Get The App

અધિકારીઓએ એકબીજાને 'ગધેડા' કહેતાં ગધેડા સમાજ નારાજ

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
અધિકારીઓએ એકબીજાને 'ગધેડા' કહેતાં ગધેડા સમાજ નારાજ 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- અખિલ જંગલીય ગધેડા સમાજના અધ્યક્ષ ગુલામદાસ ગધેડાના નેતૃત્વમાં ગધેડા સમાજની બેઠક થઈ, એમાં નિંદા પ્રસ્તાવ પસાર થયો કે અધિકારીઓ એકબીજાને જે કહેવું હોય એ કહે, પણ 'ગધેડા જેવો છે' એમ ન કહે

બે સરકારી અધિકારીઓ - મગર માથાભારે અને બબ્બન બિલાડા વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ. બંને આમ તો જંગલની સરકારમાં મહત્ત્વની જવાબદારીઓ સંભાળતા હતા. મગર માથાભારે વહીવટી અધિકારી હતો. બબ્બન બિલાડો સુરક્ષા અધિકારી હતો. બંને મહારાજા સિંહ અને તેમના અંગત સલાહકાર રીંછભાઈના વિશ્વાસુ હતા. તેમની વચ્ચે ઘર્ષણ થયા કરતું. 

એક દિવસ મગર માથાભારેએ મહારાજા સિંહની મીટિંગમાંથી બહાર નીકળ્યા બાદ કોઈ મુદ્દે બબ્બન બિલાડાને સલાહ આપી. બબ્બને તુમાખીથી જવાબ આપ્યો કે એ હું જોઈ લઈશ, તારે એમાં દખલ કરવાની જરૂર નથી. જંગલમાં અધિકારીઓના કામમાં નેતાઓ દખલ કરે તો 'જી સર, જી સર!' કહીને ચલાવી લે, પણ બીજો અધિકારી દખલ દે તો માથાકૂટ થાય. આ બંને વચ્ચેય જામી પડી.

બીજા અધિકારીઓ વચ્ચે આવ્યા ને બેયને બાખડતા અટકાવ્યા, પણ ઝઘડતા હોય ત્યારે જીભને થોડી અટકાવી શકાય! મગર માથાભારેએ ગુસ્સામાં કહી દીધું: 'તું તો સાવ ગધેડા જેવો છો!' 

સામે બબ્બન બિલાડાએ પણ કહ્યું: 'હું તો ગધેડા જેવો હોઈશ, પણ તું તો ગધેડો જ છો!' થોડીવારની બોલાચાલી પછી મામલો રાજા સિંહના રાજકીય સલાહકાર રીંછભાઈ પાસે પહોંચ્યો. રીંછભાઈએ બંનેને તતડાવી નાખ્યા એટલે સમાધાન પણ થઈ ગયું. 

પણ મામલો અહીં અટક્યો નહીં. કોઈ ત્રીજા જ અધિકારીએ આ માથાકૂટનો વીડિયો ઉતારી લીધો હતો. વીડિયો વાયરલ થઈ ગયો. બે અધિકારીઓ ઝગડયા એમાંથી જંગલવાસીઓને તો મનોરંજન મળ્યું. એ વીડિયો ફરતો ફરતો ગધેડા સમાજના અધ્યક્ષ અને જંગલના ટોચના ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડા સુધી પહોંચ્યો. શરૂઆતના વીડિયોમાં તો એમનેય મજા આવી, પણ જેવો 'ગધેડા' શબ્દનો ઉલ્લેખ થયો કે ગુલામદાસ ઉકળી ઉઠયા. પોતાના સમાજનું અપમાન તેમનાથી સહન થાય તેમ ન હતું. અધિકારીઓ એકબીજાને ગધેડો કહે તે કેમ ચાલે? ગધેડા સમાજની અધિકારીઓ સાથે સરખામણી થઈ એમાં ગુલામદાસને અપમાન લાગ્યું. તેમણે તાકીદે સમાજની બેઠક બોલાવી.

મીટિંગમાં સૌ હોદ્દેદારો હાજર થયા કે તુરંત ગુલામદાસે નારાજગી વ્યક્ત કરી : 'મીડિયામાં આપણી બદનામી થઈ રહી છે અને તમે કોઈએ મારું ધ્યાન કેમ ન દોર્યું?'

'સર, મેં તમને વીડિયો મોકલ્યો હતો, પણ નેટવર્કનો પ્રોબ્લમ હતો એટલે...' સમાજની યુવા પાંખના પ્રમુખ ડોન્કીકુમાર દોઢડાહ્યાએ જવાબ આપ્યો, પણ તેને અધવચ્ચે અટકાવીને ગુલામદાસે કહ્યું : 'એવાં કોઈ બહાનાં ન બતાવશો. તમે મને એક ટેક્સ્ટ મેસેજ પણ કરી શક્યા હોત.'

'આપણે સમગ્ર ગધેડાસમાજના હિતમાં આ ઘટનાનો વિરોધ નોંધાવવો જોઈએ.' ગુલામદાસ ગધેડાની લગોલગ જગ્યા મેળવીને ગધેડીઓ વતી નેતૃત્વ કરનારી બિઝનેસમાદા મિસ ગુલગુલ ગધેડીએ ઓપિનિયન આપ્યો.

'મિસ ગુલગુલ ગધેડીની વાત એકદમ સાચી છે. આપણે સૌએ આ ઘટનાનો વિરોધ કરવો જ પડશે.' ગુલામદાસ ગધેડાએ નરમાશથી ગુલગુલ ગધેડી સામે જોયું ને પછી ઉમેર્યું, 'અધિકારીની સરખામણી ગધેડા સાથે થાય એમાં આપણા સમાજનું સો ટકા અપમાન છે. આપણે કંઈ એના જેવા આળસુ નથી. મહેનત કરવામાં આપણને કોઈ પહોંચી શકે તેમ નથી.'

'દોસ્તો! આપણાં સમાજની સરખામણી આજે અધિકારી સાથે થઈ છે, કાલે ઊઠીને જંગલના નેતા સાથે થશે. એનાથી આપણા મહાન વારસાને ધક્કો પહોંચી રહ્યો છે.' ઉપપ્રમુખ ગધાજી ગાયનપ્રેમીએ એક કાગળમાં ટપકાવેલા મુદ્દા જોઈને કહ્યું.

'આખી વાતમાં એટલું તો સ્પષ્ટ છે કે જંગલના અધિકારીઓએ ગધેડાઓની લાગણી દુભવી છે.' ગુલામદાસ ગધેડાએ ફરીથી મૂળ વાત યાદ અપાવીને ઉમેર્યું, 'બંને અધિકારીઓ આપણાં સમાજની લાગણી દુભવવા બદલ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી આપણે આંદોલન કરીશું.'

'આપણે ઉગ્ર દેખાવો કરીશું. જંગલમાં ઠેર-ઠેર ચક્કાજામ કરીશું.' ગધેડાસમાજના હોદ્દેદારોએ એકી અવાજે આંદોલનના પ્રસ્તાવનું સમર્થન કર્યું.

ગધેડાસમાજના આગેવાનોની સૂચના પ્રમાણે જંગલમાં આંદોલન શરૂ થયું. ચારેબાજુ ગધેડાઓએ તોડફોડ કરી. મધરાતે હોંચીહોંચીના અવાજો કરીને જંગલવાસીઓની ઊંઘ ઉડાડી દીધી. ગધેડાઓની લાગણી પણ દુભાઈ શકે છે તેનો જંગલવાસીઓને પહેલી વખત પરિચય થયો. અત્યાર સુધી લાગણી દુભાઈ જવાની મોનોપોલી જંગલના બળદો-પાડાઓ-ઘેટાં-બકરાઓની જ હતી, પણ હવે એમાં વધુ એક સમાજનો ઉમેરો થઈ ગયો હતો.

ગધેડાસમાજ જેવી કહ્યાગરી વૉટબેંક ગુમાવવી પડે એ જંગલના એકેય રાજકારણીને પોસાય એમ ન હતું. અંતે ગુલામદાસ ગધેડા સાથે ઉચ્ચસ્તરીય બેઠક થઈ. ગધેડાસમાજનું આંદોલન સમેટી લેવાના બદલામાં ગુલામદાસ ગધેડાની કંપની 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ને બે-ત્રણ મહત્વના સરકારી કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી થયું.

બસ, પછી તો શું હોય! વળતા દિવસે ગધેડાસમાજનું આંદોલન સમેટાઈ ગયું!