For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેંકમાં ધસી આવેલા બકુલેશ બળદ સાથે હસીના હરણીની ખાસ વાતચીત

Updated: Jan 25th, 2024

બેંકમાં ધસી આવેલા બકુલેશ બળદ સાથે હસીના હરણીની ખાસ વાતચીત

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- એક દિવસ ભરબપોરે બકુલેશ બળદે બેંકમાં ઘૂસીને બેંકના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી. એ ઘટનાના મૂળ સુધી પહોંચવા હસીના હરણીએ બકુલેશ બળદને સ્ટૂડિયોમાં વાતચીત માટે બોલાવ્યો...

'નમસ્કાર! હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યા છો જંગલની સૌથી ઝડપી ન્યૂઝ ચેનલ જંગલ ન્યૂઝ...' એન્કર હસીના હરણીએ દર્શકોનું સ્વાગત કર્યા પછી સ્ક્રીન પર એક વીડિયો પ્લે કર્યો. એક બળદ બેંકમાં ઘૂસી ગયો અને બેંકના સિક્યુરિટી ગાર્ડ્સ સાથે માથાકૂટ કરી. બેંકના મેનેજર સાથેય બોલાચાલી કરી . હસીનાનો વોઈસ ઓવર સંભળાતો હતો: 'આ છે બકુલેશ બળદ. મહારાજા સિંહના સમર્થક એવા બકુલેશ બળદે બેંક ઓફ જંગલ (બીઓજે)માં ઘૂસીને કર્મચારીઓને ધાકધમકી આપી. તમે જોઈ રહ્યા છો એ વાયરલ વીડિયોનું સત્ય હું તમને આજે જણાવીશ.'

કેમેરા સામું જોઈને હસીનાએ શરૂ કર્યું: 'દર્શકમિત્રો, આજે સ્ટુડિયોમાં હાજર છે શ્રી બકુલેશ બળદ. તેઓ વાત કરશે બેંકમાં બનેલી ઘટના વિશે... તો વાત કરીએ બકુલેશભાઈ સાથે...'

'સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે!' કૃત્રિમ સ્મિત વેરીને હસીનાએ બકુલેશને આવકાર્યો.

'આપે મને બોલાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર!' બકુલેશે કેમેરા સામે સેલિબ્રિટીની અદાથી પંજા ભેગા કર્યા.

'...તો બેંકમાં ઘૂસીને આવ્યા પછી તમને કેવું લાગી રહ્યું છે?' એન્કર તરીકે હસીના હરણી આ સવાલ ન કરે તો તેની વાતચીત અધૂરી રહે તેમ હતી. એણે તેનાથી જ વાતની શરૂઆત કરી.

'મને બહુ આનંદની લાગણી થઈ રહી છે. મને લાગે છે કે બેંકના કર્મચારીઓ મારું કામ કરી દેશે.' બકુલેશે ખભા ઉલાળીને ઉમેર્યું, 'દરેક વખતે લંચટાઈમનું બહાનું આગળ ધરીને કામ અટકાવી દેતા હતા. મને લાગ્યું દાદાગીરી વગર કામ નહીં થાય.'

'તમે મહારાજા સિંહના સમર્થક છો છતાં પણ સિસ્ટમનો વિરોધ કરો છો?' હસીનાએ વ્યંગથી આંખ નચાવી.

'હું મહારાજા સિંહનો સમર્થક છું જ. તેમનાથી કોઈ ફરિયાદ નથી, પરંતુ બીઓજેના કર્મચારીઓ જંગલની સરકારને પણ ગાંઠતા નથી.' બકુલેશના મોં પર અકળામણ ઉપસી આવી.

'બેંકમાં તમારું કંઈ કામ બાકી છે?' હસીનાએ ડિટેઈલ મેળવવા પૂછ્યું.

'જી. હું પહેલી વખત બેંકમાં સ્ટેટમેન્ટ કઢાવવા ગયો હતો. બેંકના કર્મચારીઓએ મને એપમાંથી ડાઉનલોડ કરવાની સલાહ આપી. પછી હું પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયો ત્યારેય સિસ્ટમ બંધ છે એવું કહ્યું. બપોર થવાને થોડી મિનિટો પહેલાં ગયો તો કહ્યું લંચટાઈમ છે. સાંજ પહેલાં ગયો તો કહે ક્લોઝિંગ ટાઈમ છે. વહેલી સવારે જાઉં તો કહે ઓપનિંગ ટાઈમ છે. એક સાથે બધા ડોક્યુમેન્ટનું કહે નહીં ને પછી એકાદ કાગળ ઘટે તો આપણું કામ અટકી જાય.' બકુલેશ બળદ બેંકની ફરિયાદ કરવામાં શ્વાસ ખાવાનુંય ભૂલી ગયો.

'પણ તમારે બેંક એકાઉન્ટની જરૂર શું પડી? આવી મોંઘવારીમાં બચત થાય છે?' એન્કર તરીકે હસીના ક્યારેક ક્યારેક જે ચમકારા બતાવતી એમાંનો એક ચમકારો આ હતો.

'વનધન યોજનાનો લાભ લેવા મહારાજા સિંહના કહેવાથી મેં એકાઉન્ટ ખોલાવ્યું હતું.' બકુલેશે થોડું વિચારીને ઉમેર્યું, 'એ એકાઉન્ટમાં સરકારની તમામ યોજનાની સહાય આવે છે. સબસિડી એમાં જ મળે છે. હું એ બધાની તપાસ કરવા બેંકમાં ગયો હતો.'

'તમે કઈ યોજનાની સહાયનું જાણવા બેંકમાં ગયેલા? અમારા દર્શકો જાણવા માગે છે.' એન્કર પાસે આ બહુ મોટું બહાનું હતું. પોતાને જાણવું હોય એ દર્શકોના નામે જાણી શકાતું.

'બેરોજગાર ભથ્થું આવ્યું છે કે નહીં એ જાણવા ગયો હતો. બેંકવાળા સરખો જવાબ આપતા નહોતા.'

'મહારાજા સિંહની સરકારમાં બેરોજગારી છે એ તમે સ્વીકારો છો?'

'અઅઅઅ... આમ તો બેરોજગારી નથી. મહારાજાએ તો બહુ રોજગારી આપી છે. પણ આ તો એક પ્રકારની સહાય છે.' બકુલેશ માટે આ સવાલનો જવાબ આપવો અઘરો હતો.

'તમારે બેંક કર્મચારી સાથે માથાકૂટ કઈ બાબતે થઈ?' હસીનાએ કાગળમાં જોઈને છેલ્લો સવાલ કર્યો.

'બસ આ જ મુદ્દે!' બકુલેશને રોજગારીના સવાલની કળ વળી ન હતી એટલે યંત્રવત્ બોલ્યો.

'અમારા દર્શકોને જરા વિગતે જણાવો. ઘણા જંગલવાસીઓને આવો અનુભવ થાય છે તો તમારા કિસ્સામાંથી તેમને કંઈક જાણવા મળશે.' હસીનાએ ફરી દર્શકોના નામે બિલ ફાડયું.

'પેટછૂટી વાત કરું તો મહારાજા સિંહે લાખો રૂપિયા એકાઉન્ટમાં આપવની વાત કરી હતી એની તપાસ કરવા ગયો હતો. બેંકના કર્મચારીએ કહ્યું કે એવી કોઈ રકમ આવી નથી. મેં દલીલો કરી કે મહારાજા સિંહ પર ભરોસો રાખ. એ જ્યારે મારા એકાઉન્ટમાં નાખે ત્યારે તું રાખી લેજે. અત્યારે મને એમાંથી પહેલો હપ્તો આપી દે. એ માન્યો નહીં એટલે મેં બેંકને ધમરોળી નાખી.' બકુલેશ આખરે સાચું બોલ્યો ખરો. 

આ સાંભળીને ઉત્સાહમાં આવેલી હસીનાએ એને વધુ બોલવા પ્રેર્યો: 'પછી શું થયું? એણે શું કહ્યું?'

'એણે મને મૂરખ કહ્યો. એ એમ બોલ્યો કે મહારાજા સિંહે કોઈને આપ્યા છે કે તને આપે? હવે તમે જ કહો, સિંહ વિશે આવું બોલે તો હું શું કરું?'

'સાચી વાત!' હસીનાએ પ્રતિક્રિયા આપી.

'કોની?' બકુલેશે પૂછ્યું

હસીનાએ ઠંડકથી જવાબ વાળ્યો : 'બંનેની!'

Gujarat