રાજા સિંહના સહયોગી નેતા નોળિયાકુમારનું ચૂંટણી જીતવાનું રહસ્ય

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- કાચિંડાને પણ શરમાવે એવી અદાથી રંગ બદલવામાં માહેર નોળિયાકુમાર જંગલના એક હિસ્સામાં મુખ્યમંત્રી હતા. રાજા સિંહની સલાહથી નોળિયાકુમાર ફરીથી મેદાન મારી ગયા...
આખાય જંગલમાં રાજા સિંહનું રાજ ચાલતું અને જંગલના જુદા જુદા ભાગોમાં અલગ અલગ મુખ્યમંત્રીઓ સત્તા સંભાળતા. જંગલની શાસકીય વ્યવસ્થા એવી હતી કે સ્થાનિક વિભાગોનું સંચાલન મુખ્યમંત્રીઓ કરતા અને એમાં જંગલના રાજા સિંહ વિવિધ યોજનાઓના માધ્યમથી મદદ કરતા. જંગલના વિભાગોમાં ચૂંટણીઓ આવતી રહેતી અને એમાં રાજા સિંહની પાર્ટીના અને વિપક્ષના નેતા સસલાભાઈની પાર્ટીના નેતાઓ જીતવા માટે જોર લગાવતા. નોળિયાકુમાર કેટલાય સમયથી જંગલમાં એક વિભાગના મુખ્યમંત્રી હતા.
નોળિયાકુમારની ખાસિયત એ હતી કે દરેક ચૂંટણીમાં તેને બહુમતી ન મળે તો પણ ગમે તેમ કરીને અન્ય નેતાઓની મદદ લઈને ખુરશી મેળવી લેતા. મતદારો કઈ તરફ વળશે એ નોળિયાકુમાર માટીમાં માથું નાખીને સૂંઘી લેતા અને પછી એ નેતાઓની મદદ લઈ લેતા. છેલ્લે તેમણે સસલાભાઈની સહાયથી મુખ્યમંત્રીની ખુરશી મેળવી હતી. પછી સમય બદલાતો જોઈને તેમણે રાજા સિંહને સહયોગી બનાવી લીધા. આ આવડતના કારણે નોળિયાકુમારે 'નફ્ફટ' ઉપનામ મેળવ્યું હતું.
નોળિયાકુમાર નફ્ફટ અને રાજા સિંહના ગઠબંધન સામે વિપક્ષના નેતા સસલાભાઈ અને તેમના સહાયક તીડભાઈ પૂરજોશમાં પ્રચાર કરતા હતા. આ તીડભાઈ આક્રમક પ્રચાર કરતા અને આખાય વિભાગમાં ફરી વળતા એટલે તેમને સમર્થકો તીડભાઈ તેજતર્રાર કહેતા હતા. તીડભાઈની મહેનત જોઈને જંગલમાં ચર્ચા ચાલતી હતી કે આ વખતે તો તીડભાઈ મુખ્યમંત્રી બની જ જશે.
રાજા સિંહે નોળિયાકુમાર નફ્ફટને જીતાડવા માટે ભક્ત શિરોમણી કાર્યકર ઘેટભાઈ ઘાસફૂસિયાના નેતૃત્વમાં પાર્ટી કાર્યકરોને પ્રચાર કરવા મોકલી દીધી. આ કાર્યકરો સોશિયલ મીડિયામાં રાજા સિંહ ને નોળિયાકુમારની દોસ્તીનો ભરપૂર પ્રચાર કરતા હતા. રાજા સિંહે તો તેમની સરકારના બધા દરબારીઓને નોળિયાકુમારનો પ્રચાર કરવાનો આદેશ આપ્યો હતો. તેના પરિણામે રીંછભાઈથી લઈને હાથીભાઈ હરખપદૂડા સુધીના નેતાઓ ચૂંટણી પ્રચાર કરી ગયા હતા. આટલું કર્યા પછીય નોળિયાકુમારની ફેવરનો માહોલ બનતો હતો. રાજા સિંહ સ્વયં જાત-ભાતનો વેશ લઈને મતદારોને આકર્ષવા મહેનત કરતા હતા છતાં જોઈએ એવું પરિણામ મળતું ન હતું. રાજા સિંહ ઊંડી ચિંતામાં હતા.
રાજા સિંહે તેમના અંગત રાજકીય સલાહકાર રીંછભાઈ સાથે ચર્ચા-વિચારણા કરી. રીંછભાઈએ રાજા સિંહને કલકલિયા કલમઘસુએ તૈયાર કરેલી યોજનાઓનું લિસ્ટ બતાવ્યું. કલકલિયો કલમઘસુ રાજા સિંહનાં ભાષણો લખી આપવાની સાથે સાથે યોજનાઓનાં નવાં નવાં ક્રિએટિવ નામો પણ આપતો હતો. કલકલિયાએ આપેલા નામનો ઉપયોગ કરીને જ અગાઉ રાજા સિંહે ઘણી ચૂંટણીઓમાં ફાયદો મેળવ્યો હતો. એમાં સૌથી અસરકારક યોજનાનું નામ હતું - લાડલી માદા યોજના. કલકલિયાએ યોજનાની વિગતમાં લખ્યું હતું એ રાજા સિંહે વાંચ્યું : 'સુંદર દેખાવાનો દરેક માદાનો જન્મસિદ્ધ શોખ છે. તેમને બ્યુટી પ્રોડક્ટની ગિફ્ટ બહુ જ ગમે છે. યોજનાના ભાગરૂપે જો બ્યુટી પ્રોડક્ટ ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે તો માદાઓની વોટબેંક આપણને મળી જશે.'
'વેરી ગુડ! તારી ખાસિયત એ છે કે તને યોગ્ય સમયે યોગ્ય બાબતો યાદ આવે છે.' સિંહે રીંછભાઈના વખાણ કર્યા ને તુરંત જ નોળિયાકુમારને ફોન જોડીને સલાહ આપી : 'ચૂંટણી જીતવી હશે તો યોજનાઓનો લાભ માદાઓને આપવો પડશે! તારા વિસ્તારની દરેક માદાને બ્યુટી પ્રોડક્ટ ખરીદવા આર્થિક સહાય આપ એટલે આપણો વિજય નક્કી છે.'
'...પણ મારી પાસે ફંડ જ નથી. જેટલું ફંડ હતું એટલું તો મેં મારી સુરક્ષા અને મારી લાઈફસ્ટાઈલ પાછળ આપી દીધું. વધ્યું એ તમારી સૂચનાથી પાર્ટી ફંડમાં જમા કરાવી દીધું.' નોળિયાકુમારે ચિંતા વ્યક્ત કરી, 'હવે ફંડ આપીશ તો મારી પાસે કશું વધશે નહીં.'
'અરે એ બધી ચિંતા છોડ! આપણે નરો પાસેથી એક નહીં તો બીજી રીતે ટેક્સ વસૂલીને જ માદાઓને આપીએ છીએ. આપણું એમાં કંઈ જતું નથી. તું તુરંત માદાઓને મોટી રકમ આપી દે!'
'જી મહારાજા!' નોળિયાએ રાજા સિંહના કહેવા પ્રમાણે માદાઓના બેંક એકાઉન્ટમાં બ્યુટી પ્રોડક્ટ ખરીદવા માટે મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી. વિપક્ષના નેતા સસલાભાઈ અને તીડભાઈ તેજતર્રારે ભારે વિરોધ કર્યો. ચૂંટણી યોજતા બાજ સમાજ પાસે જઈને રજૂઆતો કરી. ચાલુ ચૂંટણીએ ફંડ ટ્રાન્સફર કર્યું એમાં ચૂંટણીના નિયમનો ભંગ થાય છે એવું યાદ કરાવ્યું, પરંતુ બાજોએ તેમને સ્પષ્ટ કહી દીધું : 'તમે ખોટા વિરોધો ન કરો. રાજા સિંહ કહે-કરે એ ફાઈનલ હોય. અમારે એમાં કશું કહેવાનું રહેતું નથી.'
નોળિયાકુમારે માદાઓના બેંક એકાઉન્ટ્સમાં આર્થિક સહાય આપી તે પછીના દિવસે મતદાન થયું અને માદાઓએ નોળિયાકુમારને જ મત આપ્યાં. એટલું જ નહીં, નરોને પણ દબાણ કરીને નોળિયાની તરફેણમાં વોટિંગ કરાવ્યું. માદાઓના એક જૂથે નારો લગાવ્યો : 'અમારો નેતા કેવો હોય?' બીજા જૂથે વળતો જવાબ આપ્યો : 'નોળિયાકુમાર જેવો નફ્ફટ હોય!'
ને પછી બાજોએ રાજા સિંહના સૂચનથી પરિણામ જાહેર કર્યું, 'નોળિયાકુમાર નફ્ફટ વધુ એક વખત મુખ્યમંત્રી બની ગયા છે!'
પરિણામના દિવસે સિંહ-નોળિયાની જોડીએ ડાન્સ કરીને જીતની ઉજવણી કરી.

