- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- પરવાનગી વગર ઘૂસી જતાં પ્રાણી-પંખીઓને રોકવા ગોલ્ડન ઈગલે જાહેરાત કરી : 'હું આકાશમાં જાળી બનાવીશ! જમીની હદમાં બાયસન બળદોને સરહદે તૈનાત કરાવીશ.'
'મારા જંગલમાં અન્ય જંગલોમાંથી આવતાં પ્રાણી-પંખીઓને ઘૂસવા નહીં દઉં. જેલમાં પૂરી દઈશ!' વિદેશી જંગલના રાજા ગોલ્ડન ઈગલે સવારના પહોરમાં ઊઠીને ઘાંટો પાડયો. દરબારીઓને થયું: 'કિંગને ફરીથી કંઈક સપનું આવી ગયું લાગે છે.'
'મિ. કિંગ! કોઈ દુ:સ્વપ્ન આવ્યું?' અધિકારી રેડ ફોક્સે પૂછ્યું.
'મને નહીં, મારા બિઝનેસમેન દોસ્ત બુલને સપનું આવ્યું. એણે મને ફોનમાં જાણકારી આપી.' ગોલ્ડન ઈગલે સ્પષ્ટતા કરી.
ઉદ્યોગપતિ બુલ ગોલ્ડન ઈગલનો રાજકીય સલાહકાર હતો. બુલને એવો ડર હતો કે એના જંગલમાં અન્ય જંગલોમાંથી પ્રાણી-પંખીઓ ઘૂસણખોરી કરે છે એ યોગ્ય નથી.
ગોલ્ડન ઈગલને ખાસ ભય રાજા ડ્રેગનથી હતો. ડ્રેગનના જંગલમાં ઉદ્યોગપતિ પાંડાનો દબદબો હતો. આ પાંડો બધી જ ચીજવસ્તુઓ ગોલ્ડન ઈગલના જંગલમાં પહોંચાડીને માતબર કમાણી કરતો. એનો નફો ડ્રેગન અને પાંડા વચ્ચે સરખા ભાગે વહેચાઈ જતો. ઈગલને કંઈ મળતું નહીં.
'આપણે આકરા નિર્ણયો લેવા જોઈએ. સમય આવી ગયો છે.' બુલે એક દિવસ ગોલ્ડન ઈગલને સલાહ આપી.
'એમાં શું મોટી વાત છે? હું તો બધા નેતાઓમાં શ્રેષ્ઠ નિર્ણયશક્તિ ધરાવતો નેતા છું.' ગોલ્ડન ઈગલે તત્કાલ જાહેરાત કરી: 'આખા જંગલ ફરતે ઊંચી દીવાલ બનાવીશ. એકેય વિદેશી પ્રાણી-પંખીને ઘૂસવા નહીં દઉં. જેમને મારા જંગલમાં આવવું હશે તેણે ટેક્સ ચૂકવવો પડશે.'
આ જાહેરાત થતાં જ હાહાકાર મચી ગયો. ન્યૂઝમાં એનાલિસિસ થવા માંડયાં. દીવાલ બનાવવામાં કેટલો ખર્ચ થશે? દીવાલનો કોન્ટ્રાક્ટ બુલની કંપનીને જ મળશે કે પછી બીજા કોઈને? દીવાલ બની ગયા પછી પ્રાણીઓ ખરેખર આવી નહીં શકે, પણ પક્ષીઓનું શું? પક્ષીઓને રોકવા માટે ઈગલ પાસે કોઈ યોજના છે કે નહીં?
ગોલ્ડનના ઈગલના અધિકારી રેડ ફોક્સે બધો હિસાબ માંડીને અહેવાલ આપ્યો: 'મિ. કિંગ! દીવાલનો પ્રોજેક્ટ અશક્ય છે. આપણી પાસે એટલું ફંડ નથી. એક વખત ટેક્સ આવવાનું શરૂ થાય પછી પ્રોજેક્ટ આગળ વધી શકે. એના કરતાં આપણે જમીન અને આકાશમાં વોચ રાખે એવી પક્ષીઓની સેના બનાવીએ. એ સસ્તું પડશે.'
'ઓકે. દીવાલ બનાવવાનું રદ. પક્ષીઓની ટુકડી બનાવો. એનું કામ બુલને સોંપો. નકામા કર્મચારીઓને હાંકી કાઢો. જે બહુ ઉત્સાહી પ્રાણી-પંખીઓ હોય એને જ નોકરીમાં રાખો.' ઈગલના નવા આદેશ બાદ બુલે આળસમાં એક એકથી ચડે એવા પાડા અને યાકને કાઢી મૂકાયા ને નવી ભરતી શરૂ કરી.
દિવસોની મહેનત પછી પક્ષીઓની ટુકડી બની નહીં. પક્ષીઓ આકાશ અને ધરતી એમ બબ્બે ટેરેટરી પર વોચ રાખીને બર્ડન લેવા તૈયાર ન થયા. આખરે ગોલ્ડન ઈગલે નવી જાહેરાત : 'વિદેશી પક્ષીઓને આપણા જંગલમાં ઘૂસતા રોકવા માટે હું આકાશની ફરતે જાળી બનાવીશ!' જમીન પરથી થતી ઘૂસણખોરી રોકવા હું બાયસન બળદોને સરહદે તૈનાત કરાવીશ.'
આ જાહેરાત પછી વળી એનુંય એનાલિસિસ થયું - આકાશમાં જાળી બનાવવી હશે તો એને આધાર આપવા જમીન સુધી તારનો છેડો કેવી રીતે પહોંચાડાશે? જાળી બની જશે પછી ખુદ ગોલ્ડન ઈગલને ઉડવામાં મુશ્કેલી પડશે એનું શું?
આખાય જંગલની ફરતે તૈનાત કરવા માટે મોટી સંખ્યામાં બાયસન બળદો કેવી રીતે મળશે? બાયસન બળદો મળી જશે તો એના પગારનું ફંડ ઈગલ ક્યાંથી લાવશે?
આ સવાલોના જવાબો મેળવવા માટે ફરીથી ઈગલે સરકારી અધિકારી રેડ ફોક્સને રિપોર્ટ બનાવવાનો આદેશ આપ્યો. થોડા દિવસના અભ્યાસ પછી રેડ ફોક્સે રિપોર્ટ આપ્યો : 'મિ. કિંગ! આ યોજનાઓ શક્ય નથી. રાજા સિંહ અને રાજા ડ્રેગનના જંગલોમાંથી જે ચીજવસ્તુઓ વેચાણ માટે આવે છે એમાંથી ટેક્સ મળે તો આપણું આ કામ થઈ શકે.'
'ઓકે. અત્યારે જ સિંહ અને ડ્રેગનને કોન્ફરન્સમાં જોડો. હું ટેક્સની જાહેરાત કરી દઉં.' ગોલ્ડન ઈગલના આદેશની થોડી પળો બાદ સિંહ અને ડ્રેગન લાઈન પર હતા. ગોલ્ડન ઈગલે સ્ટેટમેન્ટ આપ્યું, 'તમારે બંનેને મારા જંગલમાં સામાન વહેચવો હશે તો આજથી જ મને ટેક્સ ચૂકવો. નહીંતર તમારી ચીજવસ્તુઓને મારા જંગલમાં ઘુસવા નહીં દઉં!'
'ઓકે!' રાજા સિંહે બગાસુ ખાઈને ટૂંકો જવાબ આપ્યો ત્યાં સુધી તો ડ્રેગને ઓનલાઈન વીડિયો કોન્ફરન્સમાં જ ફુંફાડો માર્યો, 'તમારો બુલ મારા જંગલમાં વેપાર કરે છે. એને કહેજો બે ગણો ટેક્સ આપે.' આટલું કહીને ડ્રેગને ફોન કટ કરી નાખ્યો.
મૂંઝાયેલા ગોલ્ડન ઈગલે નવું સ્ટેટમેન્ટ આપ્યું: 'અત્યાર સુધીના બધા નિર્ણયો રદ કરું છું. નવી જાહેરાત ન કરું ત્યાં સુધી ચાલે છે એમ ચાલવા દો.'
'મિ. કિંગ! આપણે પ્લાનિંગ કરવું જોઈતું હતું.' રેડ ફોક્સ ગણગણ્યો.
ગોલ્ડન ઈગલે બચાવ કર્યો, 'હું પ્લાનિંગ કરતો નથી. આડેધડ નિર્ણયો લઉં છું. એ જ મારી યુનિકનેસ છે.'
ઓફલાઈન થતાં પહેલાં રાજા સિંહ બોલ્યા : 'મારા દોસ્ત ઈગલ! એમાં શી નવાઈ? હું તો વર્ષોથી આ જ રીતે જંગલનું રાજ ચલાવું છું. નિર્ણયો લઉં છું. રદ કરું છું. ટ્રાયલ-એન્ડ-એરર પર જ સત્તા ચાલવી જોઈએ.'
'આઈ લાઈક ઈટ! બાય બાય!' પ્રભાવિત થતાં ગોલ્ડન ઈગલે પણ વીડિયો કોલ કટ કર્યો.


