Get The App

જંગલમાં સર્વાધિક કમાણી કરનારા મંત્રી હાથીભાઈ હરખપદૂડાનું ભાષણ

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
જંગલમાં સર્વાધિક કમાણી કરનારા મંત્રી હાથીભાઈ હરખપદૂડાનું ભાષણ 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- મહારાજા સિંહની સરકારમાં પરિવહન મંત્રાલય સંભાળતા હાથીભાઈ સૌથી વધુ કમાણી કરનારા મંત્રી બન્યા. આ સિદ્ધિ મેળવ્યા પછી હરખમાં આવેલા હાથીભાઈએ સિંહની સ્ટાઈલમાં લાઈવ સંબોધન કર્યું... 

હાથીભાઈ હરખપદૂડા જંગલની સરકારમાં માર્ગ અને પરિવહન મંત્રાલય સંભાળતા હતા. મહારાજા સિંહ પોતે હાથીભાઈથી બચીને રહેતા હોય ત્યારે બીજા કોઈ મંત્રીઓ તો હાથીભાઈના આડા ઉતરે જ શાના! હાથીભાઈનો જંગલની સરકારમાં આગવો દબદબો હતો. હાથીભાઈ ધારે ત્યારે વિપક્ષના વખાણ કરે, હાથીભાઈ ઈચ્છે ત્યારે સિંહની સરકારની ટીકા પણ કરી શકે. હાથીભાઈ જેવું કોઈ કરી શકતું નહીં. હાથીભાઈ પર સંસ્કારી પાઠશાળાના સ્થાપક અને સિંહ-રીંછ સહિત સૌ નેતાઓના ગુરુ બગલાજીના ચાર પંજા હતા. હાથીભાઈને ગુસ્સો આવે ત્યારે જો પગ સૂંઢમાં આવી જાય તો મુશ્કેલી ખડી થઈ શકે એવું મહારાજા સિંહ પણ બરાબર સમજતા હતા.

બીજા બધા દરબારીઓ પાણી પણ મહારાજા સિંહને પૂછીને પીતા હતા, જ્યારે હાથીભાઈ માર્ગ ઉપર ચાલવાના આકરા ટેક્સ નાખી દેતા હતા એ પણ મહારાજાને 'જંગલ ન્યૂઝ' જોઈને ખબર પડતી હતી. આવા આ હાથીભાઈને માર્ગ અને પરિવહન મંત્રાલય સોંપીને મહારાજા સિંહ અને તેમના અંગત સલાહકાર રીંછભાઈ ખાસ કોઈ જ પ્રકારની માથાકૂટમાં પડતા ન હતા. 

હાથીભાઈએ તેમની સિદ્ધિઓ ગણાવવા માટે ઓનલાઈન ભાષણ શરૂ કર્યું, જેને અસંખ્ય જંગલવાસીઓ ઉપરાંત રાજા સિંહ, રીંછભાઈ એમ સૌ નેતાઓ પણ લાઈવ સાંભળતા હતા. હાથીભાઈએ ભાષણ શરૂ કર્યુંઃ 'વંદે જંગલમ્! તમે બધાએ મારા મંત્રાલયને અઢળક ડોનેશન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. મહારાજા સિંહે જ્યારે બધા મંત્રીઓને આવકનો લક્ષ્યાંક આપ્યો ત્યારે સૌથી ઓછા સમયમાં વધુ આવક કરી આપવાનો વાયદો મેં કર્યો હતો. આપ સૌના સહકારથી એ કામ હું બહુ જ સારી રીતે કરી શક્યો. આપ સૌ જંગલમાં ટ્રાફિક નિયમો ન પાળવાનો આવો ઉજળો રેકોર્ડ રાખો છો એટલે કમાણીનો મારો રેકોર્ડ પણ ઉજળો રહ્યો છે. આપ સૌનો ફરી વખત ખૂબ આભાર.'

સૂંઢ બે-ચાર વખત ઉપર નીચે કર્યા બાદ હાથીભાઈએ આગળ ચલાવ્યુંઃ 'દોસ્તો, જંગલોમાં જ્યાં ચૂંટણીઓ ચાલી રહી હોય છે ત્યાં કે જ્યાં ચૂંટણીઓ થવાની હોય છે ત્યાં રાજા સિંહ દંડમાંથી મુક્તિ આપે છે. એટલે મારા ધંધામાં ધક્કો પહોંચે છે, પરંતુ અન્ય જંગલોમાંથી એ રકમ વસૂલી શકાય તે માટેના તમામ પ્રયાસો મેં આદરી દીધા છે. હું જંગલની તિજોરીમાં ધન ઘટે એવું બિલકુલ થવા નહીં દઉં. વંદે જંગલમ્, જંગલમાતા કી જય. તમે આ દંડ આપો છો એ ખરી રીતે તો જંગલભક્તિ જ છે.'

હાથીભાઈએ ઊંડો શ્વાસ ભર્યો, છોડયો. પૂછડાથી પીઠ ખંજવાળતા ખંજવાળતા ભાષણ આગળ વધાર્યું, 'અમુક જંગલવાસીઓ એવી દલીલ કરે છે કે રસ્તા સારા નથી, ટ્રાફિક સિગ્નલો બરાબર ચાલતા નથી, માર્ગની વચ્ચે મોટા મોટા ખાડા પડી ગયા છે. નદી-નાળા ઉપર બાંધેલાં પુલ જર્જરિત છે, છતાં રિપેરિંગ થતું નથી. પુલની બંને તરફ કોઈ આડશ ન હોવાથી પ્રાણીઓ રાતના અંધારામાં અકસ્માતે નદીમાં પડીને જીવ ગુમાવે છે. નાના રસ્તાઓને મોટા કરવામાં આવતા નથી, પણ આવી વાતો પાયાવિહોણી છે. એક વાત ધ્યાનથી સમજો મારા વહાલા જંગલવાસીઓ! તમારી પાસેથી જે ટેક્સ લેવામાં આવી રહ્યો છે એ તો માત્ર રસ્તા ઉપર ચાલવાનો કે વાહન ચલાવવાનો જ ટેક્સ છે. દંડ તો તમે બધા તમારી ભૂલોના કારણે ભરો છે. એ દંડની રકમ તો જંગલની સરકારનું બોનસ છે. મહારાજા સિંહ અને મારા સહિત બધા મંત્રીઓનો ખર્ચ એમાંથી તો નીકળે છે.'

હાથીભાઈએ થોડો વિરામ લઈને ભાષણ પૂરું કરતાં ઉમેર્યું, 'જો તમારે એવી બધી જ સુવિધા જોઈતી હોય તો વધારે ટેક્સ ભરવો પડે. એ ટેક્સમાંથી રસ્તા સારા થશે, પુલ સારા બંધાશે, ટ્રાફિક સિગ્નલ નવા નખાશે, ખાડા રીપેર થશે, રસ્તાઓ ઉપર ભરાઈ જતા પાણીનો નિકાલ થશે. તમે કહો તો હું નવો ટેક્સ શરૂ કરું? તમારે ખરેખર આવી બધી સુવિધા જોઈએ છે? તમે આપણાં આ મહાન જંગલની ઐતિહાસિક પરંપરા માટે આટલું ય સહન નહીં કરી શકો? મને આખાય જંગલનું આ બાબતે સમર્થન છે. માર્ગ અકસ્માતો રોકવા માટે અને ટ્રાફિકના નિયમોનો ભંગ થતો અટકાવવા માટે હું જે દંડ વસૂલું છું એ જંગલની પરંપરા માટે આવશ્યક છે. રાજા સિંહના સપના પ્રમાણે મારે રસ્તાઓને બનાવવા છે. રસ્તાઓ ઉપર માત્ર માટી જ હોવી જોઈએ. એના ઉપર સિમેન્ટ-ડામર જેવાં પદાર્થો ચોંટાડીને આપણાં જંગલની મહાન પરંપરા તોડવામાં આવી હતી. આપણાં પૂર્વજો કાચા રસ્તાઓ ઉપર ચાલતા હતા. હું એ પરંપરા જાળવી રાખવા માંગું છું. વંદે જંગલમ્, જંગલમાતા કી જય!'

મહારાજા સિંહ હાથીભાઈ હરખપદૂડાના ભાષણથી એટલા પ્રભાવિત થયા કે તેમણે ભાષણની લિંક સોશિયલ મિડીયામાં શેર કરતા લખ્યું, 'જંગલની સરકારના બધા જ મંત્રીઓએ હાથીભાઈ હરખપદૂડાની કામ કરવાની સ્ટાઈલમાંથી પ્રેરણા લેવી જોઈએ. વંદે જંગલમ્, જંગલમાતા કી જય!'