- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલવાસીઓએ નારો આપ્યો : 'લિકર પૉલિસીમાં ભેદભાવ બંધ કરો. સૌને સમાન અધિકાર આપો!' રાજા સિંહની સરકાર સામે જંગલવાસીઓનો રોષ વધતો જોઈને તેમની પાર્ટીના પ્રમુખ ઘુડખર ઘોંઘાટિયાએ 'જંગલ ન્યુઝ'ને બાઈટ આપી.
'કંઈ મેળ પડે એમ છે?'
'પાર્ટીનું ગોઠવાશે?'
'બે જોઈએ છે. મળશે?'
'કંઈક તો કરો, યાર!'
'નવું વર્ષ સૂકું જશે!'
'ન્યુ યર સેલિબ્રેશનનો શું પ્લાન છે?'
જંગલમાં નવા વર્ષના એકાદ સપ્તાહ પહેલાં ફોનમાં જો આ વાક્યો બોલાતાં હોય તો બોલનાર અને સાંભળનાર બંનેને એનો અર્થ બરાબર ખબર હોય. 'શેનો મેળ પાડવાનો છે?', 'બે જોઈએ છે' એ શબ્દો પાછળ ખરો અર્થ શું તારવવાનો છે એ સમજનાર સેકન્ડોમાં સમજી જાય છે. આખું વર્ષ ભલે ગમે તેમ ગયું હોય, પરંતુ વર્ષના છેલ્લા દિવસે અને વર્ષના પહેલા દિવસની રાત તો છલોછલ હોવી જોઈએ - એવી ઈચ્છા સરેરાશ 'ન્યુ યર પ્રેમી'ને હોય છે.
જંગલમાં બે પ્રકારના ન્યુ યર પ્રેમીઓ છે. એક માત્ર નવા વર્ષને ધ્યાનમાં રાખીને પાર્ટીની ગોઠવણો કરે છે. બીજા પ્રકારના જંગલવાસીઓ એટલા અઠંગ ખેલાડીઓ છે કે તેમને ખાસ મુશ્કેલી પડતી નથી. જેમ કે, ડોન્કી ડ્રિંકર, શકરો શરાબી, એલિફન્ટ આલ્કોહોલિક જેવા 'શોખીનો' છેલ્લી ઘડીએ ફોન કરે અને વ્યવસ્થા ગોઠવાય એની રાહમાં ન હોય. આ બધા પાસે એમની વ્યવસ્થા કાયમી ધોરણે હોય જ. આ ફિલ્ડના બે માસ્ટર - ઉંદર આલ્કોહોલિક અને પપીહા પિયક્કડે તો ન્યુ યરની ડિમાન્ડ જોઈને પાર્ટનરશિપમાં ન્યુ યર પાર્ટી પણ શરૂ કરી હતી. છેલ્લાં કેટલાય વર્ષોથી આ બંનેની ન્યુ યર પાર્ટી શોખીનોમાં ખૂબ પોપ્યુલર હતી. હોંશીલી હરણીના નૃત્ય અને ડોન્કીકુમાર ડિસ્કોના ગાયન સાથે યોજાતી આ પાર્ટીમાં પીણાંની રેલમછેલ થતી.
સ્થાનિક જંગલોમાં જે પીણાં ન મળતાં એ બધાં જ ઉંદર-પપીહાની પાર્ટીમાં મળી રહેતાં. એ માટે આ બંનેની જોડી દિવસોથી મહેનત પણ કરતી. પપીહો દિવસોથી મહેનત કરીને દૂર દૂરનાં જંગલોમાંથી સામાન લઈ આવતો. ઉંદર આલ્કોહોલિકની આવડત એના મેનેજમેન્ટમાં હતી. કોની પાસે મેક્સિમમ ભાવ મળશે? કોણ કેવા સામાનની કદર કરશે? ન્યુ યરમાં કેવો ભાવ રાખવો જોઈએ? ક્યા રસ્તેથી ધંધો કરીએ તો સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાના ધ્યાનમાં ન આવીએ? એ બધી ગણતરી ઉંદરને આવડતી હતી. એ ખુફિયા રસ્તાઓ શોધી કાઢતો.
તેણે જંગલમાં કાયમી વફાદાર ગ્રાહકો શોધી લીધા હતા. એ સૌ ગ્રાહકોને ઘર બેઠા એ ડિલિવરીની સર્વિસ આપતો હતો. ગુપ્ત માર્ગે તેમના ઘર સુધી સામાન પહોંચી જતો એટલે ગ્રાહકોના ભાગે ઝીરો રિસ્ક રહેતું. ન્યુ યર આવે ત્યારે ઉંદર-પપીહાની પૉલિસી બદલાઈ જતી. અજાણ્યા ગ્રાહકોને સમાન વેચવો નહીં - એ તેમનો વણલખ્યો ન્યુ યર રૂલ હતો. ઉંદર તો ગ્રાહકને બરાબર સૂંઘીને જ એ સામાન આપતો. કારણ કે ન્યુ યર નજીક હોય ત્યારે બબ્બન બિલાડો નકલી ગ્રાહકો મોકલીને ધંધાર્થીઓને પરેશાન કરતો અને પછી મોટો તોડ પણ કરતો.
આ બધાથી બચવા ઉંદર આલ્કોહોલિકે તો છેક 'ઉપર' સુધી એટલે કે રાજા સિંહના ખાસ વિશ્વાસુ રીંછભાઈ સુધી પહોંચ બનાવી હતી. ઉંદર રીંછભાઈને જ એટલું પાર્ટી ફંડ આપી દેતો કે પછી નીચલા લેવલે ખાસ માથાકૂટ રહેતી નહીં. ઉંદરની આ આવડતના કારણે ધંધો જામી ગયો હતો. આમેય જંગલમાં બહુ ગણ્યાગાંઠયા બિઝનેસ એવા હતા જેમાં સફળતાથી શક્યતા ૧૦૦ ટકા હતી, આ ધંધો ૧૦૦ ટકા સફળતાની ગેરંટી આપતો હતો.
આવા માહોલ વચ્ચે એક દિવસની જંગલની સરકારે નવી લિકર પૉલિસી જાહેર કરી દીધી. એમાં ઘણા નિયમો બદલાઈ ગયા હતા. સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત હતી - એનઆરજી પક્ષીઓને મળેલી છૂટછાટ. પોતાના જંગલમાંથી બીજા જંગલોમાં ગયેલાં પક્ષીઓને 'નવાં રહેઠાણમાં ગયેલા' એ નામથી ઓળખવામાં આવતાં હતાં. એના પરથી તેમનું ટૂંકું ફેન્સી નામ થઈ ગયું હતું - એનઆરજી. જંગલની સરકારની નવી લિકર પૉલિસી કંઈક આ પ્રમાણે હતી:
- પીણાં માટે ફોર્મ ભરવું પડશે.
- પીણાં માટેની વય ૨૧ વર્ષ રહેશે.
- પીણાં પીવાની પરવાનગી લેવી પડશે.
- એનઆરજી પક્ષીઓને ખાસ સવલત.
- એનઆરજી પક્ષીઓ તેમના મિત્રો માટે પણ પીણું ખરીદી શકશે.
- એનઆરજી પક્ષીઓ જ્યાં બેસીને પીણાનો આનંદ લેશે ત્યાં સ્થાનિક જંગલવાસીઓને પીણાંની પરવાનગી નથી.
આ છેલ્લી શરતે આખાય જંગલવાસીઓને નિરાશ કરી દીધા. જંગલમાં આટલા ભેદભાવ વચ્ચે તેમને આ ભેદભાવ સૌથી વસમો લાગ્યો. જંગલના સોશિયલ મીડિયામાં સરકાર સામે આક્રોશ ઉઠયો. જંગલવાસીઓએ નારો આપ્યો : 'લિકર પૉલિસીમાં ભેદભાવ બંધ કરો. સૌને સમાન અધિકાર આપો!' રાજા સિંહની સરકાર સામે જંગલવાસીઓનો રોષ વધતો જોઈને તેમની પાર્ટીના પ્રમુખ ઘુડખર ઘોંઘાટિયાએ 'જંગલ ન્યુઝ'ને બાઈટ આપી. તેમણે કહ્યું અમારી સરકાર પર ખોટો આરોપ મૂકવામાં આવે છે. નવી લિકર પૉલિસી તો એનઆરજી પક્ષીઓ માટે છે. સ્થાનિક જંગલવાસીઓ સાથે અન્યાય થયાની વાત સદંતર પાયાવિહોણી છે, કારણ કે અમારી સરકારે જંગલવાસીઓને ઘરેઘરે પીણું મળે એવો માહોલ બનાવ્યો છે. દરેક વિસ્તારમાં, ઘરે બેઠાં પીણાં મળી રહે છે. પીણાં પર તો જંગલના સેંકડો જંગલવાસીઓને રોજગારી મળે છે, તેમની રોજગારી આંચકી લેવાનો અમારી સરકારનો કોઈ જ વિચાર નથી. એનઆરજી પક્ષીઓ આપણા જંગલમાં નિયમિત રહેતાં નથી એટલે તેમને ખબર નથી હોતી કે પીણાં ક્યાંથી મળશે, તેમની સગવડ માટે લિકર પૉલિસી બની છે.
આ સ્પષ્ટતા પછી જંગલવાસીઓ ફરીથી ગેલમાં આવી ગયા...


