બકુલાબહેન બકરીની દિવાળી શોપિંગ


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાના મોંઘાદાટ શો રૂમમાં બ્રાન્ડેડ કપડાં જોઈને બકુલાબહેન બકરી મીઠી મૂંઝવણ અનુભવતાં હતાં ને બાબાલાલના ધબકારા પળેપળે વધતા હતા

'બોનસ આવી ગયું છે,' એકાઉન્ટમાં રોકડ જમા થઈ કે તરત જ બાબાલાલ બકરાએ પત્ની બકુલાબહેનને વોટ્સએપમાં મેસેજ કર્યો.

'વાઉ! કાલે તમારા માટે શોપિંગ કરી આવીએ,' બકુલાબહેને એક મેસેજ સાથે કેટલાય પ્રકારના ઈમોજી છૂટા મૂકીને ઉત્સાહ દર્શાવ્યો.

બકુલાબહેને પોતાની શોપિંગને બદલે બાબાલાલ માટે ખરીદીની વાત કરી એનાથી આશ્વર્ય પામીને બાબાલાલે ફરીથી કોન્ટેક્ટ ડિટેલ ચેક કરી. કોઈ ભૂલ થઈ ન હતી. બકુલાબહેનને જ મેસજ થયો હતો. બાબાલાલે રિપ્લાયમાં સ્માઈલી મોકલીને વાત પૂરી કરી. આમેય જંગલમાં ભાગ્યે જ કોઈ પતિ પોતાની પત્ની સાથે લાંબી ચેટ કરતા હતા. બાબાલાલ પણ એમાં અપવાદ ન હતા.

વળતા દિવસે સવારમાંથી જ બંને માર્કેટ ખૂંદવા નીકળી પડયાં.

'હું એમ કહું છું કે પહેલાં તારી શોપિંગ કરી લઈએ.' છેલ્લાં ઘણાં વર્ષોથી બાબાલાલ બકુલાબહેનની શોપિંગ પાછળ ભારે પરેશાન થતા હતા. ભૂતકાળના અનુભવો યાદ કરીને બાબાલાલે પ્રસ્તાવ મૂક્યો.

'બિલકુલ નહીં. તમારી શોપિંગ થઈ જાય પછી જ મારા માટે લેવા જઈશું,' જંગલમાં ચૂંટણી આવે ત્યારે નેતાઓ એકસરખા વાયદા કરે ને તોય મતદારો દરેક વખતે પીગળી જાય એવી જ રીતે બકુલાબહેન બકરીના પ્રેમાળ લહેકાથી બાબાલાલ પીગળી ગયા.

બકુલાબહેનનો આવો ભાવ જોઈને બાબાલાલ ફોર્મમાં દેખાતા હતા. એક-બે શો રૂમમાં તો બાબાલાલે કપડાં જોયા-નજોયાં કરીને સેલ્સપર્સનને કોઈ કારણ વગર તતડાવી નાખ્યા. ત્રીજા શો-રૂમમાં બકુલાબહેને ટકોર કરીઃ 'બધે સરખા જ ઓપ્શન છે. એક પેર માટે કેટલી જગ્યાએ ધક્કા ખાવા છે?'

'અહીંથી ગમી જશેે. આ શો રૂમમાં સારી વરાયટી છે,' બકુલાબહેનની ટકોર પછી બાબાલાલનો રથ ધરતી પર આવ્યો.

બાબાલાલે બે-ચાર જોડી ટ્રાય કરી. એકાદમાં કલર અને માપનું કન્ફ્યુઝન હતું, એક-બેમાં ભાવ વધારે લાગતો હતો. બાબાલાલે ભાવમાં બાંધછોડ કરીને બે જોડી લેવાની પેરવી કરી ત્યાં જ બકુલાબેન બોલ્યાંઃ 'ભાવના પ્રમાણમાં કંઈ ખાસ દમ નથી. આમેય દર છએક મહિને તો કપડાં લેતાં જ હોવ છો. મને આમાં આટલો બધો ખર્ચ કરવાની જરૂર નથી લાગતી.'

'..પણ હું ક્યાં દર છ...' બાબાલાલે ધીમા સૂરે દલીલ કરી એને સાંભળી-નસાંભળી કરીને બકુલાબહેને જરાક સ્મિત વેરીને બજેટમાં હોય એવી જોડી સામે ઈશારો કરીને કહ્યુંઃ 'આ એકદમ પરફેક્ટ છે. તમારા પર જામેે છે. ઓફિસમાં પહેરશો તોય સારી લાગશે.'

ને બાબાલાલ કલાક-બે કલાકના ગાળામાં બીજીવાર પીગળી ગયા.

*

હવે શોપિંગનો વારો હતો બકુલાબહેનનો. બાબાલાલની શોપિંગ કરીને બંને શો-રૂમમાંથી બહાર નીકળ્યાં કે તરત બકુલાબહેને નક્કી કરેલા માર્કેટમાં લઈ જવાનો આદેશ છોડયો. એક પછી એક શો રૂમની મુલાકાતો શરૂ થઈ. બકુલાબહેનને એકેયમાં કંઈ ખાસ ગમતું ન હતું. બકરાદંપતીએ આખું માર્કેટ ધમરોળી નાખ્યું. બાબાલાલ મનમાં અકળાતા હતા, પરંતુ બકુલાબહેન સામે એક શબ્દ પણ બોલવાની હિંમત લગ્નના આટલા વર્ષેય કેળવી શક્યા ન હતા. ચુપચાપ બકુલાબહેનના એક પછી એક આદેશનું પાલન કરતા હતા.

'આટલા બજેટમાં ક્યાંક સારું મળતું નથી. મારે આ વર્ષે કંઈ ખરીદવું જ નથી. હવે ઘરે જતા રહીએ,' બકુલાબહેને થોડા રોષ સાથે ઉમેર્યુંઃ 'પેલા શોપિંગ મોલમાં સારા ઓપ્શન્સ હોય છે, પણ ત્યાં આપણાં બજેટની બહાર છે.'

'બજેટની ચિંતા ન કર. તને ગમતું હોય તો આપણે ત્યાંથી લઈ આવીએ.' બાબાલાલ બકરાને થયું કે આમતેમ ભટકવા કરતાં જો ત્યાંથી મેળ પડી જતો હોય તો કચકચમાંથી છૂટકારો મળે. બકુલાબહેનની કૃત્રિમ આનાકાની વચ્ચે બાબાલાલે સ્કૂટર જંગલના સૌથી મોંઘા શો રૂમ તરફ લીધું.

જંગલના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડા આ શો રૂમના માલિક હતા. મોંઘાં પણ બ્રાન્ડેડ કપડાં માટે જાણીતા શો રૂમમાં બકુલાબહેન માટે મીઠી મૂંઝવણ થઈ. બકુલાબહેનને એકથી વધુ જોડી ગમતી હતી. એક જુએ ત્યાં બીજી ભૂલી જાય, બીજી જુએ ત્યાં ત્રીજી ભૂલી જાય.

'આ ત્રણમાંથી કઈ સારી છે?' બકુલાબહેને સ્માઈલ સાથે બાબાલાલને પૂછ્યું.

'તને આ કલર સારો લાગશે,' બાબાલાલે પિંક કલરના ઈન્ડો-વેસ્ટર્ન સામે ઈશારો કર્યો.

'..પણ મને તો આ પ્લાઝોસેટ વધારે ગમે છે,' બકુલાબહેને પ્લાઝો હવામાં લહેરાવ્યો.

'સારું તો એ લઈ લે. એ પણ બહુ જ સરસ છે!' બાબાલાલે ડિપ્લોમેટિક થવાની કોશિશ કરી.

'ના, પણ તમને ઈન્ડો-વેસ્ટર્ન ગમે છે તો હું એ જ લઉં,' બકુલાબહેને સેલ્સપર્સનને ઈન્ટો-વેસ્ટર્ન પેક કરવાનું કહ્યું. બકરાદંપતી બિલિંગ કાઉન્ટર પર પહોંચ્યું ત્યાં સુધીમાં બકુલાબહેન માસ્ટરસ્ટ્રોક વિચારી ચૂક્યા હતાં. બિલ બનાવવાનું શરૂ થયું ત્યારે બકુલાબહેને જંગલની માદાઓ કરે એવા ટિપિકલ નખરા શરૂ કર્યાંઃ 'આ સરસ જ છે, પણ મને એમ લાગે છે નવા વર્ષે પેલી સાડી વધારે સારી લાગશે.'

'સાડી?' બાબાલાલે વોલેટમાં કેટલા રૂપિયા છે એની મનોમન ગણતરી કરવા માંડી.

'લે કેમ ભૂલી ગયા? તમને ત્રણ ઓપ્શન બતાવ્યા એમાં એક સાડી પણ હતી,' બકુલાબહેને સ્મિત વેરીને બાબાલાલનો પંજો પકડી લેતા પૂછ્યુંઃ 'હું આ બેય લઈ લઉં?'

'લઈ લેે!' બકુલાબહેનના મીઠાં નખરાથી બાબાલાલ એક દિવસમાં ત્રીજી વાર પીગળ્યા...

City News

Sports

RECENT NEWS