- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- 'ફોલોઅર્સ કેમ વધારવા?' એવા વિષય પર ઉલ્લુ ઉકળાટિયાએ આપેલું ભાષણ જંગલના સોશિયલ મિડિયામાં ભારે ચર્ચાયું, કારણ કે ઉલ્લુએ એમાં પ્રેક્ટિકલ સૂચનો આપ્યા...
જંગલમાં સોશિયલ મિડીયાના ઉદય સાથે જ એક તદ્ન નવી પ્રજાતિનો પણ ઉદય થયો હતો. જંગલવાસીઓ તેને સોશિયલ મિડીયા ઈન્ફ્લુએન્સર કહેતા હતા. આ સોશિયલ મિડિયા ઈન્ફ્લુએન્સર્સનો દબદબો એટલો વધતો જતો કે પહેલાં એ ખૂણામાં બેસીને પોસ્ટો કરતાં એના બદલે હવે કાર્યક્રમોના મુખ્ય ગેસ્ટ બનવા લાગ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય ગેસ્ટ હોય તેનો ફાયદો એટલો હતો કે દરેક વક્તા, સંચાલક સતત મુખ્ય ગેસ્ટનું નામ લીધા રાખે. વકતવ્યમાં પણ અમુક ચબરાક સંચાલક કે વક્તા એમ બોલે ઃ 'હું 'મુખ્ય મહેમાન'ને જણાવીશ કે આ આમ થયું ને પેલું તેમ થયું.' જોકે, એનાથી એવી ઈમેજ બનતી કે મુખ્ય મહેમાનને આ બધી બાબતોની જાણ નથી એટલે અન્ય વક્તાઓ તેમને જણાવે છે. મુખ્ય મહેમાનનો બોલવાનો વારો આવે ત્યારે ઓડિયન્સ થાકી ગયું હોય. એટલે થતું એવું કે જંગલમાં મુખ્ય મહેમાનોના ભાષણો મોસ્ટલી નીરસ રહેતા.
જે ઈન્ફ્લુએન્સર સમજદાર હતા તેમને ખબર પડી ગઈ હતી કે કાર્યક્રમના મુખ્ય ગેસ્ટ બનવાથી કામ પૂરું થતું નથી, બનવું હોય તો મોટિવેશનલ સ્પીકર બનાય. એક. મોટિવેશનના નામે તમે કંઈ પણ બોલી શકો, ગમે તેવા ધડ-માથાં વગરનાં ઉદાહરણો આપીને તેમાંથી મોટિવેશનનો મેસેજ પથરાવી શકાય. બીજું, મોટિવેશનના નામે સાંભળવા આવનારા પણ વધારે મળે. સરેરાશ સાંભળનાર મોટિવેશન સ્પીકરને સન્માનથી જુએ, કારણ કે એ એમ માને કે મોટિવેશન સ્પીકર તો કેટલા વિદ્વાન હોય! ત્રીજું, મોટિવેશનલ સ્પીકરને અન્ય સ્પીકરો કરતાં બોલવાનો સમય વધારે મળે.
સોશિયલ મિડીયા ઈન્ફ્લુએન્સર્સમાંથી મુખ્ય મહેમાન બનવા લાગેલો ઉલ્લુ ઉકળાટિયો આવો જ એક સમજદાર ઈન્ફ્લુએન્સર હતો. મૂળ તો ઉલ્લુ ઉકળાટિયો અહીં સુધી બહુ સંઘર્ષ કરીને પહોંચ્યો હતો. તે પહેલાં ખૂબ આળસુ હતો. એકેય નોકરી-ધંધામાં સેટ થયો નહોતો. બેસી રહેવું, ગપ્પા મારવા, આખાય જંગલની પંચાત કરવી એ તેની ગમતી પ્રવૃત્તિ હતી. એમાં સોશિયલ મિડીયા એના ધ્યાનમાં આવ્યું. આ જ બધું કરીને સોશિયલ મિડીયામાંથી કમાણી પણ કરી શકાય અને ફ્રીના ફ્રી - એવું સમજ્યા પછી ઉલ્લુ ઉકળાટિયો રાત-રાતભર જાગીને સોશિયલ મિડીયામાં પોસ્ટો કરતો. રીલો બનાવતો. ઢંગ-ધડા વગરનું ગાતો-નાચતો ને જંગલવાસીઓને હસાવવાની કોશિશ કરતો. પણ એનુંય પરિણામ મળ્યું. તેના ફોલોઅર્સ વધ્યાં. ઉલ્લુ ઉકળાટિયાને પાનો ચડયો. એ સતત ફોલોઅર્સ વધારતો રહ્યો ને એમ સોશિયલ મિડીયા ઈન્ફ્લુએન્સર બનીને જંગલમાં ઉભરી આવ્યો હતો.
કાર્યક્રમોમાં ગેસ્ટ બની બનીને ઉલ્લુ એ વાત સમજી ચૂક્યો હતો કે બનવું હોય તો મોટિવેશન સ્પીકર જ બનાય. એમાં પૈસા વધારે મળે, કાર્યક્રમો પણ વધારે ગોઠવાય, આયોજકોને 'બટર' લગાવવાની તક પણ વધારે મળે અને સૌથી મહત્ત્વનું - ગમે તે બોલો, ચાલી જાય. ઉલ્લુ ઉકળાટિયાએ જુગાડ કરીને જંગલના સફળ આયોજક ગણાતા પપ્પુ પોપટની મદદથી પોતાની મોટિવેશનલ સ્પીચ ગોઠવી. એનો વિષય રાખ્યો - 'ફોલોઅર્સ કેમ વધારવા? - સફળ ઈન્ફ્લુએન્સર પાસેથી શીખો સફળતાના લેસન્સ.'
જંગલના સફળ આયોજકોની આ વિશેષતા હતી. અથવા કહો કે સફળતાની ચાવી હતી. વિષયનું ટાઈટલ એટલું સરસ રાખવાનું કે ઓડિયન્સ આકર્ષાઈને આવે, પછી વાતમાં કંઈ દમ ન હોય તો ચાલી જાય.
નક્કી કરેલા દિવસે કાર્યક્રમના સંચાલક કવિ ઘુવડ ઘાંટાપાડુએ બે-ચાર કવિતા ફટકારી દીધા પછી આખરે ઉલ્લુ ઉકળાટિયાએ મોટિવેશનલ સ્પીચ આપવાનું શરૂ કર્યુંઃ 'મિત્રો! ફોલોઅર્સ વધારવા એ કંઈ બહુ મોટી વાત નથી. તમે જંગલના એક સફળ ઈન્ફ્લુએન્સર પાસેથી શીખી રહ્યાં છો એટલે મારું આખું ભાષણ સાંભળી લેશો ત્યાં સુધીમાં મોટિવેટ થઈ જશો એ મારી ગેરંટી છે!'
આટલું સાંભળીને જ ઓડિયન્સે પંજા ટકરાવીને વાતને વધાવી લીધી.
ઉલ્લુ ઉકળાટિયાએ આગળ ચલાવ્યું ઃ 'હું તમને કહું એટલું નોંધતા જશો. એનું પાલન કરશો તો તમેય જંગલના ઈન્ફ્લુએન્સર બની જશો.' આ રીતે થોડીવાર આડી અવળી વાતો કર્યા પછી આખરે ઉલ્લુએ મુદ્દા લખાવ્યાઃ
- ફોલોઅર્સ ઓછા છે એ છુપાવો નહીં. કહો કે હું ને મારા આઠ ફોલોઅર્સ ખુશ છીએ. તેનાથી અન્ય જંગલવાસીઓ સહાનુભૂતિમાં તમને ફોલો કરી લેશે.
- તમારામાં કોઈ લાઈક ન કરે તો પણ તમે ઉદાર દિલે સૌને લાઈક કરો. ક્યારેક તો એ તમારી પોસ્ટને લાઈક કરશે - એવી આશા જીવંત રાખો.
- ફોટોમાં એવું લખાણ લખો કે જંગલવાસીઓમાં તમે વિદ્વાન છો એવો ભ્રમ પેદા થાય. એટલું લાંબું લખો કે જોનારાઓને એમ થાય કે આટલી મહેનત કરી છે તો ફોલો કરી લઈએ.
- રીલ એવી બનાવો કે તમારી ટેલેન્ટ પૂરી ન થાય પણ જોનારાનું ડેટાપેક પૂરું થઈ જાય.
- દરેક પોસ્ટની ઉપર યુઝર્સને આહ્વવાન આપોઃ ચા ઠંડી થાય છે, તે પહેલાં લાઈક કરો.
- દરરોજ કંઈ પણ વિચાર આવે તેની રીલ બનાવી કાઢો. દરેક ટ્રેન્ડમાં ઘૂસી જાવ, જેમ ચાલુ ગાડીએ ટિકિટ વગર પ્રવાસીઓ ઘૂસે એમ જ. રડવાનો ટ્રેન્ડ હોય તો રડી લેજો, પણ ટ્રેન્ડ છોડતા નહીં.
આટલું કહ્યા પછી ઉલ્લુ ઉકળાટિયાએ ગંભીર થઈને છેલ્લી મહત્ત્વની સૂચના આપીઃ
- પોતાની પ્રશંસા સ્વયં કરો. સતત કરો, અવિરત કરો.


