ભક્ત શિરોમણી રાજકીય કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા સાથે ખાસ વાતચીત
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- 'જંગલ ન્યૂઝ'ની ચુલબુલી એન્કર હસીના હરણીને ઈન્ટરવ્યુ આપનારા રાજકીય કાર્યકર્તા ઘેટાભાઈ ઘાસફૂસિયાએ ચૂંટણીમાં પોતાના મહત્ત્વ વિશે વિગતે સમજાવ્યું
'નમસ્કાર! હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યા છો 'જંગલ ન્યૂઝ'ની અમારી વિશેષ રજૂઆત. આજે આપણી સાથે વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે ખાસ મહેમાન, શ્રી ઘેટાભાઈ ઘાસફૂસિયા. ચૂંટણી ચાલી રહી હોય ત્યારે કાર્યકર માટે એક-એક પળ મૂલ્યવાન હોય છે. કેટલાય સ્થળોએ નારા લગાવવા જવું પડે છે, ઘણી ટીવી ડિબેટમાં પાર્ટીનો મેસેજ આપવા પહોંચવું પડે છે, નેતાઓની વ્યવસ્થા સાચવવા માટે ખુરશીઓ ગોઠવવાથી લઈને ખાણી-પીણીની વ્યવસ્થા સુધીની જવાબદારી કાર્યકરના માથે હોય છે ને વળી એ બધામાંથી થોડોક સમયે ત્યારે સોશિયલ મીડિયામાં ઉમેદવારનો પ્રચાર કરવાનો થાય છે. વિરોધપક્ષમાંથી માથાભારે ઉમેદવાર હોય ને તેના કાર્યકરો ઝઘડાખોર હોય તો મારામારી સુધ્ધાં કરવા ગમે ત્યારે પહોંચી જવું પડે છે. આવા માહોલમાં 'જંગલ ન્યૂઝ'ની વિનંતીને માન આપીને આવી પહોંચેલા ભક્ત શિરોમણી કાર્યકર શ્રી ઘેટાભાઈ ઘાસફૂસિયા સાથે વાત કરીએ...'
ટીવી-એન્કરે ફરજિયાત આપવું પડે એવું કૃત્રિમ સ્મિત આપીને હસીનાએ શરુઆત કરી...
હસીના હરણી : 'જંગલ ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે! ઘેટાભાઈ ઘાસફૂસિયાનું સન્માન મહારાજા સિંહે કર્યું હતું અને તેમના સમર્પણને જોઈને 'ભક્ત શિરોમણી'નું બિરૂદ આપ્યું હતું.'
રાજકારણીની અદાથી ઘેટાભાઈએ બંને પંજા નાક સુધી ઉપર લાવીને ભેગા કર્યાં.
ઘેટાભાઈ ઘાસફૂસિયા : 'ધન્યવાદ!'
હસીના હરણી : 'ઘેટાભાઈ! અમારા દર્શકો આપની પાસેથી કાર્યકરની મુશ્કેલ કામગીરી વિશે ટૂંકમાં જાણવા માગે છે.'
ઘેટાભાઈ ઘાસફૂસિયા : 'કાર્યકરે ખૂબ જ ધીરજ રાખવી પડે છે. મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં કામ પાર પાડવું પડે છે. ક્યારેક તો માર પણ સહન કરવો પડે છે. અપેક્ષા રાખ્યા વગર દિવસ-રાત મહેનત કરવી પડે છે. કામ-ધંધો મૂકીને પાર્ટીને સમર્પિત થવું પડે છે.'
હસીના હરણી : 'અગાઉની ચૂંટણીઓમાં જેમના વિરોધમાં એક્ટિવિટી કરી હોય એ નેતા જ પક્ષપલટો કરીને તમારી પાર્ટીમાં આવી જાય ત્યારે કેવો અનુભવ થાય છે?'
ઘેટાભાઈ ઘાસફૂસિયા : 'ડિફરન્ટ! (થોડી પળો મૌન થઈને, ઊંડું ચિંતન કર્યા બાદ નારાજગી છૂપાવીને) કાર્યકર તો પાર્ટીનો સૈનિક છે. પક્ષનો આદેશ માથે ચડાવવાનો હોય છે.'
હસીના હરણી : (કટાક્ષયુક્ત સ્વરે) 'પણ પક્ષ તો પક્ષપલટુને ય તમારા માથે ચડાવે છે, ત્યારે કેવો અનુભવ થાય છે?'
ઘેટાભાઈ ઘાસફૂસિયા : 'એ જ તો કાર્યકરનું સૌથી મુશ્કેલ કામ છે. તમે જેની સામે અગાઉ જીવ ઉપર આવીને અપપ્રચાર કર્યો હોય એ જ નેતા પાર્ટીમાં આવી જાય તો એનો પડયો બોલ ઝીલવો પડે છે. હસીનાજી ભક્તિ કરવી હોય તો રાંક થઈને રહેવું પડે છે!'
હસીના હરણી : 'તમે પાર્ટી માટે માર ખાધા હોય, કામ-ધંધો કર્યા વગર સોશિયલ મીડિયામાં ફેક પોસ્ટ ફોરવર્ડ કરવાનું કામ પૂરી નિષ્ઠાથી કર્યું હોય ને પછી નેતાના દીકરા-દીકરીને ટિકિટ મળી જાય ત્યારે આમ રડવું આવે ખરું?'
ઘેટાભાઈ ઘાસફૂસિયા : 'થોડીક નારાજગી થાય, પણ પાર્ટીના સૈનિક છીએ એવો ખ્યાલ મનમાં દૃઢ બની જાય એટલે અસંતોષ ઓગળી જાય. મહારાજા સિંહનું વિચારીએ અને જંગલની જે રેપ્યુટેશન વધી રહી છે એના પર મંથન કરીએ ત્યારે એ બધું સ્વીકારવા મન માની જાય છે.'
હસીના હરણી : 'તમે સરસ કહ્યું, મન માની જાય છે... તો હવે એ પણ અમારા દર્શકોને જણાવી દો કે નેતાઓના સંતાનોની સંપત્તિ રાતો-રાત કરોડોમાં પહોંચી જાય ત્યારે કાર્યકર તરીકે તમને એમ થાય કે આ લાભ મને કેમ ન મળ્યો?'
ઘેટાભાઈ ઘાસફૂસિયા : 'હસીનાજી! આ તો અપેક્ષાઓની રમત છે. કાર્યકર તરીકે અપેક્ષા રાખ્યા વગર કામ કરવું એવા સિંહના સૂત્રને જીવનમંત્ર બનાવ્યો છે.'
હસીના હરણી : 'ઘેટાભાઈ, ચૂંટણી દરમિયાન તમને કેટલું મહત્ત્વ મળે છે?'
ઘેટાભાઈ ઘાસફૂસિયા : 'હું એક દિવસ ક્યાંક આડાઅવળો થઈ જાઉં તો ઉપર સુધી નોંધ લેવાય છે. બધા નેતાઓ મને શોધતા ફરે છે.'
હસીના હરણી : 'તમારું આટલું બધું મહત્ત્વ છે?'
ઘેટાભાઈ ઘાસફૂસિયા : 'જી. નારેબાજીનાં સૂત્રોનું લિસ્ટ મારી હોય છે. અમારા નેતાઓ સભામાં નારો બોલે તે ઊંચા અવાજે ઝીલવાની જવાબદારી મારી હોય છે. બેનરો લગાવવાનું કામ મારું, મતદારોને ઘરે-ઘરે જઈને પેમ્ફલેટ પહોંચાડવાનું કામ મારું, સોશિયલ મીડિયામાં પ્રચાર-અપપ્રચાર કરવાનું કામ પણ મારું... એક ઓલરાઉન્ડર જેટલું મારું મહત્ત્વ છે.'
હસીના હરણી : 'ને ચૂંટણી પછી?'
ઘેટાભાઈ ઘાસફૂસિયા : 'અમારી પાર્ટીમાં એમ કંઈ પ્રચારસામગ્રીની અછત ક્યારેય રહેતી નથી. મહારાજા સિંહ, રીંછભાઈની દેખરેખમાં કંઈકનું કંઈક આવતું રહે છે એટલે અમારે કામ ક્યારેય ખૂટતું નથી!'
ઘેટાભાઈ કંઈક બોલવા જતા હતા ત્યાં જ ઉમેદવાર વાંદરાભાઈ વટપાડુનો ફોન આવી ગયો. ઘેટાભાઈ ઘાસફૂસિયાએ બહુ જ ઉત્સાહથી હસીના હરણીને કોનો ફોન આવ્યો એ બતાવીને કહ્યું: 'મારે જવું પડશે. વાંદરાભાઈની સભાનો સમય થઈ ગયો છે. નારેબાજી મારે કરવાની છે!'
હસીના હરણીએ મુલાકાત આટોપી લેતા કહ્યું: '...તો આ હતા ભક્ત શિરોમણી શ્રી ઘેટાભાઈ ઘાસફૂસિયા. ચૂંટણી પછી તેમને ઘાસ સુધ્ધાં આપવામાં આવતું નથી. તેમની ગણતરી ઘાસફૂસમાં થતી હોવા છતાં તેમની નિષ્ઠા અનેક કાર્યકરોને પ્રેરણા આપે છે. હું ફરી આપની સમક્ષ નવા ગેસ્ટ સાથે હાજર થઈશ... ત્યાં સુધી જોતાં રહો 'જંગલ ન્યૂઝ'...'