Get The App

લાઈનમાં ઉભા રહેવાથી તન-મન સ્વસ્થ રહે છે : ડૉ. ચક્રમુખ ચિમ્પાન્ઝી

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
લાઈનમાં ઉભા રહેવાથી તન-મન સ્વસ્થ રહે છે : ડૉ. ચક્રમુખ ચિમ્પાન્ઝી 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલવાસીઓને લાઈનમાં ઉભેલા જોઈ 'જંગલ ન્યૂઝ'ની ચુલબુલી એન્કર હસીના હરણીએ સૌના ફીડબેક મેળવ્યા. તે ઉપરાંત એક્સપર્ટ ઓપિનિયન પણ મેળવ્યા

'તમને લાઈનમાં ઊભા રહીને કેવું લાગ્યું?' ફ્યુઅલ પંપોમાં જંગલવાસીઓની લાઈન લાગી હતી ત્યાં પહોંચીને 'જંગલ ન્યૂઝ'ની ચુલબુલી એન્કર હસીના હરણીએ રિપોર્ટિંગ શરૂ કર્યું હતું. હસીના હરણી પંજામાં બૂમ (માઈક) પકડીને લાઈનમાં ઉભા રહેલા જંગલવાસીઓના ફીડબેક મેળવતી હતી. લાંબી લાઈનમાં રહીને કંટાળેલા કબૂતર કાનાફૂસિયાએ અકળાઈને જવાબ આપ્યો, 'અમે અહીં કેવું લાગે એનો જવાબ આપવા ઉભા છીએ? તમને દેખાતું નથી કે અમે બધા પરેશાન થઈ ગયા છીએ? અને...'

કાગડા કંકાસિયાએ અચાનક ન્યૂઝ ચેનલના બૂમ પાસે જઈને બૂમ પાડી, 'અમને કોઈ તકલીફ નથી. અમુક લોકોને જ પરેશાની છે. બધાં જંગલોમાં આવું થતું હોય છે. આપણા જંગલમાં તો ખૂબ સારી સ્થિતિ છે. વંદે જંગલમ્... જંગલ માતા કી જય!'

મૂળ તો જંગલમાં પ્રાણી-પંખીઓ માટે ઠેર-ઠેર ફ્યુઅલ પંપો બન્યાં હતાં. આ પંપોમાં પ્રાણીઓના પગમાં લિક્વિડની ધાર થતી. એ રીતે પગમાં મસાજ કરી આપવામાં આવતો એટલે તેમનો આગળનો પ્રવાસ ચાલતો. પ્રાણીઓ માટે આ ફ્યુઅલ પંપોમાં જવું જરૂરી હતું. જો એમને નિયમિત લિક્વિડથી મસાજ ન મળે તો અમુક અંતરે અટકી જવું પડતું.

ફ્યુઅલ પંપોમાં જ પક્ષીઓ માટે ગેસથી પાંખોમાં મસાજની વ્યવસ્થા હતી. પંખીઓ પાંખો ખુલ્લી રાખે એટલે ગેસથી એ પાંખોમાં ભરાતી ધૂળ સાફ થઈ જતી અને તેમનો થાક પણ ઉતરી જતો. આ પ્રોસેસ થઈ જાય તો ફ્યુઅલ ભરાઈ ગયું કહેવાય અને પ્રોસેસ ન થઈ હોય ને એનર્જી લેવલ ઓછું થાય તો ફ્યુઅલ લૉ થયું કહેવાય. ઘણાં પ્રાણી-પંખીઓ હવે ઈલેક્ટ્રિક મસાજની સર્વિસ લઈને એનર્જી મેળવી લેતા. સૂર્યના પ્રકાશથી પ્રાણી-પંખીઓને મસાજ મળી રહે એવાય ઉપકરણો હવે જંગલમાં શોધાવા લાગ્યાં હતાં.

આમ તો જંગલમાં એટલા ફ્યુઅલ પંપો હતા કે પ્રાણી-પંખીઓ આ પ્રક્રિયા ગણતરીની મિનિટોમાં કરીને નીકળી જતા. વળી, જંગલમાં ગમે એટલો દૂરનો પ્રવાસ કરવો હોય તો પણ બધે અમુક અંતરે ફ્યુઅલ પંપો બની ચૂક્યા હતા એટલે ખાસ ચિંતા રહેતી નહીં, પરંતુ અચાનક 'ફ્યુઅલનો જથ્થો જંગલમાં ઓછો થયો છે' એવો મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયો એટલે જંગલવાસીઓ ઉતાવળે ફ્યુઅલ પંપોમાં આવી પહોંચ્યા હતા અને તેના કારણે લાંબી લાઈનો લાગી ગઈ. કલાકો સુધી ઊભા રહ્યા પછી પણ ફ્યુઅલની પ્રોસેસમાં વારો આવતો ન હતો.

જંગલવાસીઓને આ રીતે લાઈનમાં ઊભા રહેવાનો સારો એવો અનુભવ હતો. દાણા-પાણી અને ચારા માટે લાઈનમાં ઉભા રહી ચૂકેલા જંગલવાસીઓને લાઈનમાં ઉભા રહેવાનું રૂટિન લાગતું હતું, તેમ છતાં વારંવાર આવી લાઈનો લાગે તે યોગ્ય નહીં એવો મત જંગલમાં મજબૂત થવા લાગ્યો હતો. વિપક્ષના નેતા સસલાભાઈ રાજા સિંહને જવાબદાર ગણીને વારંવાર કહેતા: 'રાજા સિંહને જંગલની સરકાર ચલાવતા નથી આવડતી.' 

સિંહના સમર્થકો સસલાભાઈની ટીકામાં દલીલ કરતાં: 'તમારી પાર્ટી સત્તામાં હતી ત્યારે જ તો આ પરંપરા શરૂ થઈ છે.'

આવા બધા આરોપો અને દાવા વચ્ચે જંગલવાસીઓને લાઈનમાં ઊભા રહેલા જોઈને 'જંગલ ન્યૂઝ'ની એન્કર હસીના હરણીએ વિચાર્યું કે સૌના ઓપિનિયન લેવા જોઈએ.

'તમને લાઈનમાં ઉભા રહીને કેવું લાગ્યું? તમે આ મુદ્દે શું કહેશો?' હસીના હરણીએ મહારાજ સિંહના સમર્થક ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાને પૂછ્યું. 

ઘેટાભાઈએ પળનીય વાર લગાડયા વગર જવાબ આપ્યો, 'આપણાં ગરુડોની ટીમ રાત-દિવસ મહેનત કરીને જંગલનું રક્ષણ કરે છે ત્યારે આપણે શું જંગલના હિતમાં લાઈનમાં પણ ઊભા ન રહી શકીએ? વંદે જંગલમ્... જંગલ માતા કી જય!' 

લાઈનમાં ઊભા રહેલા સૌ સિંહ સમર્થકોએ વળતો નારો લગાવ્યો: 'વંદે જંગલમ્.. જંગલ માતા કી જય!'

'...પણ આ તો ફ્યુઅલના જથ્થાની અછતનો મુદ્દો છે. આમાં જંગલના હિતની વાત ક્યાંથી આવી?' હસીના હરણીએ સિંહના સમર્થનમાં નારો લગાવતા પાડાકુમાર પંચાતિયાને પૂછ્યું. 

પાડાએ બરાડો પાડયો, 'તમને મિડીયાવાળાને વાંક જ દેખાશે. કોઈ દિ' સસલાભાઈને પૂછ્યું?'

સિંહ સમર્થકો સામે દલીલોનો કોઈ અર્થ નથી એ સમજતી હસીના હરણીએ કેમેરા સામે જોઈને કહ્યું, '...તો દોસ્તો! આ હતા ફ્યુઅલની લાઈનમાં ઉભા રહેલા જંગલવાસીઓના ફીડબેક. હું એક્સપર્ટ ઓપિનિયન સાથે ટૂંક સમયમાં તમારી સમક્ષ હાજર થઈશ. જોતાં રહો 'જંગલ ન્યૂઝ'...'

નાનકડા વિરામ પછી હસીના હરણીએ ડૉ. ચક્રમુખ ચિમ્પાન્ઝીની હોસ્પિટલમાંથી લાઈવ કવરેજ શરૂ કર્યું, '...તો દોસ્તો હું આવી પહોંચી છું ડૉ. ચિમ્પાન્ઝીની હોસ્પિટલમાં. આપણે આ મુદ્દે એક્સપર્ટનો ઓપિનિયન સમજી લઈએ. ડૉ. ચિમ્પાન્ઝી અમને એ જણાવો કે લાઈનમાં ઉભા રહેવાથી શરીર પર શું અસર થાય?'

ચક્ર જેવું ગોળ મુખ જેનું નામ ચક્રમુખ પડેલું તે ડૉ. ચક્રમુખ ચિમ્પાન્ઝીએ કહેવા માંડયું, 'આપણા પ્રાચીન ગ્રંથોમાં લખ્યું છે કે શારીરિક શ્રમ કરવાથી નિરોગી રહી શકાય છે. જંગલવાસીઓની લાઈફસ્ટાઈલ બદલાઈ છે એ સમજતા આપણાં દીર્ઘદૃષ્ટા મહારાજ સિંહ આ રીતે વારંવાર જંગલવાસીઓને કોઈને કોઈ લાઈનમાં ઊભા રાખીને તન-મન તંદુરસ્ત રાખે છે.'

ડૉ. ચક્રમુખ ચિમ્પાન્ઝીનો આ વીડિયો સિંહ સમર્થકોએ વાયરલ કરીને લાઈનમાં ઊભા રહેવાના અનેક ફાયદા જણાવવા માંડયા...