જંગલમાં ચૂંટણી : મહારાજા સિંહનું મહાસંમેલન


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- મહાસંમેલનમાં મહારાજા સિંહ અને રીંછભાઈની ધારણા બહાર એવા અણધાર્યા મહેમાનો આવી પડયા કે આખો માહોલ પળભરમાં બદલાઈ ગયો

'મહાસંમેલનનું શું છે?' મહારાજા સિંહે પોતાના અંગત સલાહકાર અને જંગલમાં વ્યૂહરચનાકારની ઈમેજ ધરાવતા રીંછભાઈને બોલાવીને ચૂંટણીને લગતી ચર્ચા કરી.

'તમે આદેશ આપો એ દિવસે બધા સમાજોના પ્રમુખોને બોલાવી લઈએ,' રીંછભાઈએ કમરેથી વળીને મહારાજા સિંહને સલામ કર્યાં.

'આ કાચબો બધા સાથે બેઠકો કરી રહ્યો છે એટલે....' મહારાજા સિંહે 'જંગલ ન્યૂઝ'માં મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાના એક લાઈવ કાર્યક્રમને જોતાં જોતાં ચિંતા વ્યક્ત કરીઃ 'ક્યાંક આ સમાજોના પ્રમુખો એનું મન તો બદલી નહીં નાખેને?'

'હા હા હા....' રીંછભાઈ તેના અનોખા અંદાજમાં ખડખડાટ હસી પડતા બોલ્યાઃ 'રાજાજી... સમાજોના પ્રમુખો મન બદલી નાખશે તો હું સમાજોના પ્રમુખો જ નહીં બદલી નાખું!'

'બસ, તારો આ અંદાજ જ મને ગમે છે. ચૂંટણી જીતવા માટે તું કંઈ પણ કરી છૂટે છે. એના કારણે જ મેં તને અંગત સલાહકાર બનાવ્યો છે.' મહારાજા સિંહે બગાસું ખાઈને મોબાઈલ હાથમાં લઈને વિપક્ષના નેતા સસલાભાઈનો વીડિયો જોઈને આગળ ચલાવ્યુંઃ '...ને આ સસલો પણ આજકાલ જંગલની યાત્રાએ નીકળ્યો છે. એ જંગલવાસીઓને મળીને ફોટા મૂકી રહ્યો છે. એવું હું કરું?'

'તમે મહારાજા છો. તમને આવું બધું ન શોભે,' રીંછભાઈએ ખુશામત કરતા કહ્યુંઃ 'આ બધા જે મહેનત કરે છે એના પર તમારું એક ભાષણ ને બે-ચાર વાયદા જ ભારે પડશે. ભાષણ વખતે તમારો અંદાજ, તમારા લહેકા.. તમારો આરોહઅવરોહ, તમારી છટા, અહાહા..'

વખાણથી પોરસાયેલા મહારાજા સિંહે અરીસામાં જોઈને દાઢીમાં દાંતિયો ફેરવ્યો. શ્વાસ ભરીને છાતી પહોળી કર્યા પછી આદેશ આપ્યોઃ '...બસ તો પછી તું બધા સમાજોના પ્રમુખોને મહાસંમેલન માટે મેસેજ આપી દે. હું થોડાં નવાં કપડાં ટ્રાય કરી લઉં. સેલ્ફી સારી આવવી જોઈએ!'

'જી મહારાજ! જો હુકમ!' રીંછભાઈ હુકમ માથે ચડાવીને રવાના થયા.

***

ચૂંટણી નજીક આવતા નક્કી કરેલા દિવસે મહાસંમેલન શરૂ થયું. સિંહની પરંપરાગત મતબેંક ગણાતા બળદસમાજના પ્રમુખ બળુકેશ બળદને પહેલી હરોળમાં બરાબર વચ્ચે સ્થાન અપાયું હતું. બાજુમાં પાડાસમાજના પ્રમુખ પ્યાસાજી પાડા બિરાજ્યા. અખિલ જંગલીય બંદર સમાજના પ્રમુખ બબ્બનભાઈ બંદર આવી પહોંચ્યા એટલે તેમને રીંછભાઈના સહાયકોએ યોગ્ય સ્થાને બેસાડયા.

ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુના બે રાજકીય સલાહકારો પોતપોતાના સમાજના પ્રમુખો હતા - બિલાડાભાઈ બબાલી બિલાડાસમાજના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળતા હતા ને કૂતરાભાઈ કડકા અખિલ જંગલીય કૂતરાસમાજના પ્રમુખ હતા. એ બંનેને ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુની બાજુમાં સ્થાન અપાયું. તે ઉપરાંત બકરાસમાજના એક્ટિંગ પ્રેસિડેન્ટ બાબાલાલ બકરા પણ બીજી હરોળમાં દેખાતા હતા. તેમને મહારાજા સિંહના અઠંગ સમર્થક ને પાર્ટીના ટોચના કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા પાસે બેસાડાયા. 

કેટલીક માદા અગ્રણીઓને પણ મહાસંમેલનમાં વિશેષ આમંત્રણ અપાયું હતું. કીડીસમાજના ચેરપર્સન કીડીબહેન કામઢા અને કાળી કીડીઓના જૂથનાં અગ્રણી કીડીબહેન કટકટને પહેલી હરોળની છેલ્લી ખુરશી શેરિંગમાં મળી હતી. તેની બાજુમાં જ મચ્છરસમાજના અધ્યક્ષ મચ્છરીબહેન મલેરિયલ બેઠાં હતાં. ઉંદરોના અગ્રણી ઉંદરભાઈ ઉત્પાતિયા સંમેલન શરૂ થવાની ગણતરીની મિનિટો બાકી હતી ત્યારે આવીને બેસી ગયા.

***

મહાસંમેલનનું લાઈવ કવરેજ 'જંગલ ન્યૂઝ'માં આવતું હતું. એન્કર હસીના હરણીએ સ્ટુડિયોમાં ખાસ ગેસ્ટને બેસાડયા હતા, જે આ મહાસંમેલનને મહારાજા સિંહનો ચૂંટણીલક્ષી માસ્ટરસ્ટ્રોક ગણાવતા હતા. ત્યાં જ મહારાજા સિંહના નામના નારા લાગ્યા અને મહારાજા સિંહ સંમેલનમાં સ્ટેજ પર હાજર થયા.

સિંહે માઈક હાથમાં લઈને ભાષણ શરૂ કર્યુંઃ 'દોસ્તો! આપ સૌ આ મહાસંમેલનમાં આવ્યા તેનો મને બહુ આનંદ છે. જંગલમાં આપના સમાજો મારા રાજમાં સુખેથી જીવી રહ્યાં છે. હું રાજા બન્યો ત્યારથી આપ સૌને પૂરતી સ્વતંત્રતા મળી છે.' મહારાજા સિંહે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કર્યા પછી ઉદાહરણ આપતા આગળ ચલાવ્યુંઃ 'કૂતરાઓને ગમે ત્યાં ભસવાની, ગમે તને કરડવાની મોકળાશ છે. વાંદરાઓને આખાય જંગલમાં ઉત્પાત કરવાની સ્વતંત્રતા છે. મચ્છરસમાજને લોહી પીવાની છૂટ છે ને કીડીઓને ચટકા ભરવાની આઝાદી છે. પાડા-આખલાઓ આખુંય જંગલ ધમરોળી શકે છે. ઘેટાઓને ટોળાંશાહી કરવાની મોકળાશ છે. તમને બધાને આ મોકળાશ મળે છે કે નહીં?' મહારાજા સિંહે વળતો સવાલ કર્યો. બધાએ ખુશખુશાલ થઈને 'મળે છે.. મળે છે'નો નારો લગાવ્યો.

મહારાજા સિંહ હજુ પોતાની મતબેંક ગણાતા સમાજોને જંગલમાં કેટલી અને કેવી સુવિધા મળે છે તેની વાત આગળ વધારવાના જ હતા, ત્યાં જંગલની સરકારથી નારાજ સરિસૃપો મહાસંમેલનમાં ધસી આવ્યાં. કેટલાય પ્રકારના સાપો, અજગરો, કાચબાઓ, માછલીઓએ હલ્લો બોલાવી દીધો. આ સરિસૃપોને આવતા જોઈને જંગલના બધા જ સમાજોના નેતાઓ ઊભી પૂછડીએ નાસવા લાગ્યા. મહારાજા સિંહ અને રીંછભાઈ પણ પાછળ જોયા વગર ઉતાવળે ભાગતા હતા...

કાચબાભાઈ કકળાટિયા દૂરથી આ દૃશ્ય જોઈને તેમના સલાહકારોને સંબોધીને બોલ્યાઃ 'પહેલાં આવાં કામ મહારાજા સિંહ કરતા હતા, એનું જોઈ જોઈને હવે હું પણ શીખી ગયો છું!'

City News

Sports

RECENT NEWS