Get The App

વન સ્વરાજની ચૂંટણી : જીતેલા જોશમાં, હારેલા હતાશામાં, મતદારો ફરી મહેનતમાં

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
વન સ્વરાજની ચૂંટણી : જીતેલા જોશમાં, હારેલા હતાશામાં, મતદારો ફરી મહેનતમાં 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- સિંહે ગુપ્ત બેઠકમાં કાચબાભાઈને સમજાવ્યું: 'મારા ઉમેદવારોથી નારાજ મતદારો સસલાભાઈ તરફી ન થઈ જાય એ માટે મહેનત કરો. પ્રચારનો બધો ખર્ચ આપી દઈશ!'

વનના નાના-નાના વિસ્તારોના સંચાલન માટે 'વન સ્વરાજ'ની ચૂંટણી યોજાતી હતી. રાજા પસંદ કરવા 'જંગલ સ્વરાજ'ની ચૂંટણી થતી અને જંગલના મોટા વિભાગોના સંચાલન માટે મુખ્યમંત્રીઓની 'અરણ્ય સ્વરાજ'ની ચૂંટણી થતી એની બરાબર વચ્ચે 'વન સ્વરાજ'ની ચૂંટણી આવતી. વન સ્વરાજની ચૂંટણીમાં રાજા સિંહ અને રીંછભાઈ ભલે ખુદ પ્રચારમાં ઉતરતા નહીં, પરંતુ તેમના વ્યૂહ પ્રમાણે જ બધી 'ગોઠવણ' પાર પડતી.

ચૂંટણીમાં સિંહની પાર્ટીના ઉમેદવારો, વિપક્ષના નેતા સસલાભાઈના ઉમેદવારો અને મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. એક દોઢ મહિનાની કવાયત પછી આખરે ચૂંટણી પૂરી થઈ ગઈ. જંગલશાહીના નિયમો પ્રમાણે જંગલમાં બધી જ ચૂંટણીઓ યોજવાની જવાબદારી બાજસમાજ પર હતી. જંગલના બધા સમાજોએ વર્ષો પહેલાં જ બાજની નિષ્પક્ષતાને સ્વીકારીને તેને ચૂંટણીમાં મધ્યસ્થી કરવાનું કામ સોંપ્યું હતું. જોકે, છેલ્લાં ઘણાં સમયથી જંગલમાં બાજસમાજની નિષ્પક્ષતા પર સવાલો ઉઠતા હતા છતાં બાજસમાજે ચૂંટણીઓની મધ્યસ્થી શરૂ રાખી હતી. વન સ્વરાજની ચૂંટણી પણ બાજોની નિગરાનીમાં યોજાઈ. બાજોએ અપેક્ષિત પરિણામો જાહેર કર્યા.

વન સ્વરાજની ચૂંટણીમાં રાજા સિંહના ઉમેદવારોનો દબદબો રહેતો આવતો હતો. વધુ એક વખત એવો જ દબદબો જોવા મળ્યો. ચૂંટણી પહેલાં જંગલના મતદારોમાં ભારે આક્રોશ હતો. મતદારો ફરિયાદ કરતા હતા કે રાજા સિંહના ઉમેદવારો જીત્યા પછી વન સ્વરાજના વિભાગોમાં કામ કરવા આવતા નથી. ફરિયાદો સાંભળીને સસલાભાઈના ઉમેદવારો ભારે ઉત્સાહમાં હતા. તેમણે ધારી લીધું હતું કે જંગલના મતદારો આ ચૂંટણીમાં તો રાજા સિંહના ઉમેદવારોને મત નહીં જ આપે અને સ્વરાજનું સંચાલન આપણી પાસે આવી જશે.

પરંતુ રાજા સિંહે ગુપ્ત રીતે કાચબાભાઈ સાથે બેઠક કરી લીધી. સિંહે કાચબાભાઈને સમજાવ્યું: 'મારા ઉમેદવારોથી નારાજ મતદારો સસલાભાઈ તરફી ન થઈ જાય એ માટે મહેનત કરો. પ્રચારનો બધો ખર્ચ આપી દઈશ!' હોશિયાર કાચબાભાઈએ વળતી શરત મૂકી: 'પ્રચારના ખર્ચથી કામ નહીં થાય. મારા ઉમેદવારોને પણ એક-બે નાના વિભાગોમાં સંચાલન સોંપો.' રાજા સિંહે કાચબાભાઈની શરત સ્વીકારી લીધી. ચૂંટણીના પરિણામોમાં ઠેર-ઠેર રાજા સિંહની પાર્ટીના ઉમેદવારો જીતી ગયા.

પરિણામો પછી જીતી ગયેલા ઉમેદવારો ભારે જોશમાં હતા. નાચતા-ગાતા આ ઉમેદવારો આખાય જંગલમાં ફરી વળ્યા. 'રાજા સિંહનો જય હો! રીંછભાઈનો જય હો! વંદે જંગલમ્... જંગલ માતા કી જય!' આવા નારા લગાવતા આ ઉમેદવારોના 'જંગલ ન્યૂઝ'માં લાઈવ દૃશ્યો આવતા હતા એ જોઈને સસલાભાઈની પાર્ટીના હારેલા ઉમેદવારો હતાશ થતા હતા. આટલો પ્રચાર કર્યો ને જંગલવાસીઓએ જીતાડી દેવાની ખાતરી આપી હતી તે છતાં કેમ હારી ગયા એ આ ઉમેદવારોને સમજાતું ન હતું. વિજેતા ઉમેદવારોએ નારા લગાવ્યા: 'જીતી ગયા ભાઈ જીતી ગયા, રાજા સિંહના આશીર્વાદથી જીતી ગયા..' હારેલા ઉમેદવારોએ વળતો નારો લગાવ્યો: 'હારી ગયા ભાઈ હારી ગયા.. ખબર નહીં કેમ હારી ગયા...'

'જંગલ ન્યૂઝ'ના વિશેષ સંવાદદાતા લક્કડખોદ લપલપે રાજા સિંહના દરબારમાં જઈને ચૂંટણી વિજયનું કારણ પૂછ્યું. રાજા સિંહે છટાથી કહ્યું, 'મારા વિકસિત જંગલના સંકલ્પોના કારણે આ જીત મળી છે.' લક્કડખોદે સસલાભાઈને હારનું કારણ પૂછ્યું. સસલાભાઈએ બેફિકર થઈને કહ્યું, 'મારી પાર્ટીના પ્રમુખ લંગૂરભાઈ લપલપિયા હારના કારણોની સમીક્ષા બેઠક યોજશે તે પછી આપને જણાવીશું.' કાચબાભાઈ પાસે જઈને લક્કડખોદે પૂછ્યું, 'આ ચૂંટણીમાં આપના ઉમેદવારોના દેખાવ વિશે શું કહેશો?' કાચબાભાઈએ થોડું વિચાર્યું ને પછી જવાબ આપ્યો, 'અમને અમારી મહેનત અને સ્માર્ટનેસનું ફળ મળ્યું છે.'

રાજા સિંહના સમર્થક ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા, હોલો હઠીલો, કાગડાભાઈ કંકાસિયા, પાડાકુમાર પંચાતિયા, બકુલેશ બળદ વગેરે કાર્યકરોએ તો રાજા સિંહના વખાણ કરીને સોશિયલ મિડીયા ઉભરાવી દીધું. 'જંગલ ન્યૂઝ'ના સંવાદદાતા લક્કડખોદે ઘેટાભાઈને પૂછ્યું, 'આ વિજયથી તમે કેમ આટલા ખુશ છો? તમે તો ચૂંટણી લડીને વિજેતા બન્યા નથી તો આ જીતથી તમને શું ફાયદો થશે?' ઉશ્કેરાઈને ઘેટાભાઈએ જવાબ આપ્યો, 'હું પાર્ટીનો કાર્યકર છું. ચૂંટણી લડવા માટે કામ નથી કરતો. જંગલના સર્વાંગી વિકાસ માટે યોગદાન આપું છું. એ તમને નહીં સમજાય. હું મારા અંગત ફાયદા-નુકસાનનું ક્યારેય વિચારતો નથી.'

*

વન સ્વરાજની ચૂંટણીના પરિણામો પછી એક તરફ જંગલમાં વિજેતા ઉમેદવારો ખુશખુશાલ થઈને પ્રદર્શનો કરતા હતા. બીજી તરફ હતાશ થયેલા હારેલા ઉમેદવારો મોં ચઢાવીને હારનું કંઈક વાજબી બહાનું શોધતા હતા ને ત્રીજી તરફ હાર-જીતની ચાવીરૂપ ભૂમિકા ભજવ્યા બાદ મતદારો ફરીથી મહેનતમાં લાગી ગયા હતા. પ્રેક્ટિકલ રહેવું એ જંગલના મતદારોની ખાસિયત હતી. તેમને બરાબર ખબર હતી કે આવી ચૂંટણીઓ તો આવે ને જાય, આપણી પરિસ્થિતિમાં કોઈ ફરક પડવાનો નથી. વાસ્તવિકતા જાણતા મતદારોએ થોડીવાર પરિણામોનો તમાશો જોઈને ફરીથી પોતાનું પેટ ભરવા મહેનત આદરી દીધી હતી.

ચોથી તરફ રાજા સિંહ અને રીંછભાઈ મોંઘી ગિફ્ટ પેક કરાવતા હતા. એક ગિફ્ટ પેકમાં મોટા અક્ષરે નામ લખેલું હતું : 'સ્નેહી શ્રી કાચબાભાઈ કકળાટિયા.'

બીજા ગિફ્ટ પેક પર એટલા જ મોટા અક્ષરે વંચાતું હતું: 'શ્રી બાજસમાજને રાજા સિંહ તરફથી સપ્રેમ ભેંટ'