- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલમાં ચોમાસું બેસે કે તરત જ મચ્છરજન્ય રોગો માથું ઊંચકતા હોય છે, પરંતુ આ વર્ષે એવો કોઈ મોટો રોગચાળો ન ફેલાતાં મચ્છર સમાજનાં અધ્યક્ષ મચ્છરીબહેન મલેરિયલ એક્શનમાં આવ્યાં
'આ બધું શું ચાલી રહ્યું છે? અડધું ચોમાસું પૂરું થયું છતાં રોગચાળાના કોઈ ન્યૂઝ નહીં?' નર અને માદા મચ્છરો એકઠાં થયા કે તરત જ મચ્છરસમાજનાં અધ્યક્ષ મચ્છરીબેન મલેરિયલે તીણા અવાજે સવાલ કર્યો. મલેરિયા ફેલાવવામાં મોટું યોગદાન આપ્યું હોવાથી તેમને 'મલેરિયલ'નો ખિતાબ મળ્યો હતો. માદાઓએ ભારે બહુમતિથી તેમને અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢ્યા હતાં.
સંગઠનના ઉપપ્રમુખ મચ્છરભાઈ મંદવાડે માદાઓને ઉદ્દેશીને કહ્યું, 'રીલ જોવામાંથી બહાર આવો!' મચ્છરભાઈ મંદવાડે તેમની મમ્મીની સરનેમ અપનાવી હતી. મચ્છરીબેન મંદવાડની એક સમયે ધાક હતી. તેમણે જીવતા જીવત જ પુત્રને લાગવગથી ઉપપ્રમુખપદે ગોઠવી દીધો હતો.
ઉપપ્રમુખની કમેન્ટના પ્રતિભાવમાં ઘણાં નરોના અવાજ આવ્યા : 'રીલે તો આખી સિસ્ટમ ખોરવી નાખી છે.'
'પોતે આખો દાડો કિચડ પર રહેવું ને બીજાને સલાહો આપવી. નરોનું આ જ કામ બચ્યું છે હવે!' કોઈ માદાનો તીણો અવાજ આવ્યો. એ કમેન્ટ ઉપપ્રમુખ મચ્છર મંદવાડ પર હતી કે એના પર કમેન્ટ કરનારા નરો પર હતી એ કળી શકાયું નહીં, પણ બધી માદાઓએ ગણગણાટથી કટાક્ષને વધાવી લીધો.
બીજી માદાએ પણ નરો પર કટાક્ષ કર્યો, 'અસલના વખતના નરો માદાઓને કરડવા માટે પ્રોત્સાહિત કરીને માદા સશક્તીકરણનું ઉદાહરણ પૂરું પાડતા. આજે તો નરો ગંદા-ગોબરા ખાબોચિયા પર બેસીને ગણગણાટ કરવા સિવાય કોઈ પરાક્રમ કરતા નથી. ઘરમાંથી ટેકો ન મળે તો માદા બિચારી કરી કરીને કરે કેટલું?'
મચ્છરસમાજના યુવા મહામંત્રી મૉસ્કીટો મોગરોને આ કટાક્ષ ન ગમ્યો. મોગરા પર રહેતા આ મચ્છરને લાગ્યું કે એમાં એનું અપમાન થયું છે. તેણે કટાક્ષ કરનારી માદા પર વળતો કટાક્ષ કર્યો, 'તે અસલના જમાનામાં માદાઓ પણ નરનું કહેવું કરતી હતી એટલે બધું થતું હતું. આજે નર સલાહ આપવા કે પ્રોત્સાહન આપવા જાય તો છણકો સાંભળવો પડે કે - અમને પણ મી ટાઈમ હોય!'
'મી ટાઈમ... મી ટાઈમ!' મી ટાઈમની વાતમાં બધા નરોને મજા પડી ગઈ. આજકાલ એવા કેટલાય કિસ્સા બનતા હતા, જેમાં મચ્છર સમાજના નરો માદાઓને કરડવા જવાની સલાહ આપતા કે પ્રેરક લેક્ચર આપતા ત્યારે માદાઓ છણકો કરતી, 'ભાષણ આપવું રહેવા દો! કંઈ આખો દા'ડો કરડ કરડ ન કરવાનું હોય. કંઈક મી ટાઈમ પણ હોય કે નહીં? દરેક વખતે ભવ્ય પરંપરાના નામે દોડાદોડ જ કરતી રહેવાની?'
વાત આડે પાટે ચડતી જોઈને સમાજના અધ્યક્ષ મચ્છરીબહેન મલેરિયલ અકળાયાં: 'એક તો આ બધું બંધ કરો! ઘરના ઝગડા ઘરમાં રાખીને આવો! સમાજમાં આ દૂષણ બહુ ફેલાયું છે. એકબીજાને કંઈ કહેવાતું નથી. સહન કરવાની શક્તિ જ રહી નથી. આમ અંદરો અંદર બાખડો છો એમાં જ મચ્છર મારવાની દવાઓનું માર્કેટ જામી પડયું છે. સંપીને કામ કર્યું હોત તો આ દશા ન આવી હોત.'
મચ્છરીબહેન બોલતાં ગયા એમ રાતાચોળ થતાં ગયાં. યુવા મહામંત્રી મૉસ્કીટો મોગરો સામે જોઈને ગુસ્સામાં બોલ્યા: 'તમે અપરણિત રહીને પરણેલાઓના સંસારમાં આગ લગાડવાનું બંધ કરો! સમાજના હોદ્દેદાર છો તો સમાજને જોડવાનું કામ કરો! સમાજને તોડનારા તો ઠેકઠેકાણે મળી જશે.'
ઝંખવાયેલા યુવા મહામંત્રી નીચું જોઈને બોલ્યા: 'સોરી મે'મ!'
માદાઓના ટોળા સામું જોઈને અધ્યક્ષે પૂછ્યું: 'કરડવા જવાનું બંધ કેમ કરી દીધું? આ વખતે રોગચાળો કેમ ફેલાવ્યો નહીં?'
'આ વખતે જંગલવાસીઓની રોગ પ્રતિકારક શક્તિ વધી લાગે છે.' એક તીણો અવાજ સંભળાયો.
'રોગ પ્રતિકારક શક્તિ? માય ફૂટ! આપણે સદીઓથી સૌથી ખતરનાક સજીવો એટલે જ છીએ કે આપણા સમાજે આવી બધી પરવા ક્યારેય કરી નથી. આપણો સમાજ વર્ષે ૧૦-૧૦ લાખ જંગલવાસીઓનો જીવ લે છે એટલે જ જંગલવાસીઓ આપણાંથી ડરે છે. તમારા જેવા નવી પેઢીના મચ્છરોના કારણે જ સમાજની દહેશત ખતમ થવાના આરે છે.' મચ્છરીબેન મલેરિયલ તાડૂક્યા એટલે સાવ શાંતિ થઈ ગઈ.
'આપ વડીલ છો, કંઈક માર્ગદર્શન આપો!' ઉપપ્રમુખ મચ્છર મંદવાડે કહ્યું એમાં સૌએ હોંકારો આપ્યો.
'તમે ડર બનાવી રાખશો તો જંગલની સરકારો સાથે આપણે ડીલ કરવાનું ફાવશે. તમે સૌ માદાઓ આળસ ખંખેરીને તૂટી પડો. આપણે થોડા વર્ષો પહેલાં 'લવ બાઈટ' કોડનેમથી ઓપરેશન શરૂ કર્યું હતું. એ જ મિશન માટે ફરી નીકળી પડો! ઉઠો, ઉડો, કરડો!'
એ સાથે જ આખો સમાજ ઉડી ગયો.
જંગલની સરકાર રોગચાળો ફેલાયો નથી એમ માનીને ઊંઘતી હતી. મચ્છરો માથું ઊંચકીને સરકારને ઊંઘતી જગાડવા એકદમ સજ્જ હતાં...


