- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
જંગલમાં અમુક વિસ્તારોમાં શરાબ વેચવો કે શરાબ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવો કે શરાબ પીવો એ ગુનો ગણાતો, અમુક વિસ્તારમાં સરકાર ખુદ દારૂ વેચવાની પરવાનગી આપતી. ઘણાં વિસ્તારોમાં દારૂ પીવાનો સમય નક્કી થયો હતો. સરકારને એવું લાગતું કે દિવસે દારૂ પીવો અયોગ્ય છે, પરંતુ રાતે ખાસ વાંધો નહીં. જંગલની સરકાર આવી જ રીતે કામ કરતી એટલે જે વિસ્તારોમાં દારૂ પર પ્રતિબંધ હતો એ વિસ્તારના જંગલવાસીઓ પોતાને કમનસીબ માનતા ને જ્યાં દારૂ છૂટથી પીવા, વેચવા મળતો એ જંગલવાસીઓ ખુશ હતા.
જંગલના જે વિસ્તારમાં આ રીતે દારૂ વેચવાની છૂટ હતી ત્યાં સરકારના અધિકારીઓ અમુક સમયે ચેકિંગ કરતા. દારૂનો જથ્થો કેટલો બચ્યોે? દારૂની પરવાનગી મળી એ પ્રમાણે જથ્થો વેચવામાં વેપારી સફળ થયો છે કે નહીં? તેને વધારે જથ્થાની જરૂર પડશે કે નહીં? સ્ટોકનો મેળ બેસાડવો એ દેખીતું કારણ હતું, પરંતુ અંદરખાને એવું કારણેય ખરું કે બીજેથી કમાણી બંધ થઈ જાય ત્યારે સરકારના સુરક્ષા અધિકારીઓ આ રીતે છૂટક ખર્ચ મેળવી શકે. એવા છૂટક ખર્ચની જરૂર સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાને પડી હતી. બબ્બન બિલાડાએ એના બચ્ચાંઓને પ્રાઈવેટ સ્કૂલમાં મૂક્યા હતા અને તેની ફી ભરી દીધી પછી ખિસ્સું ખાલી થઈ ગયું હોવાથી આ રીતે ફંડ એકઠું કરવાની જરૂર પડી હતી.
બબ્બન બિલાડાએ સૌથી મોટા વેપારી પપિહા પિયક્કડના બારમાં જથ્થો ચેક કર્યો હતો. ત્યાં પરવાનગી કરતાં વધુ જથ્થો હતો એટલે તેણે બબ્બન બિલાડા અને તેની આખી ટીમને બેસાડીને દારૂ-સોડા કરાવ્યા ને પછી ખિસ્સાખર્ચીની રકમ આપી દીધી એટલે કાગળ ઉપર 'બધું બરાબર છે' એમ લખીને બબ્બન બિલાડો અને તેની ટીમ અન્ય વેપારીઓને ત્યાં જવા નીકળી ગઈ. બીજા વેપારીઓ પણ એના આગમનનું કારણ જાણતા હતા એટલે થાય એટલું નેગોશિએટ કર્યા પછી બબ્બન બિલાડાને ફંડ આપી દેતા. બબ્બન બિલાડો બધી જ દુકાનોમાં દારૂની ગુણવત્તા બરાબર છે કે નહીં એ પણ ચેક કરતો. જંગલના સેંકડો દારૂ પ્રેમીઓના હિતમાં થઈ રહેલા આ ટેસ્ટિંગની અસર બબ્બનની આંખો અને શરીર પર દેખાવા લાગી હતી, છતાં આ સરકારી અધિકારી ઈમાનદારીથી એની ડયુટી નિભાવ્યે જતો હતો.
હાલકડોલક થતી થતી જંગલની આખી સરકારી ટીમ આવી પહોંચી ડોન્કી દારૂવાલાના ગોડાઉનમાં. આ ટીમ જે વેપારીઓને ત્યાં અગાઉ ગઈ હતી ત્યાંથી જ ડોન્કીને જાણકારી મળી ચૂકી હતી એટલે ડોન્કી દારૂવાલા બબ્બન બિલાડાનું સ્વાગત કરવા તૈયાર બેઠો હતો.
'નમસ્તે સર! આપ પધાર્યા એનો આનંદ થયો. ખાસ આપના માટે આ બોટલ મેં સાચવી રાખી હતી.' બબ્બન ગોડાઉનમાં ઘૂસ્યો કે તરત જ ડોન્કી દારૂવાલાએ જાતે બનાવેલું ડ્રિંક તેના પંજામાં થમાવી દીધું.
'વેરી ગુડ.. વે....રી ગુ...ડ...' બબ્બન બિલાડાએ બે-ચાર ઘૂંટ પીધા. આમથી તેમ નજર દોડાવી ને પછી ઉમેર્યું, 'સ્ટોકના કાગળ બતાવો!'
'સર આપ બેસો. આપણે બેસીને વાત કરીએ.' ડોન્કી દારૂવાલાએ પતાવટના સૂરમાં કહ્યું.
બબ્બને બેસવાને બદલે ડ્રિંક પીતાં પીતાં જ ગોડાઉનમાં આમથી તેમ લટાર મારી લીધી. જંગલના સરકારી અધિકારીઓની અમુક ખાસિયતો હતી. ઊંઘ-નશો કે એવી કોઈ પણ સ્થિતિમાં એ હોય તો પણ ગરબડો પકડી પાડતા. ડોન્કી દારૂવાલાની ગરબડ પણ બબ્બને તુરંત પકડી પાડી. કાગળમાં શરાબનો જે જથ્થો હતો એ ગોડાઉનમાં ન હતો. ગોડાઉનમાં ખાલી બોટલો પડી હતી.
'સ્ટોક મેચ થતો નથી. કાગળ પર બતાવ્યો છે એટલો શરાબ ગોડાઉનમાં કેમ નથી?' બબ્બન બિલાડાએ કડકડાઈથી ડોન્કીને ધમકાવ્યો.
'બે-ચાર દિવસ પહેલાં જ અહીં ઉંદરોની સ્પર્ધા થયેલી. એમાં ૮૦૦ બોટલ દારૂ પીવાનો નવો રેકોર્ડ ઉંદર આલ્કોહોલિકના નામે નોંધાયો, બોલો! જબરું કહેવાય નહીં?' ડોન્કી દારૂવાલાએ ઉત્સાહથી ઉમેર્યું, 'ઉપરથી આદેશ હતો એટલે બિલ લીધું ન હતું. સ્ટોકમાં મેળ બેસાડવાનો બાકી છે.'
'ઠીક છે, ઠીક છે!' બબ્બને નફિકરાઈથી આદેશ આપ્યો, 'આનું સમજવું પડશે? બહુ મોટો ફરક છે. નાની રકમથી નહીં ચાલે.'
'પણ સર ઉપરથી....'
ડોન્કી દારૂવાલાની વાત અધવચ્ચે કાપીને બબ્બન બિલાડો તાડૂક્યો, 'એક વખતમાં તને સમજાયું નહીં?' ઉપરથી આદેશ હતો - એ વાક્ય નશામાં તેણે ખાસ ધ્યાનમાં લીધું નહીં.
આખરે ડોન્કી દારૂવાલાએ ગોડાઉનના ખૂણે જઈને કોઈને ફોન જોડયો. થોડી વાતો કરી. બબ્બનની નજીક આવીને ફોન આપતા કહ્યું, 'રીંછભાઈ લાઈન પર છે.'
મહારાજા સિંહના અંગત સલાહકાર અને સિંહની પાર્ટીમાં બધી જ સંગઠનની જવાબદારી સંભાળતા રીંછભાઈએ સત્તાવાહી ભારે અવાજમાં બબ્બનને તતડાવ્યોઃ 'ઉંદર આલ્કોહોલિક પાર્ટીનો કાર્યકર છે. એને મેં જ ત્યાં મોકલ્યો હતો. તને સ્ટોક ચેક કરવાનું કોણે કહ્યું? તું ફટાફટ મારી પાસે આવ!'
રીંછભાઈનો અકળાયેલો અવાજ સાંભળીને બબ્બનનો બધો નશો ઉતરી ગયો.
'સેટલમેન્ટ' વગર જ બબ્બનની આખી ટીમ પોબારા ભણી ગઈ એ જોઈને ડોન્કી દારૂવાલા ખંધું હસ્યો.


