Get The App

દિવાળી પહેલાં માદાઓની શોપિંગ પાછળ નર સમુદાયની હડિયાપટ્ટી

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
દિવાળી પહેલાં માદાઓની શોપિંગ પાછળ નર સમુદાયની હડિયાપટ્ટી 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- દિવાળી આવે કે જંગલના બજારો માદાઓથી ઉભરાઈ જતાં. નર સમુદાય માટે આ સમયગાળો ધીરજની કસોટીનો હતો. તેમણે પૂછડાંની માફક માદાઓની પાછળ પાછળ ફરવું પડતું...

'હની! હું એટલે જ આટલાં દિવસથી કહેતો હતો કે તું સમયસર તારી શોપિંગ પતાવી લે!' ગર્લફ્રેન્ડ પ્રેમા પારેવડી સાથે ઠેર-ઠેર ફરીને થાકી ગયેલા કબૂતર કાનાફૂસિયાએ દબાતા અવાજે અકળામણ વ્યક્ત કરી.

'લિસન! તારે ન આવવું હોય તો વાંધો નહીં, હું મારી શોપિંગ જાતે કરી લઈશ.' પ્રેમા પારેવડીએ અદ્લ ગર્લફ્રેન્ડને શોભે એવા નખરા શરૂ કરીને ઉમેર્યું, 'તને ખબર છે કે હું શોપિંગમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં કરું. જો તું થાકી ગયો હોય તો વાંધો નહીં.'

કબૂતર કાનાફૂસિયો દિવસભર પ્રેમા પારવડીની પાછળ ઉડી ઉડીને થાકી ગયો હતો. પાછળ ઉડતી વખતે એને બે-ચાર વખત એવો વિચાર પણ આવી ગયો કે એની હાલત પ્રાણીઓનાં પૂછડાં જેવી થઈ ગઈ છે. પ્રાણીનું શરીર જ્યાં જાય ત્યાં ગયા વગર પૂછડાને છૂટકો નથી!

જંગલના એક માર્કેટમાંથી બીજા માર્કેટમાં ઉત્સાહથી ઉડી જતી પ્રેમાને જોઈને કબૂતર કાનાફૂસિયાને આશ્વર્ય એ વાતે થતું કે આમ આડા દિવસોમાં એ પ્રેમાને ક્યાંક કોઈ ફ્રેન્ડને મળવા દૂર ઉડવાનું કહેતો ત્યારે એ ભારે આળસ બતાવતી ને આમાં એ આખો દિવસ થાકવાનું નામ લેતી નથી.

કેટલીય બજારોમાં ઉડી ઉડીને કબૂતર કાનાફૂસિયાની પાંખોમાં જબરો થાક લાગ્યો હતો. કેટલાય પીંછાં ખરી પડયાં હતાં. એમાંય ગીચ માર્કેટમાં અન્ય પક્ષીઓ ને પ્રાણીઓ સાથે પાંખો સતત ટકરાતી રહેતી એટલે એનાથી લાગતો થાક જુદો. ગર્લફ્રેન્ડ વગરના સિંગલ પ્રાણી-પંખીઓને મોબાઈલ મચડતા જોઈને એ પળે તો કબૂતર કાનાફૂસિયાને એ સૌની ઈર્ષ્યા આવી. એનેય થયું કે અત્યારે ને અત્યારે જ બ્રેકઅપ કરી લે. આ વિચારો ચાલતા હતા ત્યાં જ પ્રેમા એને ટ્રાયલ કપડાં બતાવવા આવી. એ ટ્રાયલ માટે પહેરેલા કપડાંમાં એટલી સોહામણી લાગતી હતી કે કબૂતરે બ્રેકઅપ કરવાનું માંડી વાળ્યું કે પૂછડાંની માફક પાછળ પાછળ ખેંચવાનું ચાલુ રાખ્યું!

***

મંગળા માછલીનો બોયફ્રેન્ડ મહાસીર માછલો પોતાનો સ્માર્ટ સમજતો હતો. કબૂતર કાનાફૂસિયાની જેમ એ અગાઉ માર્કેટમાં ભટકી ચૂક્યો હતો. આ વર્ષે ભટકવું ન પડે એ માટે તેણે ઈ-કોમર્સ એપ ડોન્કીઝમાંથી મંગળા માટે શોપિંગ કરી લીધી. દિવાળીના બે-ત્રણ દિવસ પહેલાં સામાન મળી જાય એવી તકેદારી સાથે કરેલો ઓર્ડર ખરેખર સમયસર મળી ગયો. માછલાકુમાર મહાસીરનો પ્લાન એકદમ જડબેસલાક હતો. મંગળાએ પેકિંગ ખોલીને જોયું કે તરત મહાસીરને ફોન જોડયો : 'આ ઓર્ડર કરતાં પહેલાં મને પૂછવું તો જોઈએ... નવા વર્ષે હું આ કપડાં પહેરીશ?'

'બેબી! મેં તો તારો ફેવરિટ કલર પસંદ કર્યો છે. સેકેન્ડ થિંગ કે તને ઈન્ડો-વેસ્ટર્ન ગમે છે એટલે આઈ થોટ...' માછલાકુમાર મહાસીરે ઠાંસી-ઠાંસીને પ્રેમભર્યા અવાજમાં બચાવ કર્યો.

'ઈન્ડો-વેસ્ટર્ન ગમે છે એનો મીનિંગ એવો કે મારે ઈન્ડો-વેસ્ટર્ન જ પહેરવાનાં?' ફોન ફાટી જાય એવાં તીણા અવાજમાં ગુસ્સો કરીને મંગળાએ ફોન કટ કરી નાખ્યો.

થોડીવાર પછી માછલાકુમાર મહાસીરે ફોન કર્યો અને ખૂબ જ પ્રેમાળ-નરમ ટોનમાં કહ્યું, 'બેબી! જો તને આ ન ગમ્યું હોય તો આપણે રીટર્ન કરી દઈએ. તને બીજું જે ગમે એ ઓર્ડર કરી દઈશ તો ૩૬-૪૮ કલાકમાં ફરીથી ડિલિવરી મળી જશે'.

'એક્ચ્યુઅલી ઈટ્સ નાઈસ! તેં એટલા પ્રેમથી ઓર્ડર કર્યો છે તો હવે રીટર્ન નથી કરવું, પણ..' મંગળાએ હળવેકથી ઉમેર્યું, 'આ દિવાળીમાં મારે બ્રાઈટ કલર પહેરવો છે, હું મારી રીતે શોપિંગ કરી લઈશ. તારી પાસે વધારે ખર્ચ નથી કરાવવો.'

'તો ચલ, આપણે સાથે જ જઈએ!' જીએફ મંગળા સાથે માર્કેટમાં ભટક્યા સિવાય છૂટકો નથી એ સમજી ગયેલા મહાસીરે હથિયાર નીચે મૂકી દીધા.

થોડી આનાકાની પછી મંગળા માની ગઈ. પછી તો આખો દિવસ રઝળપાટ કરીને મંગળાએ થોડી વસ્તુઓ ખરીદી. બ્રાઈટ કલરના કપડાં તો ક્યાંય ગમ્યાં જ નહીં એટલે બીજા દિવસે ફરીથી મળવાનું નક્કી કરીને બંને છૂટા પડયાં. મહાસીરને પણ માર્કેટમાં ભટકીને કબૂતર કાનાફૂસિયાને લાગ્યો એવો જ થાક લાગ્યો હતો. ક્રેડિટ કાર્ડમાંથી આખો દિવસ બિલ પે કર્યા હતા ને ઉપરથી ઓનલાઈન શોપિંગનો ફટકો પણ પડયો હતો. મહાસીરને એની સ્માર્ટનેસ જ ભારે પડી હતી.

***

મોડી સાંજે ફ્રી થઈને મહાસીર માછલો, કબૂતર કાનાફૂસિયો, બાબાલાલ બકરા, ચક્રધર ચકલો, પાડાભાઈ પંચાતિયા વગેરે ચા પીવા મળ્યા. બધા પોતપોતાના મહા મુશ્કેલ દિવસની ગાથા માંડીને બેઠા હતા. બધાનો અનુભવ લગભગ એકસરખો હતો. બસ, ફરક એટલો હતો કે ઓનલાઈન ઓર્ડરના કારણે મહાસીરને આર્થિક ફટકો વધારે પડયો હતો.

અનુભવી બાબાલાલ બકરાએ એક વાક્યમાં સલાહ આપી : 'મારાં આટલાં વર્ષનો અનુભવ છે. દિવાળી પહેલાં પણ પત્ની-ગર્લફ્રેન્ડને શોપિંગ કરાવવા ન લઈ જવાય કે ન ઓનલાઈન ઓર્ડરની સ્માર્ટનેસ વપરાય. ગમે એટલું કરશો તોય એ છેલ્લી ઘડીએ દિવાળી પહેલાં શોપિંગમાં નીકળ્યા વગર રહેવાની નથી. બમણો આર્થિક ફટકો સહન કરવા કરતાં છેલ્લાં એક-બે દિવસ બાકી હોય ત્યારે પૂછડાંની જેમ પાછળ પાછળ ફરી લેવું સારું!'