For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વસતિ ગણતરી થઈ હોવાથી કીડીઓમાં અનેરો ઉત્સાહ

Updated: Sep 29th, 2022

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલના અખબારમાં સમાચાર આવ્યા: 'મહારાજા સિંહની સરકારે પ્રથમ વખત કીડીઓની વસતિ ગણતરી કરી... સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે જંગલમાં કીડીઓની વસતિ સૌથી વધારે છે... જાતિ આધારિત વસતિ ગણતરીના કારણે એવી પણ અટકળો શરૂ થઈ છે કે હવે પછીની ચૂંટણીમાં કીડીસમાજને પણ રાજકીય મહત્વ મળશે...' જંગલની સરકારે સત્તાવાર આંકડા જાહેર કર્યા તે પછી કીડીસમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. કીડીસમાજના પ્રમુખે ઉજવણી માટે તાત્કાલિક બેઠક બોલાવી...

'આપણા સૌ માટે આ ઉત્સવની ઘડી છે,' અખિલ જંગલીય કીડીસમાજનાં ચેરપર્સન કીડીબહેન કામઢાએ ઉત્સાહભેર ઉમેર્યુ: 'મને લાગે છે કે અત્યાર સુધી મુખ્ય પ્રવાહથી દૂર આપણો કીડીસમાજ હવે વિકાસના પંથે આગેકૂચ કરશે. મહારાજા સિંહે ખરેખર આપણને મહત્વ આપ્યું'.

કીડીબહેન કામઢાને અથાગ પરિશ્રમ પછી સમાજનું સુકાન મળ્યું હતું. તેમના મમ્મીનું કચડાઈને આકસ્મિક મૃત્યુ થયા પછી પરિવારમાં બધી જ બહેનો અને ભાઈઓના પોષણની જવાબદારી ખૂબ નાની વયે કીડીબહેન કામઢાના માથે આવી પડી હતી. સમાજના વિકાસમાં તેમનું યોગદાન જોઈને કીડીઓએ સર્વાનુમતે તેમને ચેરપર્સન બનાવ્યા હતાં.

'પણ આપણને તેનાથી શું ફાયદો થશે?' મહારાજા સિંહના કટ્ટર હરીફ મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાના સમર્થક ગણાતા અને કાળી કીડીઓના જૂથના વડાં કીડીબહેન કટકટે સ્વભાવ પ્રમાણે નેગેટિવ થઈને સવાલ કર્યો. લાલ કીડીઓને તેમનો આ સવાલ ખાસ ગમ્યો નહીં. આમેય કીડીબહેન કટકટ દરેક બાબતમાં નેગેટિવ શોધી કાઢવા માટે કુખ્યાત હતાં. 'હવે એક મોકો કાચબાભાઈને' એવા સૂત્રોચ્ચારો પણ કીડીબહેન કટકટ કરતાં હતાં.

'ફાયદો તો ખરો જ ને! બીજા બધા સમાજને જેમ ચૂંટણીમાં મહત્ત્વ મળે છે એમ હવે આપણને પણ મળશે,' સભામાંથી એક લાલ કીડીનો તીણો અવાજ આવ્યો.

'પૈસાય મળેને, મત આપવાના..!' છેક છેલ્લી હરોળમાંથી અવાજ આવ્યો એ સાંભળીને થોડીવાર બધી કીડીઓએ હસાહસ કરી મૂક્યું.

'મત આપવાના પૈસા મળશે તો હવે આપણાં સમાજ માટે જંગલના નેતાઓએ સૌથી વધુ ફંડ આપવું પડશે,' પાંદડાં નીચેથી એક નાનકડી કીડી બોલી.

'અત્યાર સુધી આપણી અવગણના થઈ તેના બદલે હવે મહારાજા સિંહની કલ્યાણકારી યોજનાઓનો સૌને લાભ મળશે,' કીડીબહેન કામઢાએ મહારાજા સિંહ પ્રત્યે અહોભાવ દર્શાવ્યો.

'અત્યાર સુધી સિંહ, વાઘ, દીપડા, હાથી, હરણ, કૂતરા, વાંદરા જેવા સમાજોની જ વસતિ ગણતરી કરતી હતી. આ વખતે આપણી ગણતરી કેમ થઈ? મહારાજા સિંહ ચૂંટણીમાં જંગલના બીજા સમાજોની જેમ આપણો પણ ઉપયોગ નહીં કરે તેની શું ખાતરી?' કીડીબહેન કટકટના સવાલને સૌ કાળી કીડીઓએ સમર્થન આપ્યું.

'તો એમાં વાંધો શું છે? જંગલના બધા સમાજો એમ જ કરે છે. ચૂંટણીમાં જ આપણને ફાયદાની તક મળે છે. એ પછી તો નેતાઓ પોતાનું અને પરિવારનું ભલું કરવામાં લાગી જાય છે,' સભામાંથી કોઈનો અવાજ આવ્યો.

'આપણને હવે ફાયદો જ ફાયદો છે,' કીડીબહેન કામઢાએ મહારાજા સિંહના સમર્થનમાં આગળ ચલાવ્યું: 'જુઓ, હું તમને યોજનાઓ ગણાવું છું, નોંધી લેજો.'

- કીડીઓ સારી રીતે કરડી શકે તે માટે સરકાર પ્રતિભાશાળી લાલ કીડીઓને ખાસ ટ્રેનિંગ આપશે.

- દુર્ગમ સ્થળોએ સલામત રીતે બંધ રાખેલા ખોરાકના ડબ્બાઓ સુધી પહોંચવાની પ્રેરણા મળે તે માટે જંગલની સરકાર મોટિવેશનલ સ્પીકરોના ભાષણો મફતમાં ડાઉનલોડ કરવાની સુવિધા આપશે.

- એટલું જ નહીં, ઢગલાં મોઢે પસ્તીના ભાવે વેચાતા પ્રેરણાત્મક પુસ્તકોનો જથ્થો પણ આપણને સાવ મફતમાં મળશે.

- ઘરેલું નુસ્ખાથી કીડીઓને ભગાવવાનું ષડયંત્ર જંગલવાસીઓ રચતા રહે છે, એવા નુસ્ખાનો ભોગ બનેલી પીડિત કીડીઓની નિ:શુલ્ક સારવાર પણ જંગલની સરકાર કરશે.

- કીડીયારું યોજના અંતર્ગત ચોમાસામાં બધી જ કીડીઓના દરની બહાર ખાંડ અને અનાજ ભરી આપશે.

યોજનાઓ સાંભળીને કીડીઓમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો. લાલ, કાળી, નાની-મોટી, પાંખોવાળી, ક્વીન અને સોલ્જર્સ પ્રકારની કીડીઓ મહારાજા સિંહથી અને કીડીબહેન કામઢાથી ભારે પ્રભાવિત થઈ.

પણ કીડીઓમાંય અંદરખાને રંગભેદ પ્રવર્તતો હતો. 'યોજનાઓમાં લાલ કીડીઓને વધુ ફાયદો છે' એવી અફવા કોઈએ કાળી કીડીઓમાં ફેલાવી દીધી. અચાનક કાળી કીડીઓ એક તરફ એકઠી થવા માંડી. કાળી કીડીઓના ગુ્રપમાંથી નારો ઉઠયો, 'બ્લેક લાઈવ્ઝ મેટર'. સૌ કીડીઓએ નારો ઉપાડી લીધો. જોતજોતામાં કીડીસમાજમાં ભંગાણ પડી ગયું. લાલ કીડીઓ રાતીચોળ થઈને ખૂન્નસથી કાળી કીડીઓ સામે આંખો કાઢી રહી હતી. કાળી કીડીઓના એક જૂથે કીડીસમાજનાં ચેરપર્સન કીડીબહેન કામઢા તરફ દોટ મૂકી. એને રોકવા લાલ કીડીઓએ હરોળ બનાવી. બંને કીડીઓ સામસામી ટકરાવવા લાગી એ જોઈને કીડીબહેન કામઢા સભા સ્થળ છોડી ચાલ્યા ગયાં.

* * *

'કીડીઓનું સંગઠન આપણે તોડી પાડયું,' ખબરી મંકોડાએ માહિતી આપી તેનાથી મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા ભારે ખુશ થયા.

'જોયુંને, જંગલના સમાજોમાં ભંગાણ પડાવવાનું માત્ર મહારાજા સિંહને જ થોડું આવડે છે? મનેય આવડે છે.'

'પણ તમે એવું કર્યું જ શું કામ? મને તમારી રણનીતિ સમજાણી નહીં,' ખબરીએ મંકોડાએ ભોળાભાવે પૂછ્યું.

'વસતિ ગણતરીના કારણે કીડીઓ મહારાજા સિંહની સમર્થક થઈ જાત. હવે, કાળી કીડીઓ આપણી મતબેંક બનશે,' કાચબાભાઈ મનમાં બોલ્યા: 'ભાગલા પાડો ને રાજ કરો!'

Gujarat