Get The App

તેતર તલાટીએ વ્યૂહ ગોઠવીને કૂતરાં પકડવાની કામગીરીમાંથી રાહત મેળવી

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
તેતર તલાટીએ વ્યૂહ ગોઠવીને કૂતરાં પકડવાની કામગીરીમાંથી રાહત મેળવી 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- રખડતાં કૂતરાં કંઈ તેતરને ગાંઠે નહીં. તેતર લડવા જાય તો પહોંચી વળે નહીં. જજમગર માથાભારેના આદેશથી તેતર તલાટી ગુસ્સાથી લાલચોળ થઈ ગયો

જંગલની સરકારોમાં વિવિધ સ્તરે અધિકારીઓ કામ કરતા હોય છે. સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાના માથે જંગલની, જંગલના નેતાઓની સુરક્ષાની જવાબદારી છે. મગર માથાભારે જંગલમાં વહીવટી અધિકારી છે. એ જ રીતે તેતરકુમાર જંગલમાં તલાટી હતા. જંગલમાં નાના-નાના વિસ્તારોમાં વહીવટની જવાબદારી તલાટીની રહેતી.

તબેલા-ગમાણ વગેરેના દાખલા કાઢી આપવાનું કામ પણ તેતર તલાટીનું હતું. પક્ષીઓના માળા બાંધી આપવા માટે સરકારી સહાય મળે એની સંપૂર્ણ જવાબદારી તેતર તલાટીની હતી. જગ્યા ખાલી પડી હોય ને એમાં કોઈ પ્રાણી-પંખીને પ્લોટ આપવાનો હોય તો એ કામ તેતર તલાટીના કહેવાથી થતું. તેતર તલાટી ઘણી વખત કીડીઓનું સંઘરેલું અનાજ લઈને એના બદલામાં કીડીઓને દર બનાવવા માટે નાની-મોટી જગ્યા ફાળવી દેતો. એના પરથી તો પછી 'કીડી સંઘરે ને તેતર ખાય' એવી કહેવત પણ પડી ગઈ હતી, કારણ કે કીડીઓ વર્ષભર દાણો-દાણો કરીને સંઘરતી ને વરસાદ પડે ત્યારે બચવા માટે તલાટી પાસે નાની જગ્યાની માગણી કરતી. એના બદલામાં બધું જ અનાજ તેતરને આપી દેવું પડતું.

કીડીઓ એવો કકળાટ પણ કરતી કે તેતર પાસે કામ કઢાવવું હોય તો સંઘરેલું બધું અનાજ આપી દેવું પડે. ઘણાં પક્ષીઓ પણ આક્રોશ ઠાલવતાં કે સરકારી સહાયના માળા મંજૂર કરવાના બદલામાં તેતર તલાટી એનો હિસ્સો અલગથી માંગે છે. આ બધાના કારણે તેતરની ઈમેજ ખરડાઈ હતી. જોકે, આવી ફરિયાદો વચ્ચે પણ તેતર તલાટી ખૂબ સારી રીતે કામ કરતો હતો ને સારી એવી કમાણી કરીને ઉપર સુધી પહોંચાડતો હતો.

જંગલમાં સરકારી કામકાજ એક ખાસ પદ્ધતિ પ્રમાણે થતું. વહીવટી અધિકારી મગર માથાભારે કામની વહેચણી જ એવી રીતે કરતો કે જે કર્મચારીઓને સરકારમાં જે કામ માટે ભરતી થઈ હોય એ કામ સિવાયના બધા કામ ધીમે ધીમે આવડી જાય. એક જ કર્મચારી પાસે એકથી વધુ કામ આપીને એનો પગાર વસૂલી લેવો - એવી મૂળ તો રાજા સિંહની પૉલિસી હતી. રાજા સિંહના શાસનમાં સરકારી કર્મચારીઓને કેટકેટલાંય કામોમાં કુશળ થવું પડયું હતું. રાજા સિંહે તો એટલી મોટી ક્રાંતિ કરી હતી કે જંગલની સરકારના કર્મચારીઓને તેમની સભામાં પણ હાજર રાખતા હતા. ઘણાં એને રાજા સિંહની આવડત ગણતા, તો ઘણાં એને સરકારી કર્મચારીઓની આવડતનો દુરુપયોગ કહેતા. મગર માથાભારે રાજા સિંહની પૉલિસી પ્રમાણે સરકારી કર્મચારીઓને નિચોવી નાખવા પેંતરા ગોઠવતો. જંગલના સરકારી કર્મચારીઓ પણ આ બધું સમજતા હતા એટલે તેમણે પણ વળતી પૉલિસી અમલી બનાવી હતી : 'કામ ગમે એટલું આવે, થાય એ રીતે જ થશે. નિચોવાઈ જઈશું નહીં.'

તો આવા માહોલમાં મગર માથાભારેને 'ઉપરથી' આદેશ આવ્યો- 'રખડતા, માથાભારે કૂતરાં ફાટીને ધુમાડે ગયા છે. રાજા સિંહને પણ ગાંઠતા નથી. જંગલના બધા જ વિસ્તારોમાંથી આવા કૂતરાંઓને પકડીને સીધા કરો!' 

આમ તો કૂતરાઓ રાજા સિંહની મજબૂત વોટબેંક ગણાતા હતા ને રાજા સિંહ વફાદારી માટે કૂતરાઓનાં ઉદાહરણો આપતા હતા, પરંતુ છેલ્લા થોડા સમયથી કૂતરાઓને ત્રાસ વધ્યો હતો તેના કારણે જંગલના અન્ય સમાજો નારાજ થતા હતા. બીજા સમાજોની વોટબેંક કૂતરાઓના કારણે તૂટે એવું રાજા સિંહ બિલકુલ ઈચ્છતા ન હતા એટલે તેમણે રખડું ને માથાભારે કૂતરાઓને પકડવાનો નિર્ણય કર્યો હતો. એ કામ મગર પર આવ્યું હતું.

મગર માથાભારે કુશળ વહીવટી અધિકારી એટલે જ હતો કે તેને કામની આડેધડ વહેંચણી કરવાની ગજબ ફાવટ હતી. તેણે મતદાર સુધારણાનું એક્સ્ટ્રા કામ સારસ શિક્ષકને સોંપી દીધું હતું. હવે આ નવું આવ્યું તો કોને સોંપવું? એને દિમાગમાં તરત તેતર તલાટીના નામનો ઝબકારો થયો. એણે તેતરના નામે આદેશ લખી આપ્યો: 'પ્રિય તેતર તલાટી! તારે તારા વિસ્તારના રખડતા, માથાફરેલાં કૂતરાઓને પકડવાની કામગીરી કરવાની રહેશે.'

રખડતાં કૂતરાઓ કંઈ તેતરને ગાંઠે નહીં. તેતર લડવા જાય તો પહોંચી વળે નહીં. મગર માથાભારેનો પત્ર વાંચીને તેતર તલાટી ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેણે વળતા પત્રમાં ગર્ભિત ધમકી આપતાં રોકડું પરખાવ્યું : 'નેતાઓએ દબાવી લીધેલી જમીનનું સર્વેક્ષણ ચાલી રહ્યું છે. એ કામ પૂરું થાય પછી ચોક્કસ કૂતરાંઓના મુદ્દે ધ્યાન આપીશ.' મગરે તેતરનો પત્ર વાંચ્યો કે તરત જ એનો અર્થ એ સમજી ગયો. 'નેતાઓએ દબાવી લીધેલી જમીનનું સર્વેક્ષણ' ખરેખર તેતર તલાટી કરે તો રાજા સિંહની પાર્ટીના કેટલાય નેતાઓના નામ નીકળે અને 'જંગલ ન્યૂઝ'માં એ બધા નામ ઉછળે તો રાજા સિંહની ઈમેજનું ધોવાણ થાય.

તેતર તલાટીએ કેટલાય નેતાઓ સાથે મળીને જમીનોનાં મિશનો પાર પાડયા હતા એ મગરને ખબર હતી. તેણે તેતરને વળતો પત્ર લખ્યો : 'પ્રિય તેતર! તારે રખડતાં કૂતરાં પકડવાની કામગીરી કરવાની નથી. માત્ર રખડતાં કૂતરાંઓ પર નજર રાખવાની છે. જ્યારે જંગલની સરકાર એવાં કૂતરાંઓનો ડેટા મંગાવે ત્યારે આપવાનો છે. તું ચિંતા કર્યા વગર વહીવટી કાર્યોમાં ધ્યાન આપ!'

પત્ર વાંચીને તેતર તલાટીએ રાહતનો શ્વાસ લીધો. પોતાના વ્યૂહ પર હરખાતો તેતર સરકારી માળા યોજનાના હપ્તા મેળવનારા લાભાર્થીઓને ત્યાં 'ચા-પાણી' કરવા નીકળી પડયો...