- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- નાજુક-નમણા-નરમ સસલાભાઈને માર્શલ આર્ટના પોશાકમાં જોઈને સૌને ભારે આશ્ચર્ય થયું. કોઈ કંઈ સમજે-વિચારે તે પહેલાં તો સસલાભાઈ મંડયા માર્શલ આર્ટ કરવા માંડયા...
જંગલના રાજકારણમાં સિંહનો દબદબો સતત વધતો જતો હતો. જંગલના દરેક હિસ્સાની ચૂંટણીમાં રાજા સિંહ કોઈને કોઈ ટેકનિકથી જીતી જતા હતા ને વળી જંગલના રાજા બનવાની ચૂંટણીઓમાંય રાજા સિંહ વિપક્ષના નેતા સસલાભાઈને હરાવી દેતા હતા. એટલું જ નહીં, સસલાભાઈ પોતે તો હારતા જ હતા, પરંતુ તેમના સાથીઓ પણ હારી જતા હતા. વળી, હાર્યા પછી સસલાભાઈ 'જંગલ જોડો યાત્રા' કરતા હતા અને વનસંપર્ક કરીને ફરીથી જીતવાની મથામણ આદરી દેતા હતા. તેમની પાર્ટીના નેતાઓ સાથે બેસીને સસલાભાઈ ચિંતન શિબિરો કરતા હતા અને તેમાંય નવાં નવાં સૂત્રો આપીને પાર્ટીના નેતાઓને, થોડા ઘણા બચેલા કાર્યકરોને લડવા માટે મોટિવેટ કરતા હતા.
અગાઉ જંગલની ચૂંટણીમાં હાર્યા તે પછી સસલાભાઈએ 'પરાજય સમીક્ષા બેઠક' યોજી હતી ને તેમાં વિચારપ્રેરક ભાષણ આપતા કહેલુંઃ 'હાર શું છે? હાર બીજું કશું નથી, જીતની ગેરહાજરી હાર છે. સતત જીતી જવાથી તમે મહાન નથી બનતા, તમને મહાન બનાવે છે તમારા પરાજયો! આપણને અત્યાર સુધી વિજયના ગુણગાન જ શીખવવામાં આવ્યા છે, પરંતુ હું જે કહી રહ્યો છું એ તમને કોઈ નહીં કહે - હારતા શીખો!'
તેમણે એ વખતે તો સૂત્ર પણ આપ્યું હતું - 'પરાજય પચાવો... જંગલશાહી બચાવો!'
સસલાભાઈના નેતાઓ આ સૂત્ર ભૂલી ચૂક્યા હતા અને પાર્ટી બદલીને રાજા સિંહની પાર્ટીમાં જવા માંડયા હતા, એટલે સસલાભાઈને લાગ્યું કે ફરીથી નવું સૂત્ર આપવાનો સમય થઈ ચૂક્યો છે. તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને મોટિવેટ કરવા માટે ખાસ બેઠક બોલાવી. તેમની સૂચના પછી પાર્ટીના પ્રમુખ લંગૂરભાઈ લપલપિયાએ બતક બટકબોલા, ઊંટભાઈ ઉટપટાંગ જેવા સીનિયર નેતાઓ સહિત તમામ નેતાઓ અને કાર્યકરોને હાજર રહેવાની તાકીદ કરી દીધી.
નક્કી કરેલા દિવસે બેઠક મળી. સીનિયર નેતાઓ આવી પહોંચ્યા, જંગલમાં દૂર-દૂરથી નેતાઓ અને કાર્યકરો પણ બેઠકના સ્થળે આવી ગયા. બધા સસલાભાઈની રાહ જોતા હતા ત્યાં અચાનક માર્શલ આર્ટના પોશાકમાં સસલાભાઈ બેઠકમાં હાજર થયા. નાજુક-નમણા-નરમ સસલાભાઈને માર્શલ આર્ટના પોશાકમાં જોઈને સૌને ભારે આશ્ચર્ય થયું. કોઈ કંઈ સમજે-વિચારે તે પહેલાં તો સસલાભાઈ માંડયા માર્શલ આર્ટ કરવા. થોડા દાવ કર્યા પછી સસલાભાઈએ હાંફતા હાંફતા કહ્યું, 'આ ટેકનિક આપણને રાજા સિંહ સામે લડવા માટે કામ આવશે. આપણે સિંહને માર્શલ આર્ટની ટેકનિકથી હરાવી શકીશું.'
આ વાત સાંભળીને સૌ એકબીજાના મોં સામે જોવા માંડયાં. રાજા સિંહ સામે માર્શલ આર્ટની ટેકનિક ટકી શકશે નહીં. રાજા સિંહ તો પંજો મારીને બધી ટેકનિક વેરવિખેર કરી શકે છે. તેમને બળથી નહીં, પરંતુ કળથી એટલે કે જંગલશાહીથી હરાવી શકાય. જો જંગલવાસીઓ સમર્થન કરે ને રાજા સિંહની વિરૂદ્ધમાં વોટિંગ કરે તો જ તેમને પરાજય આપી શકાય - એ જાણતા સસલાભાઈના સમર્થક નેતાઓ-કાર્યકરોને સસલાભાઈની વાત સમજાઈ ન હતી.
મૂળ તો સસલાભાઈના મિત્ર બારહસિંગાએ માર્શલ આર્ટના ગુણગાન કરીને કહ્યું હતું કે માર્શલ આર્ટની જીઉ-જિત્સુ ટેકનિકથી રાજા સિંહને હરાવી શકાય તેમ છે. સસલાભાઈ કોઈ પણ રીતે રાજા સિંહને હરાવવા માગતા હતા. તેમણે તુરંત માર્શલ આર્ટની તાલીમ લેવા માંડી. ટ્રેનરે તેમને સમજાવ્યું કે વિરોધીને થકવી નાખીને માર્શલ આર્ટમાં જીત મેળવી શકાય છે. એ સાંભળ્યા પછી સસલાભાઈને જાણે ચાવી મળી ગઈ. તેમને થયું કે પોતાને જે જ્ઞાાન મળી ચૂક્યું છે એ તુરંત તેમના સમર્થકોને આપી દેવું જોઈએ. એ કારણે તેમણે તાત્કાલિક બેઠક બોલાવી હતી.
'સસલાભાઈ! ચૂંટણી જીતીને રાજા સિંહને હરાવી શકાશે. મને નથી લાગતું કે માર્શલ આર્ટમાં રાજા સિંહને પરાજય આપી શકાશે.' બતક બટકબોલાએ સૌને સંભળાય એવા અવાજથી કટાક્ષ કર્યો.
'યુ મિસઅંડરસ્ટૂડ માય પોઈન્ટ, મિ. બતક!' સસલાભાઈએ સૌ કરતાં પોતે વધુ જાણકાર છે એવા આત્મવિશ્વાસથી સ્મિત આપીને ઉમેર્યું, 'આપણે માર્શલ આર્ટથી રાજા સિંહને નથી હરાવવાના, પણ તેની ટેકનિકનો ઉપયોગ કરીને પરાજય આપવાનો છે.'
'કેવી રીતે? તમે જરા વિસ્તારથી...'
બતક બટકબોલાને બોલતો અટકાવીને લંગૂરભાઈ લપલપિયાએ કહ્યું, 'આપણે સૌ વચ્ચે સવાલો કરવાને બદલે એક વખત માનનીય શ્રી સસલાભાઈની વાત સાંભળી લઈએ. આપણા સૌ કરતાં તેમની પાસે વનસંપર્કનો સર્વાધિક અનુભવ છે.'
લંગૂરભાઈની ટકોર પછી બતકે આગળ બોલવાનું ટાળ્યું એટલે સસલાભાઈએ જ્ઞાાન પ્રદર્શિત કર્યું, 'માર્શલ આર્ટમાં જીઉ-જિત્સુ ટેકનિક પ્રમાણે વિરોધીની શક્તિથી જ વિરોધીને હરાવવાનો હોય છે. વિરોધી સામે થાકવાને બદલે તેને થકવી નાખીને તેની હાર નિશ્ચિત કરવાની હોય છે.'
સસલાભાઈએ થોડો પોઝ લીધો ને પછી આગળ ચલાવ્યું, 'મેં તમને સૌને એક સૂત્ર આપવા માટે બોલાવ્યા છે. તમે એને યાદ રાખો તો આપણે રાજા સિંહને હરાવી શકીશું. એ સૂત્ર છે - 'વિરોધીઓ સામે થાકો નહીં, વિરોધીઓને થકવી દો!'
સૂત્ર સાંભળ્યા પછી બતક બટકબોલાએ પૂછ્યું, 'આ જ ટેકનિક રાજા સિંહ જાણતા હોય ને આપણને સામા થકવી નાખે તો શું કરવાનું?'
સસલાભાઈ પાસે આ સવાલનો જવાબ ન હતો. તેમણે કહ્યું, 'હું ટ્રેનરને પૂછીને ફરી વખત બેઠક બોલાવીશ!'


