Get The App

જંગલના રાજકારણમાં હાંસિયા ધકેલાયેલા કોકરોચ સમાજની રાજકીય મહત્ત્વ સાબિત કરવા મથામણ

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
જંગલના રાજકારણમાં હાંસિયા ધકેલાયેલા કોકરોચ સમાજની રાજકીય મહત્ત્વ સાબિત કરવા મથામણ 1 - image

- આપનાં તો અઢાર વાંકાં- અષ્ટાવક્ર

- મચ્છર, માખીઓની જેમ ગંદકીમાં રહેવાનું ગમતું હોવાથી સરેરાશ જંગલવાસીની નજરમાં કોકરોચ માટે બિલકુલ આદરભાવ દેખાતો નહીં. જંગલમાં કોકરોચ સમાજ સાથે ભેદભાવ જોવા મળતો હતો

સિંહ, રીંછ, દીપડા, વાઘ વગેરે તેમની શક્તિના કારણે જંગલની સત્તામાં કેન્દ્ર સ્થાને રહેતા હતા. શિયાળ, વાંદરા, વરુ, ગધેડાઓએ પણ જંગલના રાજકારણમાં ઠીક-ઠીક નામ કાઢ્યું હતું. ઘેટા, બળદો, પાડા, કૂતરા જેવાઓએ સંખ્યાબળના કારણે જંગલશાહીમાં મહત્ત્વ સાબિત કર્યું હતું. માછલીઓ અને મગરો મુખ્ય પ્રવાહમાં જોડાયા હતા અને નાની-મોટી ચૂંટણીઓ લડીને રાજકારણમાં એક્ટિવ થયા હતા. પક્ષીઓ ઉડાઉડ કરતા રહેતા. એક જગ્યાએ સ્થિર રહીને સંખ્યાબળ બતાવવાની તેમનામાં અવેરનેસ ન હતી એટલે રાજકીય મહત્ત્વ છેક હમણાં સુધી ન હતું, પરંતુ ધીમે ધીમે કાગડા, કબૂતરો, હોલા, ચકલાઓમાં રાજકીય અવેરનેસ આવી હતી એટલે તેમને પણ રાજકીય લાભ મળતા થયા છે.

જંગલમાં સરીસૃપોની ભારે અવગણના થતી હતી. સાપ-ગરોળી સમાજને સદીઓ સુધી અન્યાય થયો હતો, પરંતુ રાજા સિંહની કલ્યાણકારી યોજનાઓના કારણે સાપો મુખ્ય પ્રવાહમાં ભળતા થયા હતા. સાપો માટે ઝેર ડોનેશન કેમ્પ જેવી યોજનાઓ રાજા સિંહે લોંચ કરી હતી. જે સાપો ઝેર ડોનેટ કરતા હતા તેને સરકાર રાફડાં બનાવવામાં સહાય આપતી હતી. સાપોના આ ઝેરનો ઉપયોગ ચૂંટણીઓમાં થતો હતો અને જંગલની ચૂંટણીઓમાં નેતાઓને ઝેર ઓકવાની જરૂર પડતી હોવાથી ડિમાન્ડ પણ સતત વધતી જતી હતી.

આ બધા વચ્ચે જંતુઓની ગણતરી બિલકુલ થતી નહીં. કીડીઓને બાદ કરતાં એકેય જંતુ સમાજને યોગ્ય સન્માન ક્યારેય મળ્યું નહીં. કીડીઓની સક્સેસ સ્ટોરી કહેવામાં આવતી. કીડીઓના મેનેજમેન્ટના વખાણ થતાં. મચ્છર, માખી જેવા જંતુઓની ઈમેજ તો જંગલમાં પહેલેથી ખરાબ હતી. આવી જ સ્થિતિ કોકરોચોની હતી. મચ્છર, માખીઓની જેમ ગંદકીમાં રહેવાનું ગમતું હોવાથી સરેરાશ જંગલવાસીની નજરમાં કોકરોચ માટે બિલકુલ આદરભાવ દેખાતો નહીં.

ઈનફેક્ટ, મચ્છર અને માખીઓની જેમ કોકરોચનો ખાતમો બોલાવવાનું પ્રોત્સાહન અપાતું. આ જંતુઓ જંગલવાસીઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું કહીને જંગલની સ્થાનિક સરકારો રીતસર એમના નાશ માટે બજેટ ફાળવતી. કોકરોચ ઉર્ફે વંદા માટે તો 'વંદાવિનાશ' પ્રોજેક્ટ ચલાવીને વંદાઓના સામૂહિક નિકંદન માટે સ્પ્રે બનાવતી કંપનીઓને સરકાર ખાસ લોન આપતી. કોકરોચ તરફ જંગલવાસીઓના આ અણગમા પાછળ માદાઓ વિશેષ જવાબદાર હતી. જંગલની માદાઓને કોકરોચથી ભારે ચીડ રહેતી. એનું કારણ ન માદાઓ જાણતી હતી કે ન તેમને કોઈએ જણાવ્યું હતું, પરંતુ પરંપરાગત રીતે માદાઓને કોકરોચથી અણગમો હતો ને માદાઓના મત મેળવવાનું રાજકારણ ચાલતું હોવાથી જંગલની સરકારો કોકરોચની સદંતર અવગણના કરતી હતી.

સદીઓથી જંગલમાં આવું ચાલતું રહ્યું, પણ એક વંદાને વિચાર આવ્યો કે આપણે આમાંથી બહાર નીકળીને કીડીઓની જેમ રાજકીય મહત્ત્વ સાબિત કરવું જોઈએ. એ વંદાનું બાળપણ અસંતોષ, ચીડ, ખિન્નતા, નારાજગીમાં વીત્યું હતું. તેણે જાતે જ સોગંધનામું કરાવીને પોતાનું નામ કોકરોચ કચવાટિયો રાખી દીધું હતું. તે આખાય કોકરોચ સમાજમાં પરિવર્તન લાવવા માંગતો હતો. રાજકીય મહત્ત્વ સાબિત કરવાની ઈચ્છાથી તેણે મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાની પાર્ટી માટે કામ કર્યું. તેને હતું કે નામ પ્રમાણે કાચબાભાઈમાં પણ કકળાટના ગુણો છે એટલે તે કોકરોચ સમાજની વાત સમજી શકશે, પરંતુ કાચબાભાઈ તો ઊંચા લેવલના રાજકીય ખેલાડી હતા. તેણે કોકરોચ કચવાટિયાને ચૂંટણી વખતે સોશિયલ મીડિયામાં પ્રચારની જવાબદારી સોંપીને રાતોના ઉજાગરા કરાવ્યા. કોકરોચના આંખના ચશ્મા વધી ગયા એટલું કામ કર્યું. એનો સ્ક્રીનટાઈમ એટલો વધી ગયો કે આંખો સોજીને લાલ થઈ ગઈ.

ને ચૂંટણી પૂરી થયા પછી કાચબાભાઈ કકળાટિયાએ હળવેકથી કોકરોચ કચવાટિયાને કહી દીધું, 'જો દોસ્ત! તારે વિદેશી જંગલમાં જઈને વીઆર શીખવું જોઈએ.'

'વીઆર એટલે?' કોકરોચ કચવાટિયાએ પૂછ્યું.

'વન રિલેશન. તું એનો કોર્સ કરી લે પછી તને હું ચૂંટણીમાં ટિકિટ આપીશ. તને સમજાઈ જશે કે જંગલવાસીઓ સાથે રિલેશન રાખવા હોય તો કેવી તરકીબો અજમાવવી પડે.' કાચબાભાઈએ સલાહ આપી. 

કાચબાભાઈની ભલામણ પછી લાંબી સફર કરીને કોકરોચ તો પહોંચ્યો વિદેશના જંગલમાં. વીઆરનો કોર્સ ચાલતો હતો ત્યારે કોકરોચ કચવાટિયાનો પરિચય બે હાથ અને ચાર પગથી મોટી મોટી દીવાલો ચડીને પરાક્રમ બતાવનારા ભમરા ભુજબળ સાથે થઈ. ભમરાએ તેને આખી જિંદગી યાદ રહી જાય તેવી સલાહ આપી: 'બીજાના ભરોસે નહીં, તું ખુદ કંઈક કર. તું જે કામ કાચબાભાઈ કકળાટિયા માટે કરે છે એ જ કામ તારા માટે કર, તારા સમાજ માટે કર.'

એ પળે કોકરોચ કચવાટિયાના દિમાગના બધા બંધ દ્વાર ખટ્ટાક કરતાં ખુલી ગયા. તેણે મનોમન નિર્ધાર કર્યો, 'હું ખુદ મારા સમાજ માટે કંઈક કરીશ. જંગલમાં મારા સમાજની ચર્ચા થઈ જાય એવું કરી બતાવીશ.'

ને અચાનક એક દિવસ કોકરોચ કચવાટિયાએ સમાજના હિત માટે કોકરોચ પાર્ટી બનાવી દીધી. કોકરોચ કચવાટિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી, 'મારા કોકરોચો, આપણે લડવાનું છે. આપણે રાજકીય મહત્ત્વ સાબિત કરવાનું છે.'

એ સાથે જ આખાય જંગલમાં કોકરોચ પાર્ટી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ. અત્યાર સુધી ક્યારેય થયું ન હતું એવું કામ ગણતરીની કલાકોમાં થઈ ગયું. જંગલનો આખોય કોકરોચ સમાજ એક થઈ ગયો.

કોકરોચ સમાજની એકતા જોયા બાદ રાજા સિંહે દરબારીઓની ઈમરજન્સી બેઠક બોલાવીને 'વંદાવિનાશ પ્રોજેક્ટ'નું ફંડ બમણું કરી દીધું.

એ સમાચાર જાણ્યા પછી કોકરોચ કચવાટિયો જંગલમાં દેખાયો નથી...