FOLLOW US

ભટકેલી ભેંસ અને બકુલા બકરીની શિયાળુ કસરત

Updated: Dec 29th, 2022


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ભટકેલી ભેંસને વધેલી ચરબી ઉતારવી હતી. એણે ફિટ રહેવા કસરતો શરૂ કરી અને એમાં સાથ મળ્યો બકુલી બકરીનો. બંનેએ ડાયેટ પ્લાન પ્રમાણે ખોરાક લેવાનું શરૂ કર્યું અને.... 

'શિયાળામાં ફિટ કેમ રહેશો?' એવો એક લેખ પાડાકુમાર પંચાતિયાએ પત્ની ભટકેલી ભેંસને વાંચવાનું સૂચન કર્યું. પ્રેરણાત્મક સાહિત્ય સિવાય ભાગ્યે જ કશું વાંચતી ભટકેલી ભેંસે નવરાશમાં એ આખો લેખ વાંચ્યો. એને લેખમાંથી ફિટ રહેવાની પ્રેરણા મળી. તેણે કસરત કરીને ફિટ રહેવાનો નિર્ધાર કર્યો.

દરરોજ વહેલાં ઉઠવાનું નક્કી કર્યા પછી ય શિયાળામાં ભટકેલી ભેંસથી કેમેય કરીને વહેલું ઉઠાતું ન હતું. એક પછી એક દિવસો ઠેલાતા જતા હતા. એલાર્મ વાગતો હતો, બંધ થતો હતો. બીજા દિવસે ફરીથી એ જ ક્રમ આગળ વધતો હતો. ભટકેલી ભેંસને એક રાતે વિચાર આવ્યો કે કોઈની કંપની મળે તો કસરત કરવાનું સરળ બને. એ વિચાર તેણે બીજાં જ દિવસે અમલમાં મૂક્યો.

'બકુલાબેન! આજકાલ શું ચાલે છે?' ભટકેલી ભેંસે બકુલા બકરી પાસે જઈને વાત શરૂ કરી.

'શિયાળો ચાલે છે આજકાલ તો!' બકુલા બકરીએ કટાક્ષમાં જવાબ આપ્યો. બકુલા બકરી આમેય ભટકેલી ભેંસની જેમ માથાભારે માદા હતી. એમ કંઈ ગાજ્યા જાય એવી ન હતી. 

'વાહ! બકરીબેન વાહ! તમારી રમૂજવૃત્તિ જોરદાર છે હોં!' ભટકેલી ભેંસે પ્રશંસા કરી તેની ધારી અસર થઈ. ભેંસબહેને આગળ ચલાવ્યુંઃ 'હું ય એ જ કહું છું બકરીબેન! આજકાલ શિયાળો ચાલે છે, તમે કંઈ કસરત-બસરત કરો છો કે નહીં?'

'કસરત તો તમારાં જેવું શરીર હોત તો કરત. હું તો દિવસમાં કેટલું બધું ખાઉં છું તો ય શરીર વધતું જ નથી. થોડું વધે તો સારું!' બકુલાએ કહ્યું.

'હું તમને શરીર વધારવાનો નુસખો જ કહેવા આવી હતી. મેં કાલે જ એક લેખ વાંચ્યો હતો. થયું કે તમને ય એના ફાયદા વિશે જણાવું!' ભટકેલીે બકુલાના મોં પર બદલતા ભાવ નોંધીને આગળ ચલાવ્યુંઃ 'આખો દિવસ ખાતા રહેવાથી વજન ઉતરે ય નહીં કે વધે ય નહીં. ડાયેટ પ્લાન તૈયાર કરીને એ પ્રમાણે ખાવું પડે. વળી, સવારે ઉઠીને જરૂરી કસરતો ય કરવી પડે. બંને બરાબર થાય તો રિઝલ્ટ મળે'.

થોડીવારની વાતચીત પછી ભટકેલી ભેંસ સાથે કસરત કરવા બકુલા બકરી તૈયાર થઈ ગઈ ને એ રીતે બંનેની શિયાળુ કસરત શરૂ...

* * *

વળતા દિવસે બકુલા બકરીએ હોંશભેર ભટકેલી ભેંસને કસરત માટે જગાડી. બંનેએ સાર્વજનિક ગાર્ડનમાં જીમનાં સાધનોની મદદથી કસરતો કરી. નક્કી કર્યા પ્રમાણે બકુલા પોતાના ભાગનો ચારો ય લઈ આવતી. એમાંથી ભટકેલી ભેંસ પણ ડાયેટ પ્લાન બતાવીને ખાતી. ડાયેટ પ્લાન પ્રમાણે બકરીબહેનને એક સાથે બધો ખોરાક ખાવાનો ન હતો એટલે એ તો પોતાના ભાગનું અડધુ ય માંડ ખાઈ શકતી.  

કેટલાક દિવસ સુધી આ ક્રમ ચાલતો રહ્યો. વહેલી સવારે બંનેને કસરતો કરીને થાક્યા પછી કકડીને ભૂખ લાગતી એટલે ભટકેલી ભેંસ તો બકુલાના ભાગનું ય ભેટ ભરીને ઝાપટી જતી. બકુલાને તો શરીર વધારવાનો મોહ જાગ્યો હતો એટલે ભેંસની સલાહ પ્રમાણે કર્યા વગર છૂટકો ન હતો. ભેંસને ફિટ તો રહેવંખ હતું, પણ કસરત કર્યા પછી તે ભૂખને વશ થઈ જતી. એકાદ મહિનો આમ ચાલ્યું હશે કે અચાનક એક દિવસ બકુલા બકરી દેખાતા બંધ થઈ ગયાં. એક-બે-ત્રણ-ચાર દિવસ બકુલબહેન દેખાયાં નહીં એટલે આખરે ભટકેલી ભેંસ તેની પાસે ગયાં. બકુલા બકરી તો ઉભી ય થઈ શકે તેવી હાલતમાં ન હતી. 

'બકુલાબહેન, શું થયું તમને?' ભટકેલીએ ચિંતાભર્યા સ્વરમાં ખબર પૂછ્યાં.

'ચક્કર આવ્યા... અને પડી ગઈ... પછી ડોક્ટરને બતાવવું પડયું,' બકુલાએ અટકી અટકીને માંડ વાત પૂરી કરી.

'શું કહ્યું ડોક્ટરે?'

'ડોક્ટરે કહ્યું કે કસરત અને ડાયેટ પ્લાનની આડઅસર થઈ છે. વિચાર્યા વગર આડેધડ કસરતો કરી એટલે અશક્તિ આવી ગઈ છે. કસરતની સાથે ખાવાનું ધ્યાન રાખવાનું હતું, પણ મેં જોઈતી માત્રામાં ખાધું નહીં. ૧૫ દિવસ આરામ કરવાની સલાહ આપી છે. તમે મને...' બહુલાબહેન સાવ ઢીલા પડી ગયાં.

'બકુલાબહેન! તમે મારા ઉપર કોઈ આરોપ ન લગાડશો હોં! હું તો તમારી મદદ કરતી હતી. તમારી મદદમાં મારું તો વજન વધી ગયું છે, તોય હું તમને કંઈ કહું છું? મદદનો તો જમાનો જ નથી...' એવું બબડીને ગુસ્સામાં ભટકેલી ભેંસ ચાલી ગઈ. 

બકુલા બકરીએ પણ ડાયેટ પ્લાનના કાગળને ફાડીને ફેંકી દીધો.

Gujarat
News
News
News
Magazines