Get The App

કવિતા દિવસની પૂર્વ સંધ્યાએ જંગલના કવિઓનો મુશાયરો

Updated: Mar 20th, 2025

GS TEAM

Google News
Google News
કવિતા દિવસની પૂર્વ સંધ્યાએ જંગલના કવિઓનો મુશાયરો 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- સોશિયલ મીડિયામાં જાહેરાત થઈ : 'જંગલના બેહદ પોપ્યુલર કવિઓ - ઘેટાભાઈ ઘનચક્કર, ઘુવડભાઈ ઘાંટાપાડુ અને કલકલિયાભાઈ કલમઘસુ સહિતના કવિઓની રચનાઓથી રૂબરૂ થવાની અમૂલ્ય તક...'

કવિતા દિવસ એટલે જંગલના કવિઓ માટે વાર્ષિક ઉત્સવ. આ દિવસે એવરેજ કવિઓનેય માઈક મળી રહેતું. એમાંથી વળી ઘણાને તો પુરસ્કાર પણ મળતો. પણ જંગલનો દરેક કવિ એ વાત સારી રીતે જાણતો હતો કે તેમને પુરસ્કાર મળે છે એ કંઈ તેમની કવિતા માટે નથી મળતો. પુરસ્કાર આપનારાઓને ખબર છે કે કવિતાઓ ભલે મૂલ્યવાન નહી હોય, પરંતુ સમય મૂલ્યવાન છે. કવિઓ સમય ખર્ચીને કાર્યક્રમમાં આવે છે એના બદલામાં તેમને પુરસ્કાર મળતો.

સામાન્ય દિવસોમાં સોશિયલ મીડિયામાં કવિતાઓ ફટકારતા કવિઓને આ દિવસે મંચ પરથી કવિતા ફટકારવાની મહામૂલી તક રહેતી - અને આ કંઈ જેવી તેવી તક ન હતી. સોશિયલ મીડિયા યુઝર્સને માત્ર કવિના શબ્દોનો જ અનુભવ થતો. મુશાયરામાં કવિના આખાઆખે વ્યક્તિત્વનો સાક્ષાત્કાર થતો અને એ ભાવકો માટે તદ્ન નવો અનુભવ રહેતો. એક કવિ મંચ પર હાજર હોય ત્યારે એ માત્ર એક કવિ નથી હોતો. તખલ્લુસ, ઝભ્ભો, વધેલી દાઢી, ચબરખી અને વિચિત્ર અરોહ-અવરોહ સાથેનો અવાજ - એમ આખું પેકેજ મંચ પર હાજર હોય છે. પોતાના આખા વ્યક્તિત્વને ઉજાગર કરવાની તક આપતો આ દિવસ જંગલના એકેએક કવિ માટે વિશેષ બની રહેતો.

એવો જ વિશેષ દિવસ આવી પહોંચ્યો. વર્ષે એકાદ વખત જ દેખાતા આયોજકો મેદાનમાં આવી ચૂક્યા હતા. એવા જ એક આયોજક બકુલેશ બળદે કાવ્ય દિવસની પૂર્વસંધ્યાએ ભવ્ય મુશાયરાનું આયોજન કર્યું હતું. આ મુશાયરાની ખાસિયત એ હતી કે બકુલેશ બળદે મહારાજા સિંહના ખાસ ગણાતા ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાની મદદથી પહેલી જ વખત બે જાણીતા કવિઓ -  ઘુવડ ઘાંટાપાડુ અને કલકલિયા કલમઘસુને એક મંચ પર લાવવામાં સફળતા મેળવી હતી. તે ઉપરાંત ઘેટાભાઈ ઘનચક્કર સહિતના ઘણાં ઉભરતા કવિઓ પણ તેમની રચનાઓ રજૂ કરવાના હતા.

કવિતા દિવસની પૂર્વ સંધ્યાએ સંચાલક મિસ ગુલગુલ ગધેડીએ એક શેરથી સંચાલન શરૂ કર્યું:

તમે આવ્યા, તમે આવશો, તમે આવવાના જ.

છૂટકો નથી, તમે જશો ક્યાં, તમે આવવાના જ.

તાળીઓનો ગડગડાટ થયો. તાળીઓ શેર માટે પડી કે મિસ ગુલગુલ ગધેડીના નખરાળા અંદાજ માટે એ કહેવું મુશ્કેલ હતું. મોં પર મેકઅપના થરથી વધુ સોહામણી લાગતી ગુલગુલ ગધેડીને જોવા આવી પહોંચેલા ઉત્સાહી ગધેડાઓના અવાજોથી મુશાયરામાં માહોલ બની ગયો હતો. પ્રારંભમાં ઉભરતા નવોદિત કવિઓએ અછાંદસ અને હલી ગયેલા મીટરમાં ગઝલો પેશ કરી.

જાણીતા કવિઓ મોડા આવે તે જંગલની પરંપરા હતી. પરંપરા જાળવીને બંને કવિઓ - ઘુવડ ઘાંટાપાડુ અને કલકલિયા કલમઘસુએ મોડેથી મંચ પર સ્થાન ગ્રહણ કર્યું. એ બંનેને રજૂ કરતાં પહેલાં ગુલગુલ ગધેડીએ ઘેટાભાઈ ઘનચક્કરને કાવ્યપાઠ માટે આમંત્રણ આપ્યું. આ ઘેટાભાઈ ઘનચક્કરે 'ઉમદા શાયરીઓ' નામે કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કર્યો હતો. ઘેટાભાઈ જાણતા હતા કે જંગલના વિવેચકો ક્યારેક તેમની શાયરીઓના વખાણ કરીને એને ઉમદા નહીં કહે. એટલે તેમણે આત્મનિર્ભર બનીને કાવ્યસંગ્રહનું નામ જ 'ઉમદા શાયરીઓ' રાખી દીધું હતું. એમનો કાવ્યપાઠ પૂરો થયો કે ગુલગુલ ગધેડીએ કહ્યું, '...તો હવે હું અહીં આપની સમક્ષ એક એવા કવિને રજૂ કરવાની ગુસ્તાખી કરી રહી છું, જેમની ઓળખ આપવી એટલે દીવા સામે સૂર્ય ધરવો. તેમણે સૂર્યને જોયો નથી છતાં સૂર્યના પ્રકાશ સાથે મહારાજા સિંહના શાસનની સરખામણી કરીને ઘુવડ સાહિત્યમાં માતબર પ્રદાન આપ્યું છે. જંગલના બેહદ પોપ્યુલર શાયર શ્રીઘુવડભાઈ ઘાંટાપાડુને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને સૌ ભાવકોને રસતરબોળ કરે...'

ઘાંટા પાડીને કાવ્ય પઠન માટે જાણીતા ઘુવડ ઘાંટાપાડુએ હજુ તો પહેલું ઊર્મિ-જોડકણું વાંચવા ઝભ્ભામાંથી ચબરખી બહાર કાઢી ત્યાં જ મોટો ઘાંટો સંભળાયો : 'કવિતા પાઠ માટે પહેલાં મને આમંત્રણ આપો!' 

સૌની નજર અવાજની દિશામાં ચોંટી ગઈ. કલકલિયા કલમઘસુના મોંનો રંગ ગુસ્સામાં રાતો-પીળો થતો હતો. કલકલિયાનું સાહિત્યિક પ્રદાન એ હતું કે તેઓ રાજા સિંહ માટે સરકારી યોજનાઓનાં સૂત્રાત્મક નામો આપીને જાણીતા થયા હતા.

'માફ કરશો! પણ મારા પાંચ કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે!' ઘુવડભાઈ ઘાંટાપાડુએ વળતો ઘાંટો પાડયો.

'સો વોટ?' કલકલિયા કલમઘસુનો તીણો અવાજ ઓડિયન્સમાં ફરી વળ્યો, 'મારું એક સૂત્ર તમારા પાંચ-પાંચ કાવ્યસંગ્રહો કરતાં વધુ ક્રિએટિવ છે. જેમ કે, 'જળમાં નળ..' આ વાક્ય કેટલાય કવિઓ માટે પ્રેરણારૂપ બન્યું છે.'

'એ જે હોય તે. મારી રચનાઓને સાહિત્યના પ્રતિષ્ઠિત પુરસ્કારો મળી ચૂક્યા છે.' ઘુવડ ઘાંટાપાડુએ વળતી દલીલ કરી. 

ઓડિયન્સમાંથી ઘણાં ગધેડાઓ ઊભા થઈને આ ઝઘડાનો વીડિયો બનાવવા માંડયા. સંચાલક ગુલગુલ ગધેડી બંનેને શાંત કરાવવા મથતી હતી.

એ વખતે જ કલકલિયા કલમઘસુએ સૌ વિચારતા થઈ જાય એવી બૌદ્ધિક દલીલ રજૂ કરી : 'દોસ્ત! તમે જ્યારે રચનાઓ લખી ન હતી એ પહેલાં તો મને ઘણી રચનાઓ સ્ફુરી ગઈ હતી. એ રીતેય હું તમારો સીનિયર છું!'

રચના સ્ફુરે ત્યારથી સીનિયોરિટી ગણવી કે રચના લખાય ત્યારથી કે પછી રચનાઓ પ્રસિદ્ધ થાય ત્યારથી? 

મૂંઝવણમાં મૂકાયેલા ભાવકોએ કવિઓને એમના હાલ પર એકલા છોડી દઈને ચાલતી પકડી...