Get The App

જંગલમાં રાજકારણીઓની કોમેડી અને કોમેડિયનના મુદ્દે રાજકારણ

Updated: Mar 27th, 2025

GS TEAM

Google News
Google News
જંગલમાં રાજકારણીઓની કોમેડી અને કોમેડિયનના મુદ્દે રાજકારણ 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- કૂકડાકુમાર કોમેડિયને જંગલના નેતાઓની બે કેટેગરી પાડી - રાજા સિંહના ખાસ હોય એ 'ગદ્દાર' અને રાજા સિંહના વિરોધમાં હોય એ 'ખુદ્દાર.' એનાથી આખોય નેતા સમાજ નારાજ થઈ ગયો...

જંગલમાં કૂકડાઓનું કામ હતું સૌને જગાડવાનું. આખોય કૂકડાસમાજ વહેલા ઊંઘી જતો અને વહેલા જાગીને સૌને જગાડતો. કૂકડાઓનું 'કૂકડેકૂક' સાંભળીને જંગલવાસીઓની સવાર પડતી. પણ સમય બદલાયો પછી જંગલવાસીઓ સવારે જાગવા માટે કૂકડાઓ પર નિર્ભર ન રહ્યા ને ઘડિયાળ, મોબાઈલ, અલાર્મ વગેરેને કારણે આત્મનિર્ભર બની ગયા. આમેય કૂકડાઓની બાયોલોજિકલ ક્લોક પણ મોબાઈલ એડિક્શનના કારણે ખોરવાઈ ગઈ હતી. જે કૂકડા વહેલા ઊંઘી જતાં એ હવે ત્રણ-ત્રણ, ચાર-ચાર વાગ્યા સુધી તો જાગીને વેબ સિરીઝો જોતા.

જંગલમાં પરિવર્તન આવ્યું એટલે કૂકડાઓએ તેમના પરંપરાગત 'જગાડવા'ના ધંધાને બદલે અન્ય ધંધામાં ઝંપલાવ્યું. અમુક કૂકડા રાતપાળીની કે મોર્નિંગ શિફ્ટની નોકરીઓમાં લાગી ગયા. અમુક વળી ચોકીદારીના ધંધામાં ગયા. ઘણાએ અણધાર્યા ક્ષેત્રમાં જઈનેય સફળતા મેળવી. એવી સફળતા મેળવનારા એક કૂકડાનું નામ હતું - કૂકડાકુમાર કોમેડિયન. નામ પ્રમાણે એ જોક ફટકારીને સૌની વાહવાહી મેળવતો. જંગલમાં કોમેડીનું અલગ માર્કેટ બન્યું હોવાથી એમાંથી સારી એવી કમાણી પણ થતી. 

કૂકડાકુમાર કોમેડિયનના કાર્યક્રમો થવા માંડયા. વિડીયો બનવા માંડયા અને જંગલમાં પોપ્યુલર કોમેડિયનમાં એનું નામ બોલાવા લાગ્યું. અહીં સુધી બધું ઠીક હતું, પરંતુ કોઈ એક પળે કૂકડાકુમારને આવો વિચાર આવ્યો - 'મારા પૂર્વજોનું કામ તો જંગલવાસીઓને જગાડવાનું હતું. હું ભલે કોમેડિયન બની ગયો, પણ મારેય એ કામ અલગ રીતે કરવું જોઈએ.' બહુ વિચાર્યું તો સમજાયું કે 'જગાડવા'નો બહુ ડીપ મીનિંગ થાય છે. 'જગાડવું' એટલે સ્થૂળ અર્થમાં ઊંઘમાંથી જગાડવું, પરંતુ જગાડવું એટલે સૂક્ષ્મ અર્થમાં કોઈ કેફમાંથી જંગલવાસીઓને જાગૃત કરવા. કૂકડાકુમારના મતે રાજા સિંહે જંગલમાં સત્તા સંભાળી ત્યારથી તેમના ભક્તગણની સંખ્યા વધતી જાય છે. જંગલવાસીઓ એક પ્રકારના નશામાં છે. એમને જાગૃત કરવા જોઈએ.

કૂકડાકુમાર કોમેડિયન પર આ નવા પ્રકારની 'જાગૃતિ'ની ધૂન સવાર થઈ ત્યારથી એણે કોમેડીને જંગલવાસીઓને જગાડવા માટેનું સાધન બનાવી દીધી. એણે કોમેડીમાં રાજા સિંહને કેન્દ્રમાં રાખવાનું શરૂ કર્યું. એને લાગતું કે જંગલવાસીઓ કરતાં એ વધુ બુદ્ધિશાળી છે એટલે એની બુદ્ધિનો લાભ સૌને મળવો જોઈએ. એ મનોમન ગણગણતો : 'રાજા સિંહ જે વ્યૂહ ઘડીને ચૂંટણીઓમાં વિજય મેળવે છે એ મારા સિવાય કોઈને સમજાતો નથી. સિંહ તેના અંગત સલાહકાર રીંછભાઈ સાથે મળીને અલગ લેવલનું પ્લાનિંગ કરે છે. વાયદાઓ કરીને જ અડધી બાજી જીતી જાય છે. બાકીનું કામ યોજનાઓ લોંચ કરીને અને ઉદ્ધાટન સમારોહો યોજવાથી થઈ જાય છે. આ વાત મારે જંગલવાસીઓને સમજાવવી જોઈએ.' 

કૂકડાકુમારની જેમ જંગલના બધા કોમેડિયનો માનતા કે રાજકારણની સમજ તેમના જેટલી કોઈનામાં નથી. એક દિવસ કૂકડાકુમાર કોમેડિયને જંગલવાસીઓને જગાડવાના ઈરાદે એક કાર્યક્રમમાં નેતાઓની વ્યાખ્યા કરતાં કહ્યું, 'વિપક્ષના નેતા સસલાભાઈ, કાચબાભાઈ કકળાટિયા, લંગૂરભાઈ લપલપિયાની પાર્ટીમાંથી રાજા સિંહની પાર્ટીમાં આવી જઈને તેમના ખાસ બની જતા નેતાઓ ગદ્દાર છે. વિપક્ષમાં રહીને રાજા સિંહનો વિરોધ કરતા નેતાઓ ખુદ્દાર છે.'

આ નવી વ્યાખ્યાથી નેતાઓ ભારે નારાજ થયા. જંગલના નેતાઓ આમેય બધા જ કોમેડિયનોથી નારાજ હતા. એકેય કોમેડિયન જંગલના નેતાઓને ટક્કર આપી શકે તેમ ન હતો. કોમેડીમાં રાજા સિંહથી શરૂ કરીને વિપક્ષના નેતા સસલાભાઈ, કાચબાભાઈ કકળાટિયા, સાંસદ ગેંડાભાઈ ગુમાની, ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ સહિત મોટાભાગના નેતાઓની જબરી હથોટી હતી. કોમેડિયનો ન કરી શકે એવી એવી કોમેડી જંગલવાસીઓને ઘરબેઠા ફ્રીમાં મળી જતી. નેતાઓ માનતા કે કોમેડિયનોનું તેમની સામે કોઈ ગજું નથી. 

એમાં આ કૂકડાકુમારે નેતાઓના બે ભાગ પાડયા એનાથી આખોય નેતાસમાજ રોષે ભરાયો. નેતાઓ પાસે નારાજ થવાનું કારણ પણ હતું. નેતાઓની દલીલ આવી હતી: 'રાજા સિંહની પાર્ટીમાંથી ગદ્દાર ગણાવાયેલો કોઈ નેતા વિપક્ષની સાથે આવશે ત્યારેય કૂકડાકુમાર એને ગદ્દાર કહેશે? માની લો કે ચૂંટણી પહેલાં વિપક્ષમાંથી કોઈ નેતા રાજા સિંહની પાર્ટીમાં જશે ત્યારે શું કૂકડાકુમાર કોમેડિયન એને ખુદ્દાર જ કહેશે કે પછી નવેસરથી ગદ્દાર ગણાવશે?'

અખિલ જંગલીય નારાજ નેતા સંઘે સત્તાવાર નિવેદન આપ્યું: 'અમે કૂકડાકુમાર કોમેડિયનની કાઢી શકાય એટલા આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીએ છીએ. તેણે નેતાઓને બે કેટેગરીમાં વહેચી દીધા તેનાથી નેતાઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. કૂકડાકુમારના નિવેદનના કારણે નેતાઓના પક્ષપલટાના અધિકાર પર સવાલો ખડા થયા છે. કૂકડો અત્યારે જ માફી માંગે!'

કૂકડાકુમાર કોમેડિયને વીડિયો મેસેજમાં લડી લેવાનો મિજાજ બતાવતા કહ્યું: 'હું મારા શબ્દો પાછા નહીં ખેંચું. રાજા સિંહ સાથે છે એ નેતાઓ 'ગદ્દાર' અને સિંહની સામે લડી રહ્યા છે એ 'ખુદ્દાર.' વાત પૂરી.'

નારાજ નેતા સંઘે છેલ્લી દલીલ કરી એ પછી તો કૂકડાકુમાર કોમેડિયને સોશિયલ મીડિયામાં બે પંજા જોડયા. કૂકડાકુમારને પંજા જોડવા મજબૂર કરતી ધારદાર દલીલ આ હતી : 'જંગલનો કોઈ નેતા કાયમી ધોરણે ગદ્દાર કે કાયમી ધોરણે ખુદ્દાર નથી હોતો. એ સમય સંજોગો પ્રમાણે નક્કી થતી બાબત છે. કાયમી ધોરણે કોઈને 'ગદ્દાર' કે 'ખુદ્દાર' કહેવો એ નેતાઓની બદનક્ષી છે...'