Get The App

બ્લેક ચશ્માં પહેરીને ગરબા રમવા નીકળેલા મગર મેદસ્વીની ધરપકડ

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
બ્લેક ચશ્માં પહેરીને ગરબા રમવા નીકળેલા મગર મેદસ્વીની ધરપકડ 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલના સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાને વિચાર આવ્યો કે ભલે જંગલમાં કાળાં કામો અટકાવી ન શકાય, પણ એટલીસ્ટ કાળા ચશ્માં પહેરનારાને તો અટકાવી જ શકાય...

જંગલમાં નવરાત્રી શરૂ થઈ તે સાથે જ સરકારી અધિકારીઓને જંગલવાસીઓની સુરક્ષાની ચિંતા થવા માંડી. આમ તો અધિકારીઓએ દરરોજ જંગલવાસીઓની ચિંતા કરવી જોઈએ, પરંતુ નવરાત્રીમાં રાતે ગરબા-રાસની રમઝટ બોલતી હોવાથી જંગલની સરકારને લાગતું કે જો એમાં બરાબર ધ્યાન નહીં આપીએ તો યુવા પેઢી બગડીને ધૂળ થઈ જશેે.

સરકારી અધિકારીઓએ નવી પેઢી બગડે નહીં તે માટે ઘણું વિચાર્યું. મધરાતે ગરબે રમીને આવતા થાકેલા-પાકેલા ખૈલેયાઓને રોકીને એમના વાહનો તપાસવાથી માંડીને ડોક્યુુમેન્ટ્સ ચેક કરવા સુધીની સાવચેતી અધિકારીઓ રાખતા. એટલું ઓછું હોય એમ હજુય બીજું શું થઈ શકે તેનો ઊંડો વિચાર કર્યો. વિચાર કરતાં કરતાં જંગલના સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાના નાનકડાં દિમાગમાં વિચાર ઝબક્યોઃ 'કાળાં કામો અટકાવવા માટે કાળાં ચશ્માં બંધ કરવા પડશે.'

થોડીવાર તો અધિકારીઓ એકબીજાના સામે જોઈ રહ્યા. બબ્બન બિલાડાને સુરક્ષા અધિકારીઓની બુદ્ધિ ક્ષમતા વિશે બરાબર જાણકારી હતી. વળી, સરકારમાં એવી સિસ્ટમ તો ખરી જ કે બધી બાબતોની પૂરેપૂરી સ્પષ્ટતા કરવી જરૂરી છે. જેમકે, કોઈ જંગલવાસી કશીક અરજી લઈને આવે ત્યારે એણે લખ્યું હોય કે 'હું આ રજૂઆત કરવા આવ્યો છું' - તો એ વાક્ય ન ચાલે. એણે લખવું પડે - 'હું એક્સ-વાય-ઝેડ સ્વયં મારા પગે ચાલીને, મારા પંજાથી આ અરજી લખીને એની નીચે સહી કરી રહ્યો છું અને એ મેં મારા દિમાગથી કર્યુેં છે, કોઈ બીજાનું દિમાગ એમાં વપરાયું નથી.' જંગલના સરકારી તંત્રમાં કેટલી સ્પષ્ટતા જોઈએ એ બરાબર જાણતા બબ્બન બિલાડાએ અન્ય અધિકારીઓને સમજાવ્યુંઃ 'જંગલમાં યુવા પેઢીના નરો કાળા ચશ્માં પહેરીને નીકળે છે. એમાં એની આંખો બરાબર દેખાતી નથી એટલે ગુનાખોરી વધે છે. આપણે તાત્કાલિક કાળા ચશ્માં પહેરનારાઓ સામે કાર્યવાહી કરવી પડશે. એનાથી જંગલની નવરાત્રી સુખરૂપ થશે.'

બબ્બન બિલાડાએ તાત્કાલિક અસરથી સરકારી હુકમ કર્યોઃ 'કાળા ચશ્માં ચશ્માં પહેરીને કોઈ નવરાત્રી દરમિયાન નીકળે તો એની ધરપકડ કરી લેવી. કાળા ચશ્માં જ જંગલમાં થતી બધી અંધાધૂંધીનું કારણ છે. બ્લેક કાચ પહેરવાનું બંધ થશે એટલે જંગલના નરોની યોગ્ય ઓળખ થશે. એટલું જ નહીં, જંગલના નરો ચશ્મામાંથી કોને, ક્યાં અને કેવી રીતે જુએ છે એ પણ બ્લેક ચશ્માં નહીં હોય તો આપણને તુરંત જાણ થશે. એની પાછળના ઈરાદાની ખબર પડશે. જંગલના સૌ સુરક્ષા અધિકારીઓએ નવા હુકમનું તાત્કાલિક અસરથી પાલન કરાવવું.' સૂચનાની નીચે મોટા અક્ષરે લખ્યું હતું - 'હુકમથી.' એની નીચે બબ્બન બિલાડાનું નામ હતું અને નામની ઉપર બબ્બનના જમણા પંજાનો નહોર ભરાવેલો હતો.

'જંગલ ન્યૂઝ'માં બબ્બન બિલાડાના નવા આદેશનો વિગતવાર અહેવાલ આવ્યો. જંગલવાસીઓ બ્લેક ચશ્માં પહેરીને બહાર નીકળશે તો ધરપકડ થશે એવો સોશિયલ મિડીયામાં પ્રચાર થયો એટલે મોટાભાગના જંગલવાસીઓએ તો બ્લેક ચશ્માંને કવરમાં સાચવીને મૂકી દીધાં - એમ વિચારીને કે જંગલમાં આવા બધા હુકમો તો આવતાં-જતાં રહેશે. થોડું ઠંડું પડશે પછી પહેરીશું. પછી તો જંગલમાં નવરાત્રીની રમઝટ બોલવા લાગી. એ સાથે જ જંગલમાં કાળા ચશ્માં પર પ્રતિબંધ મૂકાઈ ગયો. જંગલમાં ધોળા દિવસે કાળા કામો થઈ શકતા હતા, પરંતુ ધોળા દિવસે કે કાળી રાતે કાળા ચશ્માં પહેરી શકાતા નહીં. જંગલના સુરક્ષા અધિકારીઓ માટે કાળા ચશ્માં કાળા ધનનો નવો સ્ત્રોત બન્યા. ઘણા યુવા નરો પ્રતિબંધ છતાં કાળા ચશ્માં પહેરીને ગરબા રમવા જતા હતા ને પછી પકડાતા તો સુરક્ષા અધિકારીઓ ધરપકડની ધમકી આપતા. એના બદલામાં આ નરો કાળા ચશ્માં એમને આપી દેતા અને ઉપરથી બીજી યથાયોગ્ય બક્ષિસ તો ખરી જ. 

આમ, નવરાત્રીના દિવસો પસાર થતા હતા. સુરક્ષા અધિકારીઓ બે વાતે ખુશ હતા - કાયદાનું સખ્તાઈથી પાલન થતું હતું અને વળી ધનલાભ પણ થતો હતો.

એક દિવસ મગર મેદસ્વી એના બે-ત્રણ દોસ્તો સાથે ગરબે રમવા નીકળ્યો. પોપ્યુલર સિંગર ડોન્કીકુમાર ડિસ્કો જે પાર્ટી પ્લોટમાં હતો એમાં એની કોલેજ ફ્રેન્ડ્સ જવાની હતી. મગર મેદસ્વીએ પણ એના મોંઘાદાટ પાસ લઈ લીધા હતા.

 ત્રણ સવારીમાં નીકળેલા મગર મેદસ્વીએ લગાવેલા તીવ્ર ડીઓની ખુશ્બૂથી સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાનું દૂરથી જ ધ્યાન પડયું. એમાં વળી મગર મેદસ્વીએ બહેનપણીઓને ઈમ્પ્રેસ કરવા કાળા ચશ્માં પહેર્યા હતા. મગર મેદસ્વીનો સ્કીન કલરટોન લાઈટ ઓલિવ ગ્રીન હતો એટલે એના પર બ્લેક ચશ્માં સારા લાગતાં હતાં.

પણ એ ફેક્ટર મગરના ધ્યાન બહાર રહી ગયું કે જંગલમાં તો કાળા ચશ્માં પ્રતિબંધિત છે. મગરે વળી બક્ષિસ આપી દેવાને બદલે થોડી દલીલો કરી એમાં બબ્બને એની ધરપકડ કરી લીધી.

આ બધું ચાલતું હતું ત્યારે જ બબ્બન બિલાડાનો દીકરો બંટીકુમાર બિલાડો એની ગર્લફ્રેન્ડ મીંઢી મીંદડીને બાઈકમાં બેસાડીને કાળા ચશ્માં પહેરીને નીકળ્યો. મગર અને તેના મિત્રોએ બૂમાબૂમ કરી મૂકીઃ 'આને રોકો! આને રોકો!'

'તું અમને શીખવાડીશ કે અમારે શું કરવું? હેં?' એમ કહીને બબ્બને ત્રણેયને બરાબરનો મેથીપાક આપવા માંડયો.