'દુકાનો પર બોર્ડ મારો' : જંગલના સુરક્ષા અધિકારીની નવી ટાસ્ક
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- 'જંગલ ન્યૂઝ'માં બ્રેકિંગ ન્યુઝ આવ્યા : ફિટનેસ મિનિસ્ટર સુવરભાઈ સુસ્તનો આદેશ - 'જે પ્રાણી-પંખીઓ ફરસાણ અને મીઠાઈની દુકાનો ચલાવતાં હશે તેમણે એવું લખવું પડશે કે આ સામગ્રી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.'
રાજા સિંહ ફિટનેસના આગ્રહી હતા અને સવારે ઉઠીને યોગા કરતા હતા. જ્યારથી રાજા સિંહના પંજામાં સત્તા આવી હતી ત્યારથી તેમણે ફિટનેસના એકથી વધુ કેમ્પેઈન ચલાવ્યા હતા. 'ફિટ જંગલ, હિટ જંગલ'નું કેમ્પેઈન પાછળ રાજા સિંહે કરોડોનો ખર્ચ કર્યો હતો. આખાય જંગલમાં ઠેર-ઠેર એનાં બોર્ડ લગાવ્યાં હતાં. આ કેમ્પેઈનની ભવ્યાતિભવ્ય નિષ્ફળતા પછી રાજા સિંહે ફિટનેસ ચેલેન્જ આપવાનું શરૂ કર્યું હતું. એ કેમ્પેઈનમાં એવું હતું કે રાજા સિંહ સ્વયં ફિટનેસ ચેલેન્જ માટે અન્ય જાણીતા જંગલવાસીઓને નોમિનેટ કરતા. જે નોમિનેટ થાય એ જંગલવાસીઓ અન્યને નોમિનેટ કરે. રાજા સિંહની ગણતરી હતી કે આ રીતે આખુંય જંગલ એકબીજાને નોમિનેટ કરશે અને ફિટનેસનો માહોલ બની જશે. ફિટનેસનું આ કેમ્પેઈન પણ ઓનલાઈન થોડો વખત ચાલ્યું ને એનેય અભૂતપૂર્વ નાકામી મળી.
રાજા સિંહને લાગ્યું કે હજુ કંઈક ખૂટે છે. એક દિવસ તેમના દિમાગમાં ઝબકારો થયો કે ફિટનેસ મિનિસ્ટ્રીની ખોટ છે. તેમણે રાતોરાત ફિટનેસ મંત્રાલય બનાવ્યું, ને એક યોગ્ય નેતાને એ મંત્રાલયની જવાબદારી સોંપવા શોધખોળ આદરી. સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ મંત્રી બનવા લોબિંઇંગ કર્યું. ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુએ ફિટનેસના વીડિયો મૂકીને રાજા સિંહને ટેગ કર્યા. એને લાગ્યું કે એ બહાને એ રાજા સિંહના ધ્યાનમાં આવશે. ફિટનેસ મિનિસ્ટ્રીનો એડિશનલ ચાર્જ સંભાળવા માટે માર્ગ અને પરિવહન મંત્રી હાથીભાઈ હરખપદૂડા પણ ઉત્સાહી હતા. તેમણે પણ એવો પ્રચાર શરૂ કર્યો કે તેમણે તળેલા અને ખાંડવાળા પદાર્થો સંપૂર્ણપણે છોડી દીધા છે. રાજા સિંહના અંગત વિશ્વાસુ અને આંતરિક બાબતોના મંત્રી રીંછભાઈનો તો પાર્ટી કાર્યકરો પર પણ જબરો પ્રભાવ હતો. તેમણે પાર્ટીના સમર્થકો મારફત પોતાનું લોબિંઇંગ કરાવ્યું.
પણ રાજા સિંહની ખાસિયત એ હતી કે કોઈએ ધાર્યું ન હોય એવું કશુંક કરે. તેમણે એક જૂના કાર્યકર સુવરભાઈ સુસ્તને શોધી કાઢ્યા. સુવરભાઈ તેમની સુસ્તી માટે પંકાયેલા હતા. ભાગ્યે જ કોઈ કામ કરવાનો તેમનામાં ઉત્સાહ જણાતો. ખાસ કામ કરવું પડતું નથી એ વિચારીને જ તે રાજકારણમાં આવ્યા હતા. સુવરભાઈને જીવનમાં કોઈ જ ઉત્સાહ ન હતો. ન તો તેમને ઉદ્ધાટન સમારોહોમાં જવાની ઈચ્છા થતી, ન તેમને સન્માન સમારોહો આકર્ષી શકતા. રાજા સિંહને લાગ્યું કે તેમની આળસની નબળાઈનો જ હથિયાર તરીકે ઉપયોગ કરવો જોઈએ.
ને એ રીતે જંગલના ફિટનેસ મંત્રાલયને નવા મંત્રી મળ્યા : સુવરભાઈ સુસ્ત. રાજા સિંહના ફિટનેસના પ્રોજેક્ટને આગળ વધારવા માટે સુવરભાઈ ખાસ ઉત્સાહી તો ન હતા, પરંતુ 'મંત્રાલય મળ્યું છે તો કંઈક કરીએ'- એમ વિચારીને તેમણે સૌથી પહેલું કેમ્પેઈન શરૂ કર્યું : 'આળસ છોડયા વગર ફિટ રહો!' આમાં જંગલવાસીઓએ કશું કરવાનું જ ન હતું. સુવરભાઈની જેમ કંઈ કર્યા વગર બેસી રહેવાનું હતું અને ફિટનેસની રીલ્સ જોયા કરવાની હતી. આ કેમ્પેઈનનો મૂળભૂત વિચાર એવો હતો કે સતત રીલ્સ જોયા પછી અમુક જંગલવાસીઓ તો ચોક્કસ ફિટનેસ માટે મોનિવેટ થશે. સરકાર અને જંગલવાસીઓ - એમ બંને તરફે આ કેમ્પેઈનમાં વિન-વિન સિચ્યુએશન હતી. રીલ્સ જોવાની આ યોજના બેહદ લોકપ્રિય થઈ એટલે ફિટનેસ મંત્રી સુવરભાઈનો ઉત્સાહ બેવડાયો. એક શુભ સવારે તેમણે સમોસા ખાતાં ખાતાં તદ્ન નવી જાહેરાત કરી : સમોસા, પકોડા, જલેબી સહિત ફરસાણ અને મીઠાઈ બનાવતી દુકાનો પર અધિકારીઓ બોર્ડ લગાવે - 'આ ખાદ્ય સામગ્રી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.'
સુવરભાઈ સુસ્તની આ જાહેરાતથી જંગલના સરકારના અધિકારીઓ અને દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ ગયો. દુકાનદારોને તેમનો ધંધો બંધ થઈ જવાનો ડર લાગ્યો. અધિકારીઓને થયું કે અમારું કામ વધી જશે.
બધા સરકારી અધિકારીઓ મુખ્ય સુરક્ષા અધિકારી બબ્બન બિલાડા પાસે રજૂઆત લઈને ગયા. બબ્બન બિલાડાએ આખી વાત સાંભળીને અધિકારીઓને સાનમાં સમજાવ્યા : 'પ્રતિબંધિત ચીજવસ્તુઓ પકડાય ત્યારે તમે શું કરો છો?' સૌ અધિકારીઓએ કહ્યું, 'કાર્યવાહી.' બબ્બને બીજો સવાલ કર્યો, 'બીજું?' બસ આ 'બીજું?'માં અધિકારીઓ સમજી ગયા. આક્રોશમાં અને અકળામણમાં રજૂઆત કરવા આવેલા અધિકારીઓ બબ્બન બિલાડા પાસેથી નીકળ્યા ત્યારે ચારેબાજુ ફરસાણ-મીઠાઈની દુકાનોમાં બોર્ડ મારવા જવાના ઉત્સાહમાં દેખાતા હતા.
ફરસાણ-મીઠાઈની દુકાનો ધરાવતા જંગલવાસીઓ એસોસિએશનના પ્રમુખ 'પકોડા એન્ડ ભજિયા ઈન્ડસ્ટ્રી'ના માલિક પપ્પુ પોપટ પાસે રજૂઆત કરવા આવ્યા. પપ્પુ પોપટે જંગલવાસીઓની તાસીરનો એક વાક્યમાં પરિચય આપીને સૌને ખુશ કરી દીધા. પપ્પુએ કહ્યું, 'તમાકુ પર પ્રતિબંધ છે તો એના વેચાણનું માર્કેટિંગ કરવું પડતું નથી. દારૂ પર પ્રતિબંધ છે તો બ્લેકમાં ધૂમ વેચાય છે. એમ આપણો ધંધો હવે જ જામશે. જંગલવાસીઓને જે ન કરવાનું કહેવામાં આવે એ તો એ પહેલાં કરશે! આ જાહેરાત કરવા બદલ ફિટનેસ મંત્રી સુવરભાઈનો સત્કાર સમારોહ ગોઠવો. હું મુખ્ય મહેમાન બનીને આવીશ!'