- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલમાં રાજા સિંહે નામ બદલવાની ભવ્ય પરંપરા શરૂ કરી હતી. જંગલના નિયમોથી લઈને ઈમારતોનાં નામ તો બદલાતા જ હતા, હવે તેમણે જંગલના પ્રદેશો નામ બદલવાનું શરૂ કર્યું...
જંગલમાં જ્યારે ઘરડા સિંહનું રાજ હતું ત્યારે અત્યારના રાજા સિંહ તેમનું સ્થાન લેવા થનગનતા હતા. તે વખતના રાજા સિંહ કરતાં અત્યારના રાજા સિંહ ત્યારે યુવાન હતા. તેમણે જંગલવાસીઓને કહ્યું, 'હું આ જંગલનો રાજા બનવા સક્ષમ છું. હું જંગલને નવી ઊંચાઈએ લઈ જઈશ. તમે ઘરડા સિંહને વર્ષોથી રાજા બનાવો છો. મને એક તક આપો. હું સિસ્ટમ બદલી નાખીશ.'
ઘરડા સિંહને ચૂંટણીમાં હરાવવા તેમણે નારો આપ્યો હતો - 'નવું વન. નવું પર્યાવરણ. નવું પરિવર્તન.'
જંગલવાસીઓ ઘરડા સિંહ સામે ચૂંટણી લડી રહેલા નવા સિંહની એ વાતથી કન્વિન્સ થયા હતા કે જંગલમાં નવા પરિવર્તનની જરૂર છે, નવા પર્યાવરણની જરૂર છે. જૂના સિંહમાં હવે નવીનતાનો અભાવ છે. ઘરડા સિંહ એક્શન લેવામાં નબળા સાબિત થયા છે. ઘરડા સિંહમાં જંગલને બદલવાની ક્ષમતા નથી. ચૂંટણીમાં ઘરડા સિંહનો ઘોર પરાજય થયો. જંગલવાસીઓએ નવા રાજાને સત્તા સોંપી દીધી.
ઘરડા સિંહના સિંહાસન પર અત્યારના રાજા સિંહ બિરાજમાન થયા. તેમણે અંગત સલાહકાર રીંછભાઈને આંતરિક બાબતો સોંપી.
હાથીભાઈ હરખપદૂડાને માર્ગ-પરિવહન અને રેલવેના વિભાગો સોંપ્યા. તેમણે તુરંત અનેકાનેક યોજનાઓ જાહેર કરી. જેમ કે, પહેલાં જંગલવાસીઓ બેંકોમાં જઈને સાધારણ પદ્ધતિથી ખાતું ખોલાવી નાખતા હતા. રાજા સિંહે પદ્ધતિ એની એ જ રાખી, પરંતુ ખાતું ખૂલે તેને નામ આપ્યું ઃ વન ધન યોજના. જંગલમાં સેંકડો વર્ષોથી ઋતુઓ બદલાતી રહેતી હતી. જંગલવાસીઓ એને સાધારણ પ્રક્રિયા માનતા હતા. રાજા સિંહે એક યોજના બનાવીને નામ આપ્યું - પરિવર્તનશીલ પર્યાવરણ. યોજનાઓનાં આવાં અસરકારક નામો જોઈને જંગલવાસીઓ સ્માર્ટ રાજા પસંદ કરવા બદલ મનોમન પોરસાતા હતા.
ધીમે ધીમે રાજા સિંહ એ વાત સમજી ગયા કે જંગલમાં સિસ્ટમ બદલવાનું કામ ચૂંટણીના સૂત્રો આપવા જેટલું સરળ કામ નથી. જંગલની સિસ્ટમ બદલવા માટે ઈમાનદારીથી કામ કરવું પડે, ઈમાનદારીથી કામ કરાવવું પડે. ચૂંટણીલક્ષી માનસિકતા છોડી દેવી પડે. માત્ર વાહવાહી થાય એ જરૂરી નથી, ક્યારેય ટીકા પણ સહન કરવી પડે. સૌથી મહત્ત્વનું - દરબારના ખર્ચા ઘટાડવા પડે. સાદગી અપનાવવી પડે. દિવસ-રાત જંગલના હિતનું વિચારવું પડે.
ઘણું વિચાર્યું તો રાજા સિંહને એ પણ સમજાયું કે સિસ્ટમ બદલવાની જરૂર નથી. નામ બદલવાની પદ્ધતિ જો જડબેસલાક બની જાય તો જંગલવાસીઓ, રાજા સિંહના સમર્થકો તેને સિસ્ટમ બદલવા બરાબર માનશે. સલાહકાર રીંછભાઈ સાથે લાંબી ચર્ચા-વિચારણા કર્યા બાદ તેમણે જંગલની સરકારમાં કામ કરવાની પદ્ધતિ બદલી નાખી - 'સિસ્ટમ ન બદલો તો કંઈ નહીં, નામ બદલો!' આ પદ્ધતિના ભાગરૂપે તેમણે સૌથી પહેલા જંગલમાં ચાલતો 'કાળ' બદલ્યો. તેમણે કહ્યું, 'અત્યાર સુધી જંગલ મૃતકાળમાં હતું, હું તેને અમૃતકાળમાં લઈ આવ્યો છું.' તેમણે જંગલની સરકારના કામકાજના દસ્તાવેજોમાં, મંચની પાછળ લાગતા બેનરોમાં, જાહેરાતોમાં બધે જંગલનો કાળ બદલી નાખ્યો. જંગલવાસીઓ અમૃતકાળમાં પ્રવેશીને ખુશખુશાલ હતા.
એક દિવસ રાજા સિંહે જાહેરાત કરીઃ 'જંગલના નિયમો બદલવાની જરૂર છે. હવે આપણે નિયમોને 'નિયમો' નહીં કહીએ, દંડશાસ્ત્ર કહીશું.'
જંગલવાસીઓએ આ પરિવર્તન પણ સ્વીકારી લીધું. તેમના સમર્થકોએ તો ત્યાં સુધી કહ્યું કે જંગલની સિસ્ટમ તેનાથી આખેઆખી બદલાઈ જશે. જંગલવાસીઓનો ઉત્સાહ જોઈને રાજા સિંહે એક દિવસ ઘોષણા કરીઃ 'જંગલની સરકારી ઈમારતો હવે 'ઈમારતો' નહીં ગણાય. 'સેવાલયો' ગણાશે.' તેમણે જંગલની સરકારના દરબારીઓ - રીંછભાઈ, હાથીભાઈ અને અધિકારીઓ - બબ્બન બિલાડો, મગર માથાભારેને બોલાવીને તાકીદ કરીઃ 'આપણે હવે સેવાલયમાં બેસીને જે કામ કરીએ છીએ તેને સેવા કહીશું.'
તેમના સમર્થકો તો આ બધાં પરિવર્તનો જોઈને નાચવા લાગ્યા. સમર્થકો વિચારતા હતાઃ 'જંગલમાં અમૃતયુગ નથી ચાલતો, સુવર્ણયુગ ચાલે છે. આવા રાજાનું શાસન તો વર્ષો સુધી ચાલવું જોઈએ.'
સમર્થકોમાં ઉત્સાહ જોઈને રાજા સિંહ પણ ઉત્સાહિત થતા હતા. નામ બદલવાની યોજનાને આટલી સિદ્ધિ મળતી જોઈને રાજા સિંહની વિચારધારા બદલાઈ હતી. તેઓ અમુક વખત બબડતાઃ 'નામ બદલવાથી સિસ્ટમ બદલાય જાય છે.'
સિંહે વિસ્તારોના નામ બદલવાનું શરૂ કર્યું. તેને ખૂબ પ્રસિદ્ધિ મળી. રાજા સિંહનું જોઈને તેમના સમર્થકો પણ વિરોધી નેતાઓના નામ બદલતા હતા. વિપક્ષના નેતા સસલાભાઈ, કાચબાભાઈ કકળાટિયા, બારહસિંગાભાઈ, વાઘણબહેનને 'જંગલદ્વૈષી', 'જંગલદ્રોહી' 'જંગલવિરોધી' જેવાં નામો આપતા હતા.
એક દિવસ રાજા સિંહને વિચાર આવ્યોઃ 'મારા મિત્ર ગોલ્ડન ઈગલનું જંગલ 'સમૃદ્ધ વન' ગણાય છે. મારા હરીફ રાજા ડ્રેગન એના જંગલમાં ત્રાસ વર્તાવીને પણ જંગલને સમૃદ્ધિ તરફ દોરી જઈ રહ્યા છે. મારે એવું કશુંક કરવું જોઈએ.'
અંગત સલાહકાર રીંછભાઈને બોલાવીને તેમણે આ વિચાર જણાવ્યો. રીંછભાઈ ખડખડાટ હસી પડયા. થોડીવારે હસવું રોકીને તેમણે કહ્યું, 'માફ કરજો રાજાજી! તમે વિચારધારાથી ભટકી ગયા છો.'
કંઈ ન સમજાતા રાજા સિંહ તો રીંછભાઈ સામે જોઈ રહ્યા. સિંહની મૂંઝવણ પારખીને રીંછે કહ્યું, 'આપણે તો માત્ર નામ જ બદલવાનું છે! ભૂલી ગયા?'
વાત બરાબર સમજાઈ જતાં રાજા સિંહે જંગલવાસીઓ સમક્ષ નવું ભાષણ આપીને કહ્યું, 'આપણું જંગલ હવે 'સમૃદ્ધ વન' એવા નામથી ઓળખાશે!'


