Get The App

અનામત માદાઓને, પ્રતિનિધિત્વ નરનું: રાજા સિંહના અંગત સલાહકાર રીંછભાઈનો વ્યૂહ

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
અનામત માદાઓને, પ્રતિનિધિત્વ નરનું: રાજા સિંહના અંગત સલાહકાર રીંછભાઈનો વ્યૂહ 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલમાં માદાઓને અનામત આપવાના મુદ્દે રાજા સિંહ અને વિપક્ષના નેતા સસલાભાઈ વચ્ચે ડિબેટ થઈ. બંનેએ એટલી દલીલો કરી કે માદા અનામતની વાત બાજુ પર રહી ગઈ...

'માદાઓના મતો મેળવવા શું કરવું જોઈએ?' રાજા સિંહે અંગત રાજકીય સલાહકાર રીંછભાઈ, યોજનાઓનાં નામો આપતા લેખક અને સ્પીચ રાઈટર કલકલિયા કલમઘસુ, રાજા સિંહના શાસન પર કવિતાઓ લખનારા કવિ ઘુવડ ઘાંટાપાડુ, ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા વગેરેને બોલાવીને પૂછ્યું.

'સર! મેં આપેલા આઈડિયા પરથી આપણે લાડલી માદા યોજના શરૂ કરી છે. આપણે આ યોજનાના ભાગરૂપે માદાઓને બ્યુટી પ્રોડક્ટ ખરીદવા માટે આર્થિક સહાય આપીએ છીએ.' ક

લકલિયા કલમઘસુએ લાડલી માદા યોજનાની ક્રેડિટ લીધી એ રીંછભાઈને ન ગમ્યું.

'ઠીક છે ઠીક છે! એ યોજના જેવી કેટલીય યોજનાઓ અગાઉ અમે પણ વિચારી હતી. બજેટમાં માદા સશક્તીકરણ અને નર અશક્તિકરણની યોજનાઓ માટે વર્ષોથી રાજા સિંહ ફંડ ફાળવે છે. બીજો કોઈ નવો વિચાર છે તમારી પાસે?' રીંછભાઈએ કડકડાઈથી પૂછ્યું એટલે સૌ ચુપ થઈ ગયા. રીંછભાઈ એવું માનતા કે રાજા સિંહના સલાહકાર હોવાના નાતે સલાહ આપવાનો હક એમનો એકનો જ છે.

'રાજાજી! આપ અગાઉ ઘણા ગરબા અને કવિતાઓ લખી ચૂક્યા છો. જો આપ કહો તો હું માદાઓ પર એક તાજી કવિતા લખી દઉં. એ આપ 'વન કી બાત' કાર્યક્રમમાં બોલશો તો માદાઓ ખુશ થઈ જશે.' ઘુવડ ઘાંટાપાડુએ ઉત્સાહથી ઉમેર્યું, 'સર, મને હમણાં જ એક કવિતા સ્ફૂરી એ કંઈક...'

'ઓ ભઈ! માદાઓના મત મેળવવાના છે. માદાઓને કવિતાઓ સંભળાવીને બોર નથી કરવાની સમજ્યો?' રીંછભાઈએ કવિ ઘુવડ ઘાંટાપાડુને તતડાવી નાખ્યો એ જોઈને પછી બીજા કોઈએ બોલવાની હિંમત કરી નહીં.

રાજા સિંહે સીધું રીંછભાઈને જ પૂછ્યું, 'તારી પાસે કોઈ યોજના છે?'

'જી મહારાજ!' રીંછભાઈએ ખોંખારો ખાઈને આગળ ચલાવ્યું, 'માદાઓને રાજકારણમાં અનામત આપીશું તો જંગલની માદાઓ હંમેશા આપણને જ મત આપશે.'

રીંછભાઈનો આઈડિયા સાંભળીને વિચારમાં પડેલા રાજા સિંહ થોડીવારે બોલ્યા, 'પણ એના માટે તો આપણે કાયદો બનાવવો પડશે. ખૂબ મોટી સંખ્યામાં માદાઓને સાંસદ અને ધારાસભ્ય બનાવવી પડશે.'

'તો શું થયું? આપણા કહ્યામાં રહે એને જ ટિકિટ આપીશું. કોઈ મુશ્કેલી પડશે નહીં અને...' રીંછભાઈ કંઈ બોલવા જતા હતા એને અટકાવીને સિંહે કહ્યું, 'માદા અનામતનો કાયદો બનાવવો હશે તો મારે વિપક્ષના નેતા સસલા સાથે ડિબેટમાં ઉતરવું પડશે.'

'ડિબેટમાં તમારી સામે ટકવાનું સસલાભાઈનું ગજું નથી મહારાજ!' રીંછભાઈએ એક વાક્યમાં રાજા સિંહને ટૂંકો જવાબ આપ્યા બાદ મીટિંગમાં હાજર સૌ સભ્યો સામે જોઈને કહ્યું, 'રાજા સિંહે આપનો સૌનો ઓપિનિયન મેળવી લીધો છે. હવે આપ સૌને ફરીથી કોઈ કામ હશે ત્યારે બોલાવવામાં આવશે. આભાર.'

બધા નીકળી ગયા પછી રીંછભાઈએ રાજકીય ગણિત સમજાવ્યું, 'મહારાજ! જો સસલાભાઈ માદાઓને અનામત આપવાની હા પાડી દેશે તો આપણું કામ થઈ જશે. તમારી સાથે દલીલો કરશે તો આપણે એવો પ્રચાર કરીશું કે સસલાભાઈ માદાઓના વિરોધી છે. એ સાંભળીને પણ માદાઓ આપણી ફેવર કરવા માંડશે.'

'...અને સસલો માની ગયો ને આપણે માદાઓને અનામત આપવી પડશે તો શું કરીશું?' રાજા સિંહને થોડી ચિંતા થઈ, 'આપણા ગુરુ, સંસ્કારી પાઠશાળાના સ્થાપક બગલાભાઈ માદાઓને આગળ કરવાના પક્ષમાં નથી એ તો તું જાણે છેને?'

'મહારાજ! અનામત તો કાગળ પર આપવાની છે. એમાં શી મોટી વાત છે!' અદ્લ રાજકીય સલાહકારની અદામાં રીંછભાઈ ખંધું હસ્યા.

'એટલે?' રાજા સિંહે આંખ ઝીણી કરીને પૂછ્યું.

મહારાજ! આપણે 'વન સ્વરાજ'ની ચૂંટણીઓમાં માદાઓને ૩૩ ટકા અનામત આપીએ જ છીએ. સસલાભાઈની પાર્ટી વર્ષો પહેલાં સત્તામાં હતી ત્યારે તેમણે આ વ્યવસ્થા ગોઠવી હતી. આપણે એનો શું જુગાડ કાઢ્યો છે એ તમે નથી જાણતા?

'શું જુગાડ કાઢ્યો છે? મારે હવે એટલાં ભાષણો આપવાના હોય છે કે બધું યાદ રહેતું નથી. સીધે સીધું કહી દે!' સિંહે બગાસું ખાધું.

'ઉંમર ઉંમરનું કામ કરે મહારાજ!' રીંછભાઈ સાવ ધીમેથી બબડયા.

'શું?' બરાબર સંભળાયું નહીં એટલે સિંહે પૂછ્યું.

'કંઈ નહીં મહારાજ! હું એમ કહું છું એ વાતને જમાનો થઈ ગયો છે એટલે હવે આપને યાદ નહીં હોય. આપણે વન સ્વરાજની ચૂંટણીમાં માદાઓને ટિકિટ આપીએ છીએ, પરંતુ પસંદ તો નર ઉમેદવારોને જ કરીએ છીએ. જે નર કાર્યકરને પસંદ કરીએ એની પત્નીના નામે ચૂંટણી લડીએ છીએ. વહીવટ તો બધો નર જ કરે છે. માદાઓને અનામત, નર પ્રતિનિધિ - આ જ તો આપણો જુગાડ છે મહારાજ!' રીંછભાઈએ વ્યૂહ સમજાવ્યો.

'આ તો હું ભૂલી જ ગયો હતો. વેરી ગુડ. આપણે આમાં પણ એવું જ કરીશું. આપણા ગુરુને પણ આમાં કંઈ વાંધો નહીં પડે.' રાજા સિંહ ખુશ થઈ ગયા.

'...તો હવે સસલાભાઈને ડિબેટ માટે કહી દઉં છું.' રીંછભાઈએ બનતી ઝડપે જંગલના રાજકારણમાં માદાઓને અનામત મુદ્દે ડિબેટ ગોઠવી દીધી.

બીજા જ દિવસે રાજા સિંહ અને વિપક્ષના નેતા સસલાભાઈ વચ્ચે લાઈવ ડિબેટ થઈ. બંને વચ્ચે એટલો વાદ-વિવાદ થયો કે મૂળ મુદ્દો જ બાજુ પર રહી ગયો.