For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જંગલમાં જન્માષ્ટમીની ઉજવણી : ઘુવડોની ટોળકી જુગાર રમતા ઝડપાઈ

Updated: Aug 18th, 2022

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ટ્વિટર-ફેસબુક-ઈન્સ્ટાગ્રામમાં ઈંજન્માષ્ટમીથી અસંખ્ય પોસ્ટ થવા લાગી હતી. ઘુવડભાઈ ઘંટાલે પણ ટ્વીટ કર્યું: 'લેટ્સ પ્લે ગેમ! કમ એટ માય પ્લેસ. 

- ઈંજન્માષ્ટમી'. જંગલની સરકારના સુરક્ષા અધિકારી બબ્બનભાઈ બિલાડાએ  બે-ચાર વખત ટ્વીટ વાંચી, એમાં રહેલો ગુપ્ત મેસેજ ઉકેલ્યો અને તુરંત સક્રિય થયા...

જન્માષ્ટમીનો તહેવાર હોવાથી જંગલમાં રજાનો માહોલ હતો. જન્માષ્ટમી સહિતના તહેવારોમાં જંગલવાસીઓની ત્રણ પ્રકારની પેટર્ન જોવા મળતી. થોડાક જંગલવાસીઓ ધાર્મિક તહેવારને 'ધાર્મિક તહેવાર'ની જેમ જ પરંપરાગત રીતે ઉજવતા. દેવદર્શન અને ઉપવાસ-એકટાણાં કરતા આવા જંગલવાસીઓથી જંગલના મંદિરો ઉભરાઈ જતાં. ઉપવાસ-એકટાણાને કારણે ફળાહારની ડિમાન્ડ પણ વધી જતી. મંદિરોમાં દર્શન કર્યા પછીના સમયે આવા જંગલવાસીઓ સોશિયલ મીડિયામાં ખાસ સ્ટેટસ અપડેટ કરીને ધાર્મિક ભાવનાને જાહેર કરતા. અને એમ સંપૂર્ણ ધાર્મિક માહોલમાં તેમનો તહેવાર પૂરો થતો.

થોડાંક જંગલવાસીઓ ધાર્મિક તહેવારની રજાઓનો લાભ લઈને ફેમિલી સાથે ફરવા ઉપડી જતાં. પક્ષીઓને ટ્રાવેલિંગની ચિંતા નહોતી. પ્રાઈવેટ પાંખોની વ્યવસ્થા હોવાથી એ ગમે ત્યારે ટ્રાવેલિંગમાં ઉપડી શકતાં. પ્રાણીઓને બૂકિંગની પળોજણમાં પડવું પડતું. તહેવારોમાં પરિવહન મોંઘું થયું હોવા છતાંય ફરવાલાયક સ્થળોએ આ જંગલવાસીઓ ઉમટી પડતા. ફરવાલાયક સ્થળોએ સારી એવી માત્રામાં કચરો ઠાલવીને આ પ્રકારના જંગલવાસીઓ ગંદકીમાં યથાયોગ્ય યોગદાન આપતા. ખાણી-પીણીનાં સ્થળોએ પણ આ ટ્રાવેલર્સના કારણે સારી એવી ભીડ અને અરાજકતા સર્જાતી. આ પ્રકારના જંગલવાસીઓ માટે તહેવાર એટલે ફરવાલાયક સ્થળો જોવાનું વેકેશન.

ત્રીજા પ્રકારના જંગલવાસીઓ આ બંનેથી અલગ હતા. મંદિરોમાં શ્રદ્ધાળુ જંગલવાસીઓ ઉમટી પડતા હોવાથી ત્રીજા પ્રકારના જંગલવાસીઓ મંદિરોમાં તહેવાર દરમિયાન જવાનું ટાળતા. વળી, ફરવાલાયક સ્થળોએ બીજા પ્રકારના 'સાહસી' જંગલવાસીઓ જઈ ચડતા હોવાથી ત્યાંની ભીડમાં જવાનું પણ તેમને પસંદ પડતું નહીં. એમાં વળી બે પેટા પ્રકારો પડતા: થોડાંક ક્યાંય જવાને બદલે ઘરમાં રહેતા. શ્રીકૃષ્ણ ભગવાનના સ્ટેટસો મૂકતા. બે દિવસ ઘરે રહીને જ કૃષ્ણભક્તિમાં તરબોળ થઈ જતા. આખા વર્ષ દરમિયાન ભાગ્યે જ સાંભળ્યા હોય એવા કથાકારોની કૃષ્ણકથાના અંશો સાંભળતા. કૃષ્ણગીતો સાંભળીને ભક્તિનું પ્રદર્શન કરતા. શ્રીકૃષ્ણ મંદિરોની આરતીઓ લાઈવ જોતા... અને એમ જન્માષ્ટમીની ઉજવણીમાં તેમનું યોગદાન આપતા. ત્રીજા પ્રકારમાં બીજો પેટા વિભાગ પડતો એ થોડો અલગ હતો. આવા જંગલવાસીઓ ધનવાન બનવા માટે રજાઓની એક-એક મિનિટનો બરાબર ઉપયોગ કરતા અને જુગાર રમીને ધનના જથ્થામાં વધઘટ કરતા.

આવા પ્રકારના જંગલવાસીઓમાં ઘુવડભાઈ ઘંટાલની ગણતરી થતી હતી. વિશિષ્ટ પ્રકારના લીંબુંના ઝાડ 'ઘંટાલી' પર રહેતા હોવાથી ઘુવડભાઈને ઘંટાલની ઓળખ મળી હતી. સોશિયલ મીડિયામાં દરેક બાબતની જાહેરાત ન કરે ત્યાં સુધી એને ચેન પડતું નહીં. પોતાને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગણાવતા ઘુવડભાઈ ઘંટાલ દિવસે સૂઈ રહેતા અને રાતે સોશિયલ મીડિયામાં એક્ટિવ  થઈ જતા. સરખી છીંક ખાધી હોય તો એનુંય અપડેટ ચાહકોને આપતા ઘુવડભાઈએ જન્માષ્ટમીના દિવસે ટ્વીટ કર્યું: 'લેટ્સ પ્લે ગેમ! કમ એટ માય પ્લેસ'. 

જંગલના સુરક્ષા અધિકારી બબ્બનભાઈ બિલાડાની શંકાશીલ નજર એના પર પડી. ઘુવડભાઈની ટ્વીટમાં તેમના દોસ્તોએ રિટ્વીટ કર્યું. એ બધું જોયા પછી પહેલી નજરે બબ્બનભાઈને લાગ્યું કે સાદી મોબાઈલ વીડિયો ગેમ્સ રમવાની વાતો થતી લાગે છે, પરંતુ છેલ્લે છેલ્લે બબ્બનભાઈની નજર આંખ મિચકારેલા ઈમોજી પર પડી ગઈ. બબ્બનભાઈ બિલાડાને તરત જ 'પ્લે' શબ્દનો અર્થ બરાબર સમજાઈ ગયો. શ્રાવણ મહિનો અને એમાંય જન્માષ્મી, નક્કી આ જુગારની વાત થાય છે એ સમજ્યા પછી બબ્બનભાઈએ સાદા ડ્રેસમાં રેડ પાડવાનું નક્કી કર્યું.

ઘુવડભાઈ ઘંટાલના બધા જ સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસ્યા. એડ્રેસ તો એમાંથી જ મળી ગયું. બબ્બનભાઈ બિલાડા જંગલી બિલાડાના વેશમાં એ વિસ્તારમાં પહોંચી ગયા. રાત થઈ કે એક પછી એક પ્લેયર્સ આવી ગયા. રમત ચાલુ થઈ. ઘુવડોની ટોળકીને જુગાર રમતા રંગેહાથ પકડીને બબ્બનભાઈ બિલાડા મહારાજા સિંહની વાહવાહી મેળવવા માગતા હતા. સાથે સાથે ખર્ચાપાણીની વ્યવસ્થાની પેરવીમાં પણ હતા. ઉતાવળે રેડ પાડે તો પ્લેયર્સ પાસેથી પૂરતું ફંડ મળે નહીં. લાંબું વિચારીને બબ્બનભાઈ બિલાડાએ ખેલનો રંગ જામવા દીધો. યોગ્ય મોકો જોઈને બબ્બનભાઈએ બધાને રંગેહાથ ઝડપી લીધા. એમાં ઘુવડસમાજના પ્રમુખ ઘુટનભાઈ ઘુવડનો નબીરો પણ હતો. 'સમજૂતી'ના ભાગરૂપે એને છોડી દીધો. મુદ્દામાલમાંથી બબ્બનભાઈએ થોડોક સત્તાવાર ચોપડે બતાવ્યો અને બાકીનો પોતાની પાસે રાખ્યો. આમેય સુરક્ષા વિભાગના અધિકારીઓમાં મુદ્દામાલ ઓછો બતાવવાની પરંપરા જૂની હતી.

હજુ બધો માલ સજેવગે થાય ત્યાં તો મહારાજા સિંહની ઓફિસમાંથી ફોન આવ્યો. સામેથી અજાણ્યો અવાજ સંભળાયો: 'સા'બ બાત કરેગેં!' પછી ખુદ મહારાજા સિંહ ફોનમાં હાજર થયા: 'તને ભાન-બાન પડે છે કે નહીં? ઘુવડભાઈ ઘંટાલ સોશિયલ મીડિયા ઈન્ફ્યુએન્સર છે. મારી પાર્ટીની બધી જ સોશિયલ મીડિયા પોસ્ટ રાત રાતભર જાગીને લખે છે અને પોસ્ટ પણ કરે છે. એને છોડીને તુરંત અહીં આવ!'

'જી... જી... જી..' બોલતા બોલતા બબ્બનભાઈ બિલાડાએ નીચી મૂંડીએ ચાલતી પકડી...

Gujarat