Get The App

રાજા સિંહ 'સેવા સપ્તાહ'ની જેમ 'મેવા સપ્તાહ' ઉજવે : વિપક્ષના નેતા સસલાભાઈ

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
રાજા સિંહ 'સેવા સપ્તાહ'ની જેમ 'મેવા સપ્તાહ' ઉજવે : વિપક્ષના નેતા સસલાભાઈ 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- મહારાજા સિંહે સૌ સમર્થકોને સેવા સપ્તાહ ઉજવવાનું આહ્વાન કર્યું. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ સેવા સપ્તાહની જવાબદારી લીધી...

જંગલમાં ઉત્સાહ અને ઉલ્લાસનો માહોેલ હતો. સિંહના સમર્થકો ભારે આનંદમાં જણાતા હતા. ફટાકડા ફોડીને ઉજવણી કરતા હતા. જંગલના રસ્તાઓ રોશનીથી શણગારાયા હતા. આસોપાલવનાં વૃક્ષો બુઠ્ઠાં થઈ ગયાં હતાં, કારણ કે સિંહના સમર્થકોએ આસોપાલવના વૃક્ષોમાંથી પાંદડા તોડીને એનાં તોરણ બનાવ્યા હતા અને જંગલમાં ઠેર-ઠેર આસોપાલવનાં તોરણો લટકાવી દેવાયાં હતાં.

સિંહ સમર્થકોમાં આટલા ઉત્સાહનું કારણ હતું - મહારાજા સિંહનો જન્મદિવસ. રાજા સિંહે તેમના જન્મદિવસે સૌ સમર્થકોને આહ્વાન કર્યું કે આપ સૌ જો ખરેખર મારો જન્મદિવસ ઉજવવા ઈચ્છતા હો તો એક દિવસ નહીં આખું સપ્તાહ સેવા કરો. સિંહે એને નામ આપ્યું - સેવા સપ્તાહ. તેમની આ વિનંતી પછી જંગલમાં સેવા સપ્તાહ ઉજવવાનું નક્કી થયું, એની આગેવાની લીધી ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ.

ઘેટાભાઈ ઘાસફૂસિયા સિંહની પાર્ટીના કાર્યકર હતા અને રાજા સિંહના તો ભક્ત જ હતા. તેમને સિંહ માટે પૂજ્યભાવ હતો. અગાઉ પણ રાજા સિંહે જેટલા જેટલાં આહ્વાનો આપ્યા હતા એ બધામાં ઘેટાભાઈ ભાગ લઈ ચૂક્યા હતા. ઘેટાભાઈએ સેવા સપ્તાહની ઉજવણી માટે રૂપરેખા તૈયાર કરી. આમ તો ઘેટાભાઈનું આખું જીવન જ સિંહની સેવામાં વીતી રહ્યું હતું. સવાર પડે ત્યારથી જ તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ જતા. રાજા સિંહના સમર્થનમાં પોસ્ટ લખતા. પછી સિંહના ફોટો સાથે એ પોસ્ટ થાય એટલાને ફોરવર્ડ કરતા ને એ પછી જ સવારનો ચા-નાસ્તો થતો. બપોરે ઘાસ આરોગતા પહેલાંય રાજા સિંહનાં કાર્યોનો પ્રચાર કરતા. પછી પાર્ટીના નાના-મોટા કાર્યક્રમોમાં કોઈ હાજર રહે કે ન રહે, કોઈ આમંત્રણ આપે કે ન આપે, ઘેટાભાઈ ઘાસફૂસિયા અચૂક હાજર રહેતા અને પછી એનીય સોશિયલ મીડિયા પોસ્ટ મૂકતા.

આવા આ અઠંગ સિંહભક્ત ઘેટાભાઈએ સેવા સપ્તાહના ભાગરૂપે નક્કી કર્યું કે ઓવરટાઈમ કરીનેય સિંહની સેવા કરવી ને અન્ય કાર્યકરો પાસે કરાવવી. સિંહના જન્મદિવસની ઉજવણી એક દિવસ પૂરતી સીમિત ન રહેવી જોઈએ. દરરોજ જંગલમાં આતશબાજી થવી જોઈએ, દરરોજ આસોપાલવનાં તોરણો બંધાવા જોઈએ એમ વિચારીને ઘેટાભાઈએ બધા કાર્યકરોને કામ સોંપી દીધું. વરુભાઈ વિસ્તારક અગાઉ સિંહ માટે ડોર-ટુ-ડોર પ્રચાર કરી ચૂક્યા હતા. જંગલમાં શણગાર થાય તે માટે ઘેટાએ વરુભાઈની મદદ લીધી. કાગડાભાઈ કંકાસિયાએ હવાઈ માર્ગે દૂરના વિસ્તારોમાં પ્રચારની કમાન સંભાળી. હોલો હઠીલો પોતાને બૌદ્ધિક માનતો હતો એટલે એ બધા કરે એવો સીધોસાદો પ્રચાર ન કરતો, પરંતુ પોતાને આવડે એવા તર્કો લગાવીને લાંબા લેખો લખતો. એમાં વાંચનારને લાગતું કે વાત તો એકદમ તર્કબદ્ધ છે, પરંતુ ખરેખર હોલો હઠીલો એમાં ચાલાકી વાપરતો. કાયમ એક તરફના તર્કો રજૂ કરીને વાહવાહી મેળવતો. ઘેટાની વિનંતી પછી હોલાએ સેવા સપ્તાહ દરમિયાન સિંહની તરફેણમાં સિંહના શાસનનું તર્કબદ્ધ વિશ્લેષણ કરવાનું માન્ય રાખ્યું.

સેવા સપ્તાહની કવિતાઓ લખવાની જવાબદારી જંગલના જાણીતા કવિ શ્રી ઘુવડ ઘાંટાપાડુએ લીધી. ઘુવડ ઘાંટાપાડુએ સૂર્યને જોયો ન હોવા છતાં સૂર્ય પર કવિતાઓ કરી હોવાથી ઘુવડ સાહિત્યમાં એનું મોટું નામ હતું. ઘાંટા પાડીને કાવ્યપાઠ કરવાની તેની આવડત હોવાથી ઘાંટાપાડુ ઉપનામથી ઘુવડ ફેમસ થયો હતો. તેણે રાજા સિંહના જન્મદિવસને લઈને અછાંદસ કવિતાઓ લખી આપી, જે સેવા સપ્તાહ દરમિયાન સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની જવાબદારી ઘેટાભાઈ ઘાસફૂસિયાની હતી.

આટલી તૈયારી સાથે જંગલમાં સેવા સપ્તાહનું સેલિબ્રેશન શરૂ થયું. હેશટેગ સેવા સપ્તાહ સાથે સેંકડો સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સિંહ સમર્થકોએ માહોલ બનાવી દીધો. 'સાદગીથી ઉજવણી'ની વિનંતી કરનારા રાજા સિંહને આ બધો તામજામ ગમ્યો હતો. એક દિવસને બદલે આખાય સપ્તાહ સુધી જન્મદિવસ ઉજવાશે તે વાતથી રાજા સિંહ ખૂબ પ્રસન્ન હતા

આવા માહોલમાં એન્ટ્રી થઈ વિપક્ષના નેતા સસલાભાઈની. સસલાભાઈએ એક વિડીયો રિલીઝ કરીને કહ્યું, 'રાજા સિંહે સેવા સપ્તાહનું આહ્વાન કર્યું તે બરાબર, પણ આમાં જંગલવાસીઓની તો કોઈ સેવા થતી નથી. રાજા સિંહ તો સેવા કરવાના બહાને જ સત્તામાં આવ્યા હતા, શું હવે તેઓ એક સપ્તાહ સેવાનું કહીને બાકીના સમય માટે જવાબદારી ખંખેરી રહ્યા છે? હું રાજા સિંહને પૂછવા માગું છું કે તેમના માટે સેવા સપ્તાહ ઉજવતા તેમના સમર્થકોને મેવો કેમ નથી મળતો? જંગલવાસીઓને કેમ મેવો નથી મળતો? સેવા સપ્તાહની જેમ મેવા સપ્તાહ પણ ઉજવો!'

સસલાભાઈની ટીપ્પણી પછી જંગલમાં માર્ગ અને પરિવહનની જવાબદારી સંભાળતા હાથીભાઈ હરખપદૂડાએ નિવેદન આપ્યું : 'સસલાભાઈની વાત સદંતર વાહિયાત છે. કાર્યકરોને મેવા પણ મળે જ છે.'

આ નિવેદનથી તો કાર્યકરો પણ આશ્વર્ય પામ્યા, કારણ કે કોઈ કાર્યકર સુધી મેવો પહોંચ્યો ન હતો. જંગલવાસીઓને મેવા આપવાની સસલાભાઈની વાતમાં સમર્થનમાં વિપક્ષના નેતાઓ નિવેદનો આપી રહ્યા હતા.

આ બધું રાજા સિંહ 'જંગલ ન્યૂઝ'ના લાઈવ રિપોર્ટમાં જોઈ રહ્યા હતા ત્યાં જ તેમના અંગત સલાહકાર રીંછભાઈ મોટી ફાઈલ લઈને દાખલ થયા ને બોલ્યા : 'રાજાજી! આમાં આપની સાઈન કરવાની છે.'

સિંહે ફાઈલ જોઈ ને તુરંત સહી કરી આપી. એ સાથે જ જંગલના મેવાનો જથ્થો ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાના ગોડાઉનમાં પહોંચાડવા માટેની પ્રોસેસ શરૂ થઈ હતી.