ઉંદરોને નકલી ઘીના લાડુથી સાવધાન રહેવાની સલાહ
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- 'અમારા જમાનાના ઉંદરો દૂરથી સૂંઘીને લાડુની અને ઘીની ક્વોલિટી કહી દેતા. નવી પેઢીના ઉંદરોમાં એ આવડત જ રહી નથી.'
'જય ગણેશ!' અખિલ જંગલીય ઉંદરસમાજની બેઠકમાં હાજર થયેલા પ્રમુખ ઉંદરભાઈ ઉત્પાતિયાએ નારો લગાવ્યો.
'જય ગણેશ! જય ગણેશ!' આખાય ઉંદરસમાજે આગળના પંજાઓને છેક મોં પાસે લઈ જઈને વળતો જયઘોષ કર્યો.
જંગલમાં ગણેશ ઉત્સવ શરૂ થાય તે ગાળામાં દર વર્ષે ઉંદર સમાજની બેઠક મળતી. આ વર્ષની થીમ હતી - અક્કલ ચલાવો, નકલથી બચો!
ગયા વર્ષે ગણેશ મહોત્સવ પછી યોજાયેલી બેઠકમાં આખાય સમાજે 'ઉંદર ઉદર ભરો યોજના'ની માગણી કરી હતી, પરંતુ જંગલની સરકારે એ દિશામાં ધ્યાન આપ્યું ન હતું. ઉંદરોની ફરિયાદ હતી કે ગણેશ ઉત્સવના ૧૦-૧૨ દિવસ તો ભરપેટ ભોજન મળી જાય છે, પરંતુ એ પછી ઉપવાસો કરવાનો વખત આવે છે. જંગલની સરકાર ઘણા સમાજોને વિવિધ યોજના હેઠળ રાશન-પાણીની સહાય કરે છે એવી સહાય ઉંદરોને મળવી જોઈએ. ઉંદરોનો વિકાસ થાય તેનો બિલાડાસમાજને વિરોધ હતો. બિલાડાસમાજ મહારાજા સિંહ માટે વધુ મહત્ત્વનો હતો એટલે એમને નારાજ કરવા પોષાય તેમ ન હતા. એટલે ઉંદરોને સહાયનો પ્રોજેક્ટ ટલ્લે ચડી ગયો હતો.
'બધાને આ વર્ષની થીમ ખબર છે?' કાર્યક્રમનું સંચાલન કરતાં આફતકુમાર ઉંદરે પૂછ્યું.
'નકલખોરીની થીમ છે...' મહિલા પાંખના અધ્યક્ષા ઉંદરીબહેન ઉપદ્રવીનો તીણો અવાજ સંભળાયો.
'જી બિલકુલ! અક્કલ ચલાવો.. નકલથી બચો... એવી આપણી આ વર્ષની થીમ છે. એ વિશે સમાજના હોદ્દેદારો આપને જણાવશે.' સંચાલક આફતકુમારે ઉમેર્યું, 'સંગઠનના ટ્રસ્ટી અને માર્ગદર્શક મંડળના વરિષ્ઠ સભ્ય શ્રી મૂષકલાલ મોદકિયાને વિનંતી કરીશ કે તેઓ આ મુદ્દે આપણને સૌને માર્ગદર્શન આપે. શ્રી મૂષકલાલ મોદકિયા...'
સફેદ મૂછોમાં વળ દેતા દેતા સાવ ધીમે પગલે મૂષકલાલ મોદકિયા માઈક પાસે આવીને બોલ્યા, 'આખાય ઉંદર સમાજને મારા જય ગણેશ! આ તહેવારમાં સૌ પેટ ભરીને ખાજો. મજા કરજો. પણ નકલી ઘીના લાડુથી બચીને રહેજો.'
'પણ દાદા એની ખબર કેવી રીતે પડશે?' દૂરથી કોઈ ડોઢ ડાહ્યા ઉંદરડાનો અવાજ આવ્યો.
'અમારા જમાનાના ઉંદરો દૂરથી સૂંઘીને ક્વોલિટી કહી દેતા. નવી પેઢીના ઉંદરોમાં એ આવડત જ રહી નથી.' મૂષકલાલે કટાક્ષ કર્યો એ નવી પેઢીના ઉંદરોને ન ગમ્યો.
'તમે ચીઝ, બટર, પીઝા, બિસ્કિટ એ બધું ખાધું નથી એટલે આવી વાતો કરો છો!' નવી પેઢીના કોઈ ઉંદરે ટીખળ કરી એમાં યંગ ઉંદરડાઓ ઉછળી ઉછળીને હસ્યા.
મશ્કરીથી નારાજ થયેલા મૂષકલાલ મોદકિયા ગુસ્સે થયા: 'ભલે ત્યારે... આવું બધું ખાઈ ખાઈને જ તમે આપણી ભવ્ય પરંપરાને કલંક લગાડયું છે. નકલી ખાઈને બીમાર પડો, બીજું શું! સાચી સલાહ સાંભળવી જ નથી તો કોઈ અર્થ નથી.'
મૂષકલાલ મોદકિયા ઉતાવળે પગલે જઈને ખુરશી પર ગોઠવાઈ ગયા. ગણેશ મહોત્સવમાં સારું સારું ખાવાનું છોડીને મીટિંગમાં આવેલા ઉંદરો ફટાફટ સમાજના હોદ્દેદારોએ ગોઠવેલું ભોજન ઝાપટીને રવાના થવાની પેરવીમાં હતા. બધાએ હોહા કરી મૂકી એ જોઈને કાર્યક્રમના સંચાલક આફતકુમાર ઉંદરે માઈકમાં સૌને શાંતિ જાળવવાની વિનંતી કરી. શુદ્ધ ઘીના લાડુનું જમણ તૈયાર છે એ પ્રમુખના ભાષણ પછી આરોગી શકાશે એવી જાહેરાત કરી એટલે ઉંદરો થોડા શાંત પડયા. આફતકુમારે પ્રમુખને ભાષણ કરવાનું આમંત્રણ આપ્યું, 'સમાજના હિતમાં વિચારતા... સમાજ માટે લડત ચલાવતા... સમાજની મીટિંગ માટે થઈને નેતાઓના ઘરે ગણેશ મહોત્સવના લાડુનું જમણ કુરબાન કરનારા આપણાં સૌના માનીતા શ્રી ઉંદરભાઈ ઉત્પાતિયાને હું વિનંતી કરીશ કે તેઓ આપણના હિતમાં બે શબ્દો બોલે! આપણે સૌ જોરદાર પંજાના અવાજથી સમાજના પ્રમુખને આવકારીશું..'
પંજાના અવાજ વચ્ચે પ્રમુખે બોલવાનું શરૂ કર્યું, 'દૂર દૂરથી સ્વાદિષ્ઠ ભોજન મૂકીને અહીં આવેલા સૌ જ્ઞાાતિજનોનું હું સ્વાગત કરું છું. આપણાં વડીલ શ્રી મૂષકલાલ મોદકિયાએ જેમ કહ્યું એમ આ નકલખોરીના જમાનામાં નકલી ઘીની મીઠાઈઓ આરોગવાથી બચવું જોઈએ. અસલના જમાનામાં જે શુદ્ધ ઘી મળતું હતું એની શરીરમાં આડઅસર થતી ન હતી. એ વખતના ઉંદરો વર્ષમાં થોડા દિવસ ઘીથી લથબથ લાડુ ખાઈ લેતા ને એની એનર્જી શરીરમાં આખું વર્ષ રહેતી. હવે એવા ઘી જ નથી આવતા કે નથી એવા લાડુ બનતા.' 'યાદો કી બારાત' ટાઈપ ભાષણથી ઘણા ઉંદરોને બગાસાં શરૂ થયાં. જંગલના મોટાભાગના સમાજોની બેઠક મળતી એમાં એક બાબત કોમન હતી કે ભાષણો ખૂબ બોરિંગ બની જતાં.
લગભગ અડધો એક કલાક સુધી આવી સલાહો આપીને આખરે પ્રમુખનું ભાષણ પૂરું કે તરત જ રાહ જોઈને બેસી રહેલા ઉંદરો શુદ્ધ ઘીના લાડુ પર તૂટી પડયા. છેલ્લે મૂષકલાલ મોદકિયા સહિતના વડીલોએ લાડુ આરોગ્યા ત્યારે તેમને ખબર પડી કે લાડુમાં કંઈ ગરબડ છે.
તપાસ કરતાં જણાયું કે પ્રતિષ્ઠિત મીઠાઈના નામે જેણે ગણેશ ઉત્સવ પહેલાં મીઠાઈની દુકાન ખોલી હતી એ આખે આખી દુકાન જ નકલી હતી. નકલી દુકાનદારને ત્યાંથી આવેલા લાડુ તો ક્યાંથી અસલી હોય!