- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- અખિલ જંગલીય મરઘા સંઘે સરકારને રજૂઆત કરી : 'આપનો આ આદેશ અન્યાયી છે, આ નિર્ણયથી મરઘીઓ પર સ્ટ્રેસ વધશે. તેનાથી ઈંડાના બિઝનેસને મોટો ફટકો પડશે...'
'હવેથી મરઘીઓએ ઈંડા આપતી વખતે બે બાબતોનું ધ્યાન રાખવું ફરજિયાત છે. એક, ઈંડા આપ્યાની તારીખ નોંધવી પડશે. બે, ઈંડાની એક્સપાયરી ડેટ લખવી પડશે. નવા નિયમનો ભંગ થશે તો મરઘા સમાજ પર કાયદાકીય કાર્યવાહી થશે. સરકારને વ્યાપક ફરિયાદ મળી છે કે મરઘીઓ ઈંડું મૂકે તેની તારીખ જણાવતી નથી, પરિણામે ઈંડાં ખરીદનારા જંગલવાસીઓને મુશ્કેલી પડે છે.' ઈંડાં ખરીદનારા જંગલવાસીઓની લાંબા ગાળાની માગણીને ધ્યાનમાં રાખીને જંગલની સરકારે આ જાહેરાત કરી.
જંગલની સરકારે આખાય મરઘા સમાજને તાકીદ કરી દીધી એનાથી ઘણા સમાજોમાં ઉત્સાહ જણાતો હતો. કાગડાસમાજના ગુ્રપમાં આ નિર્ણયની તુરંત અસર થઈ. કાગડાસમાજમાં કોઈ મોટી ઉજવણી હોય ત્યારે ઈંડાંની ડિમાન્ડ રહેતી. ઘણા કાગડાઓ તો મરઘાના રહેઠાણોમાં ઘૂસણખોરી કરીનેય ઈંડાનો સ્વાદ ચાખી આવતા હતા. રાજા સિંહના સમર્થક અને સિંહની પાર્ટીના કાર્યકર કાગડાભાઈ કંકાસિયાએ તો તુરંત લખ્યં કે રાજા સિંહને આપણા સૌના સ્વાસ્થ્યની ખૂબ ચિંતા છે, હવે વાસી ઈંડા પધરાવી દેતાં મરઘાઓ પર તવાઈ આવશે. કાગડાના દૂરના સગાં ગ્રેકલ્સમાં પણ મરઘાંના ઈંડાની ઘણી લોકપ્રિયતા હતી. ગ્રેકલ્સ સમાજે સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું.
અમુક કબૂતરો પણ વારે-તહેવારે મરઘાના ઈંડાંનો સ્વાદ માણી લેતા હતા. કબૂતરોએ સરકારના નિર્ણયની પ્રશંસા કરતાં લખ્યું કે તાજી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેનાથી તાજાં ઈંડાંના બિઝનેસને ઉત્તેજન મળશે. ઉંદરો અને નોળિયાઓએ સોશિયલ મિડીયામાં લખ્યું કે જંગલની સરકારે યોગ્ય સમયે આ નિર્ણય લીધો છે. આ આદેશથી ગુણવત્તાસભર ઈંડાં ઉપલબ્ધ બનશે.
પણ મરઘાસમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો. ઈંડાં મૂકવા ઉપરાંત તારીખ યાદ રાખવાનું કામ આવી પડતાં મરઘીઓ ટેન્શનમાં આવી ગઈ. અખિલ જંગલીય મરઘા-કૂકડા સંઘના સેક્રેટરી-કમ-ખજાનચી કૂકડાભાઈ કરબચતિયાએ લેખિતમાં વિરોધ નોંધાવ્યો: 'આ નિર્ણય અન્યાયી છે. મરઘાસમાજનું સંગઠન ટૂંક સમયમાં સરકારને રજૂઆત કરશે.'
કૂકડાભાઈ કરબચતિયા પરંપરાગત રીતે ઈંડાં ઉત્પાદનનો બિઝનેસ કરતા હતા, પરંતુ કર બચાવવાની તેમની ટેકનિક બેનમૂન હતી. વહીવટી કુશળતા જોઈને જ તેમને સમાજના સંગઠનમાં સેક્રેટરી-કમ-ખજાનચી બનાવાયા હતા. સમાજના પ્રમુખ મરઘાભાઈ મધરાતીએ તાકીદની બેઠક બોલાવી. વયોવૃદ્ધ મરઘાભાઈ મધરાતીની એક સમયે શાખ હતી. જંગલવાસીઓને વહેલી સવારે જગાડવા માટે મધરાતથી જ ઉઠી જતા અને ક્યારેય મોડા પડતા નહીં. બેઠકમાં સમાજના ઉપપ્રમુખ અને મરઘીઓનું પ્રતિનિધિત્વ કરતાં મરઘીબહેન મહેનતુ સહિતના સભ્યો હાજર થયાં એટલે ચર્ચા શરૂ થઈ.
'આપણી મરઘીઓ હંમેશા ઊંચી ગુણવત્તાનાં ઈંડાં જ આપે છે તે છતાં સરકારનો આ નિર્ણય આશ્વર્યજનક છે,' મરઘીબહેન મહેનતુ બોલ્યાં.
'આ નિર્ણય રાજકારણથી પ્રેરિત છે. કાગડાઓ કેટલાય સમયથી રજૂઆતો કરતા હતા. તાજાં ઈંડાં ખરીદીને લઈ ગયા પછી પણ વાસી ઈંડાંની ફરિયાદ લઈને પાછા આવતા હતા. કાગડાઓ રાજા સિંહની વોટબેંક છે એટલે આ થયું લાગે છે.'
કૂકડાભાઈ કરબચતિયાએ આક્રોશમાં ઉમેર્યું, 'મેં આટલાં વર્ષોના અનુભવમાં જોયું છે કે ઈંડાંની ક્વોલિટી ક્યારેય નબળી પડી નથી. આપણી માદાઓ ઈંડા સ્વચ્છ જગ્યાએ મૂકે છે. પોષક ખોરાક ખાઈને જ ઈંડા આપે છે. આપણે આવા નિર્ણય સામે હડતાલ કરવી જોઈએ. મરઘીઓ જો ઈંડાં મૂકવાનું બંધ કરશે તો જ આ સરકાર સીધી ચાલશે.'
'મને લાગે છે કે હડતાલ પાડવાને બદલે આપણે રાજા સિંહને મળીને રજૂઆત કરીએ.' મરઘાભાઈ મધરાતી બોલ્યા.
'રાજા સિંહ તો ઈંડાના જ વિરોધી છે. જંગલમાં તેઓ શાકાહારનો આગ્રહ રાખે છે. તેમના ગુરુ બગલાભાઈ શાકભાજી અને ફળો આરોગવાના હિમાયતી હોવાથી રાજા સિંહમાં પણ તેમના વિચારોની અસર જોવા મળે છે. તેમને રજૂઆત કરવાનો કોઈ અર્થ નથી.' સંગઠનના કોઈ વયસ્ક સભ્યએ ઓપિનિયન આપ્યો, પણ બેઠકમાં હોદ્દેદારોએ રજૂઆત કરવાનો વિકલ્પ પસંદ કર્યો એટલે સેક્રેટરી કૂકડાભાઈ કરબચતિયાએ લખેલી અરજી સાથે સૌ રાજા સિંહને મળવા પહોંચી ગયા.
રાજા સિંહે લેખિત રજૂઆત વાંચી:
રાજા સિંહને વંદન!
આજકાલ ઈંડાંની ડિમાન્ડ વધી છે અને વળી અન્ય જંગલોમાં એક્સપોર્ટનો બિઝનેસ પણ વધ્યો હોવાથી મરઘીઓ પર ઈંડાં આપવાનું સખત દબાણ રહે છે. મરઘીઓની બદલાતી લાઈફસ્ટાઈલના કારણે પણ પ્રોડક્શનમાં અસર થઈ રહી છે. પર્ફોર્મન્સ પ્રેશર જેવી હાલતમાં જો ઈંડાં આપ્યાની તારીખ અને ઈંડાંની એક્સપાયરી ડેટ લખવાની થશે તો મરઘીઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધશે. તેની સીધી અસર પ્રોડક્શન પર પડશે. લાંબા ગાળે અમારી વસતિ ઘટવાનું જોખમ પણ આવી પડશે. મહેરબાની કરીને આ નિર્ણય પાછો ખેંચો.
લિ. અખિલ જંગલીય મરઘાં-કૂકડા સંઘના કૂકડેકૂક.
રજૂઆત વાંચીને રાજા સિંહ નવો આદેશ આપવા જતા હતા કે તેમના અંગત સલાહકાર રીંછભાઈ હાંફળા ફાંફળા થતાં આવી પહોંચ્યા. તેમણે રાજા સિંહના કાન પાસે જઈને ધીમેકથી કહ્યું, 'મરઘાસમાજ આવ્યો તેની ખબર પડી કે હું દોડતો આપની પાસે આવ્યો છું. જંગલના જુદા જુદા ભાગોમાં ચૂંટણીઓ યોજી રહેલા બાજસમાજની તાજાં ઈંડાંની ડિમાન્ડ હતી એટલે આ આદેશ આપ્યો હતો. અત્યારે તેમને નારાજ કરવા પોષાય તેમ નથી.'
રીંછભાઈની વાત સાંભળ્યા પછી રાજા સિંહ મોટું બગાસું ખાઈને સભાખંડમાંથી નીકળી ગયા.


