Get The App

લંગૂર લપલપિયાની સલાહ : હાર-જીતથી કોઈ ફરક પડતો નથી

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
લંગૂર લપલપિયાની સલાહ : હાર-જીતથી કોઈ ફરક પડતો નથી 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ઊંટ ઉટપટાંગે પ્રેક્ટિકલ સૂચન કર્યું, 'સસલાભાઈ! તમે હમણાં બહુ મહેનત કરી છે. થોડા દિવસ વેકેશનમાં જઈ આવો. થાક ઉતરી જશે પછી નવેસરથી તૈયારી કરીશું.'

આખાય જંગલના રાજા બનવા માટે ચૂંટણી થતી હોય કે પછી જંગલના અલગ અલગ વિભાગોમાં મુખ્યમંત્રી બનવા માટે ચૂંટણી થતી હોય - પરિણામમાં સસલાભાઈની પાર્ટીનો પરાજય નક્કી હોય. વિપક્ષના નેતા સસલાભાઈ વનસંપર્ક માટે ખૂબ મહેનત કરતા. સસલાભાઈની પૉલિસીના કારણે ઘણા યુવા નેતાઓ તેમની પાર્ટીને મળ્યા હતા. તેમ છતાં જૂના નેતાઓનો સસલાભાઈની પાર્ટીમાં એવો દબદબો હતો કે નવા નેતાઓ બિચારા હાંસિયામાં ધકેલાઈ જતા. સસલાભાઈ કોઈ ચૂંટણીમાં વિજય મેળવવા કાંઠે પહોંચી જાય ત્યારે જૂના નેતાઓના બફાટના કારણે વારંવાર પરાજય સહન કરવો પડતો.

સસલાભાઈએ એવો જ પરાજય ફરીથી ખમવો પડયો હતો. જંગલના એક ભાગમાં મુખ્યમંત્રી બનવા માટે નોળિયાકુમાર અને તીડભાઈ તેજતર્રાર વચ્ચે થયેલી ચૂંટણીસ્પર્ધામાં સસલાભાઈએ તીડને સમર્થન આપ્યું હતું. નોળિયાની ઉંમર થઈ ગઈ હતી અને તીડની ઉડવાની ક્ષમતા જબરી હતી. સૌ માનતા હતા કે તીડ નોળિયાને હંફાવી દેશે. નોળિયાકુમારે રાજા સિંહનો ટેકો મેળવ્યો હતો. માદાઓને આર્થિક સહાયનો રાજા સિંહનો વ્યૂહ કામ કરી ગયો એમાં તીડભાઈનો પરાજય થયો.

પરાજય પછી તીડભાઈ અકળાયા. સલાહકારોએ સલાહ આપી: 'સસલાભાઈનો જીતવાનો રેકોર્ડ જ નથી, તો આપણને કેવી રીતે જીતાડી શકે?' 

બીજા એક સલાહકારે ઉમેર્યું, 'તીડભાઈ! તમારી ક્ષમતા અપાર છે. તમે સસલાભાઈની સંગત મૂકી દો. આપણે ફરીવાર જીતીશું.' 

તીડને આ સૌની વાત યોગ્ય લાગી. તીડે સોશિયલ મિડીયામાં શાયરી લખી : 'હું હાર્યો નથી, મને હરાવવામાં આવ્યો છે. હેશટેગ સંગ તેવો રંગ.'

તીડની પોસ્ટ સસલાભાઈએ વાંચી. હેશટેગ પર સસલાભાઈની નજર પડી. એનાથી સસલાભાઈ બહુ નારાજ થયા. તેમણે તીડ માટે શું નહોતું કર્યું? ચૂંટણી પ્રચાર સમયે તીડની ઉડવાની સ્પીડથી સસલાભાઈ દોડયા હતા. રાજા સિંહની પાર્ટીના નેતાઓ તો સસલાભાઈની ટીખળ કરતા જ હતા, પરંતુ તીડ જેવા સહયોગી નેતાઓ પણ આવું કહે તે સસલાભાઈથી સહન થતું ન હતું. તીડની એ પોસ્ટને વળી સસલાભાઈના જ સહયોગી બારહસિંગાભાઈ લાઈક કરી ગયા હતા. એ બધું જોઈને સસલાભાઈને સમજાઈ ગયું કે તેમના ગઠબંધનના નેતાઓ પણ મશ્કરી કરી રહ્યા છે. સસલાભાઈ માટે પરાજયની કંઈ નવાઈ ન હતી, પરંતુ સાથીઓનું આ વલણ તેમને અકળાવી ગયું. તેમણે બધા સાથે બોલવાનું જ બંધ કરી દીધું.

આ બધું જોઈને સસલાભાઈની પાર્ટીના પ્રમુખ અને તેમના વફાદાર નેતા લંગુર લપલપિયાએ સસલાભાઈને મોટિવેટ કરવાનું બીડું ઝડપ્યું. તેમણે પાર્ટીના સીનિયર-જુનિયર નેતાઓને બોલાવ્યા. સસલાભાઈ એક વાતે નસીબદાર હતા. તેમની પાસે વફાદાર નેતાઓની ટુકડી હતી. ભલે ચૂંટણી વખતે આ નેતાઓ બહુ કામ કરતા ન હોય, પરંતુ પરાજય પછી યોજાતી પાર્ટીની ચિંતન શિબિરમાં આ નેતાઓ ખાસ હાજર રહીને તેમનાં અમૂલ્ય સૂચનો આપતા. સસલાભાઈના પરાજયનો દરેક વખતે બચાવ કરતા. ને કદાચ સસલાભાઈએ પણ એટલે જ તેમને પાર્ટીમાં સિનિયર નેતા તરીકે ચાલુ રાખ્યા હતા. નહીંતર આમ તો એમનો કોઈ ખપ હતો નહીં.

સીનિયર નેતા બતક બટકબોલાએ સસલાભાઈને આશ્વાસન આપતા કહ્યું, 'રાજા સિંહે સુપર્બ કામ કર્યું. તેમનો ચૂંટણી વ્યૂહ જડબેસલાક હતો. પાર્ટીના પરાજયમાં તમારો કોઈ વાંક નથી. રાજા સિંહની ભાષણની છટા અદ્ભુત છે. રાજા સિંહની લોકપ્રિયતાનો કોઈ જવાબ નથી. તમે પરાજયનો બોજ ન લો. આપણો પરાજય થવાનો જ હતો.'

બતક બટકબોલાને સાંભળીને ઘણાને સમજાયું નહીં કે એણે સસલાભાઈને આશ્વાસન આપ્યું કે સિંહના વખાણ કર્યા. આમેય બતક પર સિંહના વારંવાર વખાણ કરવાનો આરોપ લાગતો હતો.

ઊંટ ઉટપટાંગે પ્રેક્ટિકલ સૂચન કર્યું, 'સસલાભાઈ! તમે હમણાં બહુ મહેનત કરી છે. થોડા દિવસ વેકેશનમાં જઈ આવો. થાક ઉતરી જશે પછી નવેસરથી તૈયારી કરીશું.' થોડા વધારે ફ્રેન્ડલી ટોનમાં ધીમા અવાજે કહ્યું, 'આપણે ગઠબંધન જ એટલા માટે કરીએ છીએ કે સહયોગી પાર્ટી અને નેતાઓ પર પરાજયનો દોષ આપી શકીએ. તમે નાહક આટલું ટેન્શન લો છો.'

યુવા નેતાઓને તો માત્ર બેસીને સાંભળવાનું જ હતું. સીનિયર નેતાઓએ જ સલાહના પોટલા બંધાવી દીધા. પાર્ટીના પ્રમુખ હતા એટલે સૌથી લાંબું ભાષણ લંગૂર લપલપિયાએ આપવાનું હતું. તેમણે ગળું ખંખેરીને શરૂ કર્યું, 'આદરણીય સસલાભાઈ! તમે અમારા સૌના નેતા છો અને હંમેશા રહેશો. આપણે જીતીશું ત્યારે સંપૂર્ણ ક્રેડિટ તમને મળશે. હાર તો ચાલ્યા કરશે. આપણા માટે એ કંઈ નવાઈની વાત નથી. હાર-જીત તો આપણા વિચારો પર આધારિત છે. આપણે માનીએ કે હારી ગયા તો આપણી હાર છે. આપણે દિલથી માનીશું કે જીતી ગયા તો આપણી જીત છે. તમે હાર-જીતથી પરે થઈ ચૂક્યા છો. તમારે કોઈ વાતનું ખોટું લગાડવાનું નથી.'

'...પણ ગઠબંધન કોની સાથે કરીશું?' હવે છેક સસલાભાઈ પહેલી વખત બોલ્યા.

લંગૂરભાઈ લપલપિયાએ તુરંત જવાબ આપ્યો: 'ગઠબંધન માટે તો જંગલમાં ઘણા નિષ્ફળ નેતાઓ મળી રહેશે. તમે એ ચિંતા છોડો. જંગલ જોડો!' 

એટલું સાંભળીને જ સસલાભાઈના મોં પર સ્મિત આવી ગયું. એ જોઈને સૌ સીનિયર નેતાઓએ ફરીથી ચાપલૂસી શરૂ કરી દીધી. પાર્ટીના મહેનતુ યુવા નેતાઓ ખૂણામાં બેસીને આ તમાશો જોઈ રહ્યા હતા...