મુસાફરીની ટિકિટમાં રાજા સિંહનો ફોટો મૂકો : હાથીભાઈ હરખપદૂડાનો આદેશ
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- રાજા સિંહના આદેશ પછી ગરુડોએ સાપોના રાફડાઓ પર એરસ્ટ્રાઈક કરી તેની આખાય જંગલમાં ચર્ચા થઈ. આ એરસ્ટ્રાઈકથી પ્રભાવિત થયેલા રેલવે મંત્રી હાથીભાઈ હરખપદૂડાએ સિંહને સારું લગાડવાની તક ઝડપી લીધી
મારખોર બકરાઓનું જે જંગલમાં રાજ હતું ત્યાંથી સાપોને ઝેર પીવડાવીને રાજા સિંહના જંગલમાં મોકલવામાં આવતા હતા. આ સાપો જંગલવાસીઓને નિશાન બનાવતા અને તેના ઝેરથી અનેક જંગલવાસીઓ મૃત્યુ પામતા હતા. એક દિવસ સાપોનું ટોળું ત્રાટક્યું અને કેટલાય જંગલવાસીઓને ડંખ માર્યા. ઝેરથી નિર્દોષ જંગલવાસીઓ મૃત્યુ પામ્યા.
એ ઘટના પછી જંગલવાસીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો. સાપોના રાફડાઓને તોડી પાડવાની માગણી ઉઠી. રાજા સિંહે સાપોના દુશ્મન એવા ગરુડોને મોકલ્યા. ગરુડો જંગલના આકાશની સુરક્ષા સંભાળતા હતા. સિંહના આદેશ બાદ ગરુડોએ મધરાતે ત્રાટકીને સાપોના રાફડાઓને તોડી પાડયા. ઘણા સાપોનો ખાત્મો બોલ્યો. ગરુડોના આ પરાક્રમને 'એર સ્ટ્રાઈક' નામ અપાયું. ચારેબાજુ ગરુડોની વાહવાહી થઈ. રાજા સિંહે ગરુડોને આ કામ સોંપ્યું એટલે તેમની પણ પ્રશંસા થતી હતી.
રાજા સિંહના દરબારી હાથીભાઈ હરખપદૂડાને એમાં તક દેખાઈ. હાથીભાઈ હરખપદૂડા સિંહની સરકારમાં રેલવે મંત્રી તો હતા જ, સાથે સાથે અન્ય પરિવહનને લગતી સેવાઓની જવાબદારી પણ સંભાળતા હતા. હાથીભાઈ હરખપદૂડા તેમના અતિશય ઉત્સાહી સ્વભાવના કારણે તો જાણીતા ખરા, પરંતુ તેમનું વલણ ખૂબ અકળ. અમુક વખતે રાજા સિંહની સરકાર સામેય હિંમતભર્યું નિવેદન આપી દેતા. જંગલની સરકારની અમુક પૉલિસીની ટીકા કરી નાખતા. ઘણી વખત રાજા સિંહના એટલા વખાણ કરી નાખતા કે રાજા સિંહના સમર્થક નેતાઓ પણ વિચારમાં પડી જતા. રાજા સિંહના અંગત સલાહકાર રીંછભાઈને કાયમ હાથીભાઈ હરખપદૂડા પર સંદેહ રહેતો. એમને એવી ભીતિ હતી કે હાથીભાઈ હરખપદૂડા તક મળે તો જંગલના રાજા બનવા તૈયાર છે.
આવા આ હાથીભાઈએ સ્વભાવ પ્રમાણે એર સ્ટ્રાઈકનો ઉત્સાહ બતાવીને આદેશ આપી દીધો : 'રેલવેની ટિકિટમાં એક તરફ પેસેન્જરની વિગતો હશે, બીજી તરફ રાજા સિંહના સમ્માનમાં ફોટો હશે.' રાજા સિંહની ગરિમાને શોભે એવી ડિઝાઈન કરાવવી જરૂરી હતી. એ માટે મોરભાઈ માનીતાને પસંદ કરાયા. તેણે એર સ્ટ્રાઈકનો લોગો બનાવ્યો અને તેની બરાબર બાજુમાં કટઆઉટ કરીને રાજા સિંહનો ફોટો મૂક્યો. લોગો તૈયાર થઈ ગયો કે તરત જ રેલવે સહિતની તમામ જંગલ પરિવહન સર્વિસની ટિકિટમાં એ લગાવી દેવાયો. ફોટોના કારણે મુસાફરોને પ્રવાસ દરમિયાન તુરંત એર સ્ટ્રાઈકમાં ગરુડોએ કરેલું પરાક્રમ યાદ આવતું ને સાથે સાથે સ્મરણમાં આવતો રાજા સિંહે આપેલો આદેશ. તેનાથી રાજા સિંહની સરકારની સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ હતી.
વિપક્ષના મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાએ વિરોધનો ગણગણાટ કર્યો : 'એર સ્ટ્રાઈક ગરુડોએ કરી હતી. ફોટો મૂકવો હોય તો એમનો મૂકો.'
વિપક્ષના નેતા સસલાભાઈના ખાસ નેતા લંગૂરભાઈ લપલપિયાએ કહ્યું, 'રાજા સિંહ જંગલવાસીઓ પર આવેલી આફત પર રાજકારણ કરી રહ્યા છે.'
હાથીભાઈનીએ વળતી દલીલ કરી : 'ગરુડોએ અદ્ભુત પરાક્રમ કર્યું છે એની ના નહીં, પરંતુ રાજા તરીકે સિંહે આદેશ આપ્યો ન હોત તો આ કામ થયું જ ન હોત.'
બંને તરફનાં નિવેદનોની 'જંગલ ન્યૂઝ'માં હસીના હરણીએ ચર્ચા કરી. પેનલ ડિસ્કશન થઈ. જંગલની સરકારી યોજનાઓનાં સૂત્રો લખતા કલકલિયા કલમઘસુએ ચર્ચામાં દલીલ કરી : 'રાજા જ બધી રીતે ક્રેડિટ લેવા હકદાર છે. ગરુડોના પરાક્રમ માટે તેમની પ્રશંસા ચોક્કસ થવી જોઈએ, પરંતુ તેમને જો રાજા સિંહે આદેશ જ આપ્યો ન હોત તો પરાક્રમ કરવાની તક જ કેવી રીતે મળી હોત?'
સરકાર વિરોધી મત માટે જાણીતા 'લિબરલ આર્ટિસ્ટ' મસ્તરામ મોરે ટીવી ડિબેટમાં વળતી દલીલ કરી : 'રાજા સિંહને ક્રેડિટ ભલે મળે, પરંતુ પરાક્રમ ગરુડોનું હોવાથી ટિકિટમાં સ્થાન ગરુડોને મળવું જોઈએ. આમાં રાજકારણ થાય તે યોગ્ય નથી.'
આ બધું ગરુડો વીડિયોમાં જોતા હતા. જંગલની હવાઈ સરહદની રખેવાળી કરતી આ ટૂકડીએ અંદરોઅંદર વાતો કરતા હતા. એકે કહ્યું : 'આ તો નિર્દોષ જંગલવાસીઓનું રક્ષણ કરવાનું હોય એટલે આપણે જોખમ લઈએ છીએ. બાકી આ રાજકારણીઓ માટે તો કશું જ ન કરીએ.' બીજાએ સહમત થતાં ઉમેર્યું, 'ક્રેડિટ લેવામાં આગળ અને જવાબદારી લેવામાં પાછળ રહે એ નેતા.'
રીંછભાઈએ આવીને રાજા સિંહને 'જંગલ ન્યૂઝ'નો અહેવાલ બતાવ્યો. રેલવેની, બસની એક-એક સેમ્પલ ટિકિટ બતાવીને કહ્યું, 'રાજાજી! હાથીભાઈ હરખપદૂડાએ ઉત્સાહમાં આવીને તમારી ટિકિટ છાપી નાખી તેનાથી આપણી સરકારે ટીકાનો સામનો કરવો પડે છે. આ બધું કરવાની શી જરૂર છે? આપણે ક્રેડિટ તો આમ પણ લઈ જ રહ્યા છીએ.'
રાજા સિંહે વીડિયો જોયા. ટિકિટ્સ જોઈ. ફોટો જોયો. સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ. પછી કંઈક લાંબો વિચાર કરીને રીંછભાઈને આદેશ આપ્યો, 'તુરંત હાથી હરખપદૂડાને બોલાવ!'
હાથીડાનો વારો પડવાનો છે એમ વિચારીને મનોમન હરખાતા રીંછભાઈએ ફોનમાં કડક સૂરમાં હાથીભાઈને બોલાવ્યા, 'રાજાજી પાસે તુરંત આવો. ઉતાવળ રાખજો!'
હાથીભાઈ આવ્યા કે રાજા સિંહે તુરંત ઉત્સાહથી કહ્યું, 'વેરી ગુડ! તેં બહુ સરસ કામ કર્યું છે. હવેથી બીજા બે-ત્રણ વિભાગોની જવાબદારી પણ હું તને સોંપું છું.'
રીંછભાઈનું મોઢું પડી ગયું, હાથીભાઈ હરખાઈ ગયા. રાજા સિંહે હાથીને છેલ્લી સૂચના આપી, '...પણ હવે મારા ફોટો સારા પસંદ કરજે!'