- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- રાજા સિંહના ટેકનોલોજી સલાહકાર ફ્રોગ ફ્રોડે સલાહ આપી : 'બધે એઆઈ સંમેલન યોજવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ખર્ચ થશે, પરંતુ આપણા જંગલમાં એઆઈ સંમેલન ગોઠવો તો તમારી વાહવાહી થશે'
રાજા ગોલ્ડન ઈગલના જંગલમાં કૃત્રિમ બુદ્ધિનો વિકાસ થયો હતો. ત્યાંના સંશોધકોએ તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નામ આપ્યું હતું. આ ટેકનોલોજી સમય જતાં એઆઈના ટૂંકા નામથી ઓળખાઈ. એઆઈથી ફેક ફોટો-વિડીયો બનાવી શકાતા હતા. કોઈના અવાજની નકલ કરી શકાતી હતી. મિનિટોમાં રિસર્ચ થઈ શકતું હતું. ગોલ્ડન ઈગલના જંગલમાં વિકસેલી એઆઈની ટેકનિક રાજા ડ્રેગનના જંગલમાં પણ વિકસવા માંડી હતી. આ બધું જોઈને રાજા સિંહને પણ કૃત્રિમ બુદ્ધિની ટેકનિક વિકસાવવાનો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું, 'મારા રાજમાં આ ટેકનિક વિકસી જશે તો જંગલમાં મારું અમર નામ થઈ જશે.'
તેમની પાસે બીજુંય કારણ હતું - તેમણે વિચાર્યું, 'મારા રાજમાં કુદરતી બુદ્ધિનો ઉપયોગ ઘટયો છે. પરિણામે ભવિષ્યમાં કુદરતી બુદ્ધિનો નાશ થઈ જવાનો છે. જો કૃત્રિમ બુદ્ધિ વિકસી ગઈ હશે તો ભવિષ્યના મારી પાર્ટીના નેતાઓ કુદરતી બુદ્ધિને બદલે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરીને ચૂંટણીઓ જીતી શકશે. એ રાજાઓ મારા નામે યોજનાઓ લાવતા રહેશે અને એ રીતે પણ મારું નામ જંગલમાં ચાલતું રહેશે.'
ત્રીજું કારણ પણ હતું - રાજા સિંહ મનોમન બોલ્યા: 'મારી ઈમેજ કૂલ-ટ્રેન્ડી નેતાની છે. હું સતત કંઈક એવું કરતો રહું છું કે જેના કારણે મારા સમર્થકો સતત મારા ગુણગાન ગાતા રહે છે. મારે તેમને ગુણગાન ગાવા માટે નવું મટિરિયલ આપવું જોઈએ. તેમની પાસે થોડું મટિરિયલ હશે તો એ ઝાઝું સોશિયલ મિડીયામાં ફેરવશે. કંઈક કરવું પડશે.'
રાજા સિંહે તાકીદે તેમના અંગત સલાહકાર રીંછભાઈને મળવા બોલાવ્યા. રીંછભાઈએ આખો મુદ્દો જાણ્યા પછી સલાહ આપી: 'આ કામમાં આપણે ટેકનો-એક્સપર્ટ ફ્રોગ ફ્રોડની સલાહ લેવી જોઈએ.'
ફ્રોગ અને તેની ટીમ ઓનલાઈન છેતરપિંડીનું કામ કરતી હતી અને એમાંથી થતી કમાણીનો હિસ્સો રાજા સિંહની પાર્ટીને ફંડ રૂપે મળતો હતો. એટલું જ નહીં, ફ્રોગ ફ્રોડ છેલ્લાં ઘણા સમયથી રાજા સિંહ માટે વિપક્ષના નેતાઓના ડીપફેક ફોટો-વીડિયો અને ઓડિયો બનાવી આપતો હતો. રાજા સિંહે તેની નિમણૂક ટેકનો સલાહકાર તરીકે કરી હતી. રીંછની સલાહ માનીને રાજા સિંહે ફ્રોગ ફ્રોડને મળવા બોલાવ્યો.
ફ્રોગ ફ્રોડે બધી વાત સાંભળીને ટૂંકમાં જવાબ આપ્યો : 'જે રીતે હું એઆઈ ટેકનોલોજીના ટ્રેન્ડને જાણું છું અને ફોલો કરું છે એના પરથી એટલું કહીશ કે એઆઈ સંમેલન યોજવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ખર્ચ થશે, પરંતુ મારી સલાહ છે કે જંગલમાં એઆઈ સંમેલન ગોઠવો. તેમાં વિદેશી જંગલોમાંથી નિષ્ણાતોને બોલાવો. તમારી વાહવાહી થશે અને જંગલમાં એઆઈ ટેકનોલોજીનો માહોલ બનશે. આપણે તેની પ્રથમ સંમેલન એવા નામે પબ્લિસિટી કરીશું.'
'પણ એઆઈ ટેકનોલોજી વિકસાવવામાં તો વર્ષો લાગી જશે. ઈગલના જંગલમાં તો કેટલાય સમયથી સંશોધનો થતાં હતાં.' રીંછભાઈએ આંખ ઝીણી કરીને કહ્યું.
'આપણે વિદેશી ટેકનિકથી આપણા જંગલની ટેકનિક વિકસાવીશું અને...' ફ્રોગ ફ્રોડ વાત પૂરી તે પહેલાં જ રાજા સિંહ તેની આખી વાત સમજી ગયા. તેમણે ઉત્સાહથી કહ્યું, 'તુરંત એઆઈ સંમેલન ગોઠવો!'
રાજા સિંહના આદેશથી તાકીદે જંગલમાં એઆઈ સંમેલન ગોઠવાઈ ગયું. ગુલામદાસ ગધેડાની 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'થી લઈને પપ્પુ પોપટની 'પકોડા એન્ડ ભજિયા ઈન્ડસ્ટ્રી' સુધીની કંપનીઓએ ગણતરીના દિવસોમાં નવી એઆઈ કંપની બનાવીને સંમેલનમાં એઆઈ ટેકનિકનું પ્રદર્શન ગોઠવ્યું. જેમની પાસે ફંડ ન હતું એવી કંપનીઓને જંગલની સરકારે લોન આપી. ચક્રધર ચકલાના સ્ટાર્ટઅપ 'કલા ઓફ ચકલા'એ તો એઆઈ ડોગનું પ્રદર્શન કરીને વાહવાહી મેળવી લીધી. તેના ડોગને જંગલના સોશિયલ મિડીયામાં ભારે પબ્લિસિટી મળી.
નક્કી થયેલા દિવસે ભાષણ આપતા રાજા સિંહે કહ્યું, 'દોસ્તો! એઆઈથી નોકરીઓનો ભોગ લેવાશે, પરંતુ તમે ડરો નહીં. તમે સોશિયલ મિડીયામાં એઆઈનો ઉપયોગ કરો. જો તમે બેરોજગાર બની જશો તો નોકરી મેળવવામાં પણ એઆઈ ટૂલ્સ તમને મદદ કરશે. આપણે વિદેશી જંગલો સાથે તાલ મિલાવીને સ્વજંગલી એઆઈ ટેકનોલોજી વિકસાવી છે.' આવું કેટલુંય બોલ્યા પછી રાજા સિંહે તેમના આગવા અંદાજમાં સૂત્ર આપ્યું : 'વિકસિત સંકલ્પ, વિકસિત એઆઈ.'
ચારેબાજુ એઆઈ સંમેલનની વાહવાહી થઈ ગઈ. ફ્રોગ ફ્રોડે સોશિયલ મિડીયામાં રાજા સિંહના વીડિયો અને રીલ્સ દેખાય એવી કરામત કરી દીધી એટલે રાજા સિંહ તો આખાય જંગલમાં છવાઈ ગયા. ચારેબાજુ થઈ રહેલી વાહવાહીથી રાજા સિંહ ખુશ હતા.
ત્યાં વિપક્ષના નેતા સસલાભાઈએ ધડાકો કરતી પોસ્ટ મૂકી : 'ચક્રધર ચકલાએ જે એઆઈ ડોગનું પ્રદર્શન કર્યું એ તો રાજા ડ્રેગનના જંગલથી લવાયેલો છે. રાજા સિંહની સ્વજંગલી એઆઈ ટેકનોલોજીમાં બધી પ્રોડક્ટ રાજા ઈગલના જંગલની છે.'
રાજા સિંહ વતી બચાવમાં કહેવાયું, 'વિદેશી જંગલોથી પ્રેરિત થઈને જંગલના સંશોધકોએ જે ટેકનિક વિકસાવી છે તેની સિદ્ધિ સસલાભાઈ જોઈ શકતા નથી એટલે આવા ઓરોપ લગાવે છે.'
તેના જવાબમાં સસલાભાઈએ લખ્યું : 'રાજા સિંહના રાજમાં કુદરતી બુદ્ધિનો વપરાશ ઘટયો હોવાથી કૃત્રિમ બુદ્ધિની જરૂર પડી!'
આ બધું જોઈને રાજા સિંહે સલાહકાર રીંછને બોલાવીને કહ્યું, 'હું પ્રવાસમાં જાઉં છું. તમે બધા થોડા દિવસ સંભાળી લેજો!'


