ રહો, બેરોજગાર રહો!


