mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વિપક્ષના નેતા સસલાભાઈનું નવું કેમ્પેઈન - ફોરેસ્ટ ફંડિંગ

Updated: Dec 21st, 2023

વિપક્ષના નેતા સસલાભાઈનું નવું કેમ્પેઈન - ફોરેસ્ટ ફંડિંગ 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ચૂંટણીઓમાં એક પછી એક હાર બાદ વિપક્ષના નેતા સસલાભાઈનું એકાઉન્ટ ખાલી થઈ ગયું. તેમણે 'વન-સહયોગ' કેમ્પેઈનથી દાન મળવા લાગ્યું, પણ રાજા સિંહના એક સહાયકે આખી બાજી બદલી નાખી...

'હું કેમ હારી જાઉં છું?' વિપક્ષના નેતા સસલાભાઈએ બધા નેતાઓને વિચારણા કરવા માટે બોલાવીને પૂછ્યું.

'એ જ તો અમે પૂછીએ છીએ!' સસલાભાઈના કહ્યાગરા નેતા લંગૂરભાઈ લપલપિયાથી બોલતાં તો બોલાઈ ગયું, પછી તરત વાળી લીધું: 'આઈ મીન, એ જ તો અમે ય વિચારીએ છીએ.'

'થિંક. મને હારનાં કારણો આપો!' સસલાભાઈએ બધા નેતાઓ સામે નજર માંડી.

'વધુ જંગલ જોડો યાત્રાઓ કરોે.' પાર્ટીની કાર્યવાહીથી સસલાભાઈ દૂર રહે તો ફાયદો થાય એમ વિચારીને સીનિયર નેતા બતક બટકબોલાએ આઈડિયા આપ્યો.

'સસલાભાઈને ઘૂંટણમાં દુખાવો છે. બહુ મહેનત ન કરાવવી જોઈએ.' આડેધડ રાજકીય સલાહો આપતા ઊંટભાઈ ઉટપટાંગે ચાપલુસી કરી: 'હું તો કહું છું આપે કોઈ સારા ડેસ્ટિનેશન્સ પર જઈને થાક ઉતારવો જોઈએ.'

'આઈ થિંક ધીસ ઈઝ અ ગ્રેટ આઈડિયા. આવીને ફરીથી પાર્ટીનું કામ શરૂ કરી દઈશ. ત્યાં સુધીમાં તમે ફરીથી જંગલ જોડો યાત્રાની તૈયારી કરજો!' સસલાભાઈને ઊંટભાઈ ઉટપટાંગની સલાહ ગમી ગઈ.

'યેસ, અફ કોર્સ. એ પહેલાં આપણે હારનાં કારણોની સમીક્ષા કરી લઈએ. તમને વારંવાર જવાબદાર ઠેરવવા ઠીક નહીં.' બતક બટકબોલાના નિવેદનથી સમીક્ષા બેઠકમાં સોંપો પડી ગયો.

'...એટલે બતકભાઈ એમ કહેવા માગે છે કે તમને ક્યાં સુધી દોષ આપીશું? સાચાં કારણો તો શોધવાં જ પડશે.' લંગૂરભાઈ લપલપિયાએ બતક બટકબોલા સામે નારાજગીથી નજર નાખી.

'આપણી પાસે ફંડ નથી. મહારાજા સિંહનો સામનો કરવા માટે ફંડ જોઈશે. રાજા સિંહ, તેમના રાજકીય સલાહકાર રીંછભાઈ પાસે એટલું ફંડ છે કે ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછી પણ ગમે તે રીતે સરકાર તો એમની જ બને છે. એ બધું થાય છે ફંડના કારણે...' ઊંટભાઈ ઉટપટાંગ એકીશ્વાસે બોલી ગયા.

'એકદમ સાચું. આપણી હાર પાછળ આ જ મુખ્ય કારણ છે!' લંગૂરભાઈ લપલપિયાએ તુરંત ઊંટભાઈની વાતમાં સૂર પુરાવ્યો. સસલાભાઈએ બધા નેતાઓ સામે જોયું. જાણે 'આમાં સૂર પુરાવો!' એવું આંખોથી કહેતા ન હોય!

બતક બટકબોલા જેવા બે-ચાર નેતાઓ એ તર્કથી ખાસ સહમત ન હતા. એ કંઈક મનમાં બબડતા હતા: 'હજુ મનોમંથન કરવું જોઈએ... ટ્રાન્સપરન્ટ સમીક્ષાની જરૂર છે... જંગલવાસીઓનો વિશ્વાસ જીતવો જોઈએ... મહેનત વધારવી જોઈએ...' પણ ત્યાં તો મોટાભાગના નેતાઓ 'ફંડના અભાવે સસલાભાઈ હારે છે' એ વાતમાં સહમત થઈ ચૂક્યા હતા. વધુ ઓપિનિયની જરૂર ન હતી.

'ફંડ વધારવા શું કરવું જોઈએ?' સસલાભાઈએ સવાલ પૂછ્યો ને થોડીવાર કંઈક વિચારીને ઉમેર્યું: 'ગુલામદાસ ગધેડો, પપ્પુ પોપટ જેવા ઉદ્યોગપતિઓ રાજા સિંહને ફંડ આપે છે. ને જંગલની સરકારના પૈસા આ ઉદ્યોગપતિઓના પોકેટમાં જાય છે. એ બધી જ મને ખબર છે. આપણે એની પાસેથી મેળવી લઈએ તો?'

'સસલાભાઈ આપણે લેવા માટે તો તૈયાર છીએ. એ આપવા માટે તૈયાર નથી.' બતક બટકબોલાએ જાણકારી આપી કે કટાક્ષ કર્યો એ કોઈને ન સમજાયું.

'તો બીજું કંઈક વિચારો! મારું કામ જંગલજોડો યાત્રા કરવાનું, ભાષણો આપવાનું અને રાજા સિંહ પર આરોપો લગાવવાનું છે. વિચારવાનું કામ તમારું છે.' હારનું નવું કારણ જાણ્યું ત્યારથી સસલભાઈ ખાસ્સા રિલેક્સ જણાતા હતા.

બધા જ નેતાઓ વિચારવામાં વ્યસ્ત થઈ ગયા. સસલાભાઈ બોર થયા. કાચબા સાથે સ્પર્ધાનો અત્યારે પ્રશ્ન હતો નહીં એટલે ઝોકું લઈ શકાશે એમ વિચારીને તેમણે એક ઝોકું ખેંચી કાઢ્યું.

ત્યાં અચાનક બતક બટકબોલાના દિમાગમાં ઝબકારો થયો: 'ફોરેસ્ટ ફંડિંગ.'

'ફોરેસ્ટ ફંડિંગ?' સસલાભાઈની અધબીડેલી આંખમાંથી સવાલ બહાર ડોકાયો.

લંગૂરભાઈ લપલપિયા, ઊંટભાઈ ઉટપટાંગને બટકબોલાનો આઈડિયા સમજાઈ ગયો હતો. લંગૂરભાઈએ બટકબોલાને જ એની સમજ આપવાનો ઈશારો કર્યો. બટકબોલાએ સમજાવ્યું: 'ફોરેસ્ટ ફંડિંગ એટલે જંગલવાસીઓ પાસેથી મેળવાતું દાન. અપીલ કરીએ એટલે જંગલવાસીઓ ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી ફંડ આપે છે. એને વન-સહાય પણ કહેવાય છે.'

'વેરી ગુડ. હવે હું જીતીને બતાવીશ!' સસલાભાઈની પળવારમાં ઊંઘ ઉડી ગઈ. તેમણે લંગૂરભાઈને આદેશ આપ્યો: 'આજે જ કેમ્પેઈન શરૂ કરો. અને...'

બટકબોલાએ સસલાભાઈની વાત કાપી: 'એના માટે વેબસાઈટ બનાવવી પડશે. ને થોડી તૈયારી...' ઊંટભાઈ ઉટપટાંગે બતક બટકબોલાની વાત સાંભળી ન સાંભળી કરીને મોટેથી કહ્યું: 'હું હમણાં જ સોશિયલ મીડિયામાં લાઈવ વિડીયોની વ્યવસ્થા કરું છું. ને જંગલ ન્યૂઝ સહિતના મિડીયાને પણ જાણકારી આપી દઉં છું.'

થોડીવાર પછી...

'મારા પ્યારા જંગલવાસીઓ! મારી પાસે મહારાજા સિંહ સામે લડવા માટે ફંડ નથી. તમે ફોરેસ્ટ ફંડિંગ કરો. ફોરેસ્ટ ફંડિંગ ડોટ જંગલ નામની અમારી વેબસાઈટમાં અત્યારે જ દાન આપો અને મને ચૂંટણીઓ લડવા માટે સહાય કરો!' સસલાભાઈની અપીલ પછી કેટલાક જંગલવાસીઓને દયા આવી. દાનનો પ્રવાહ શરૂ થયો.

પણ આખી વાતમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે મહારાજા સિંહના સાઈબર ફ્રોડ સલાહકાર ફ્રોગભાઈ ફ્રોડે વેબસાઈટ હેક કરીને બધું જ ફંડ રાજા સિંહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધું.

બેલેન્સ ચેક કરીને રાજા સિંહ ફ્રોગભાઈની પીઠ થપથપાવતા બોલ્યા : 'આ ફંડથી જ હું સસલાના નેતાઓને ખરીદી લઈશ...'

Gujarat