mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નેતાઓને ઝડપભેર રંગ બદલતા જોઈ કાચિંડા સમાજ આઘાતગ્રસ્ત

Updated: May 16th, 2024

નેતાઓને ઝડપભેર રંગ બદલતા જોઈ કાચિંડા સમાજ આઘાતગ્રસ્ત 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ચૂંટણીનો પ્રચાર કરતા નેતાઓ એટલી ઝડપથી રંગ બદલતા હતા કે આખોય કાચિંડા સમાજ આશ્વર્યમાં હતો. તેમની રંગ બદલવાની મોનોપોલી સામે મોટો પડકાર સર્જાયો...

'આ બધું શું ચાલી રહ્યું છે? નેતાઓને રંગ બદલવાનો કોર્સ કોણ કરાવે છે? આટલી ઝડપથી તો આપણેય રંગ બદલી શકતા નથી.' સમાજના પ્રમુખ કાચિંડાકુમાર કલરિયા નેતાઓના બદલાતા રંગ જોઈને લાલઘૂમ થઈ ગયા.

'પ્રમુખજી! ચૂંટણી ચાલી રહી છે એટલે નેતાઓ દિવસમાં પાંચ-સાત વખત રંગ બદલી રહ્યા છે.' યુવા સંગઠન મંત્રી કાચંડા કલરબદલુએ લાલ-પીળો રંગ બદલીને માહિતી આપી.

'જંગલમાં ચૂંટણી ચાલી રહી છે એની તો મનેય ખબર છે. હું એમ પૂછું છું કે નેતાઓને આ બધું શીખવે છે કોણ?' ગુસ્સામાં તમતમી રહેલા કાચિંડાકુમાર કલરિયાનું નાક લાલ ટમેટાં જેવું થઈ ગયું.

'કોર્સની ખબર નથી, પણ કહે છે કે જેમ રંગ બદલવાની આવડત આપણામાં કુદરતી છે એમ નેતા બને એનામાં પણ એવી પ્રકૃતિ આવી જાય છે.' સંગઠનના વરિષ્ઠ સભ્ય વયોવૃદ્ધ કાચિંડાએ અનુભવના આધારે જાણકારી આપીને હળવેકથી રંગ પરિવર્તન કરીને પૂછ્યુંઃ 'આ વાતથી આપ કેમ આટલા લાલઘુમ થઈ ગયા છો?'

'તો શું કરું? જંગલમાં ચૂંટણીઓ તો અગાઉ પણ યોજાતી હતી, પરંતુ હવે તો નેતાઓની રંગ બદલવાની ક્ષમતા જોઈને મને ચિંતા થાય છે. આમને આમ ચાલ્યું તો આપણી મોનોપોલી તૂટી જશે!'

'તમે આ પાંચમા પ્રમુખ છો જેમને મેં ચિંતા કરતા જોયા છે.' વયોવૃદ્ધ કાચિંડાએ ચિંતા સાથે ઉમેર્યુંઃ 'પેલી 'જંગલ ન્યૂઝ'ની ચુલબુલી એન્કર હસીના હરણી વારંવાર બોલતી હતી કે નેતાઓ કાચિંડાની જેમ રંગ બદલી રહ્યા છે. હું તો કહું છું કે આપણે રજૂઆત કરીને વાંધો ઉઠાવીએ! આમાં તો આપણું અપમાન થાય છે.'

'એમાં પડવા જેવું નથી. થોડું પ્રેક્ટિકલ વિચારો! નેતાઓ આ મહાન જંગલના ભલા માટે ક્યારેક રંગ બદલતા હોય છે. પોલિટિક્સમાં આવું બધું આવતું હોય. તમે આ ચોકઠાંમાંથી બહાર આવો!' ઉપપ્રમુખ ગિરગિટ ગેરુઆએ બધાથી ઊંધો મત આપ્યો એટલે સૌ કાચિંડાઓ આક્રોશભેર રાતા-પીળા થવા લાગ્યા. ગેરુઆ મહારાજા સિંહનો ફેવરિટ કલર હતો ને ગિરગિટ સિંહનો કટ્ટર સમર્થક હોવાથી તે બનતા સુધી ગેરુઆ કલર જાળવી રાખતો. એણે તો સોગંધનામુ કરાવીને ગેરુઆને જ અટક બનાવી લીધી હતી.

'સમાજની વાતમાં રાજકારણ વચ્ચે ન લાવો!' ઉપપ્રમુખની વાતથી નારાજ થયેલા પ્રમુખ કાચિંડાકુમાર કલરિયાએ ટોણો માર્યો.

'પ્રમુખશ્રીની વાત એકદમ સાચી છે. તમે મહારાજા સિંહના સમર્થક છો. સિંહની પાર્ટીના નેતા છો એટલે નેતાઓની વાતને સાચી ન ઠેરવો!' યુવા સંગઠન મંત્રી કાચંડા કલરબદલુએ શરીરને ઘેરા લાલ રંગનું બનાવીને ગુસ્સાનો સંકેત આપ્યો.

'મને તો લાગે છે કે આપણાં સમાજમાંથી કોઈ નેતાઓને આટલી ઝડપથી રંગ બદલતા શીખવતું હશે!' પ્રમુખ કાચિંડાકુમાર કલરિયાના આરોપથી હોદ્દેદારોમાં ખળભળાટ મચી ગયો. રોષ દર્શાવવા તમામ હોદ્દેદારો લાલ રંગના થઈ ગયા. ગિરગિટ ગેરુઆ એક જ ઓરેન્જ દેખાતો હતો.

'તમે કહેવા શું માંગો છો? જેને કહેવું હોય એનું નામ લઈને કહો!' ગિરગિટ ગેરુઆએ પ્રમુખ સામે જોઈને માત્ર નાક લાલ બનાવ્યું.

'હું તો જનરલ વાત કરું છું. કોઈએ બંધ બેસતો કલર પહેરવાની જરુર નથી!' પ્રમુખે બધા સમજી શકે એવી રીતે કહ્યું ને છતાં સ્પષ્ટ ન કહ્યું એટલે ગિરગિટ ગેરુઆ વધુ અકળાયો, 'હું પાર્ટીમાં છું એનો અર્થ એવો નથી કે સમાજનું અહિત વિચારું. મીટિંગ શરૂ થઈ ત્યારથી તમે કટાક્ષ કરો છો કે 'કોર્સ કોણ કરાવે છે?' આ ઈશારો શું મને સમજાતો નથી?' પ્રમુખની મિમિક્રી કરીને ઉપપ્રમુખે વળતો કટાક્ષ કર્યો તેનાથી મીટિંગની શાંતિ જોખમાઈ ગઈ.

વયોવૃદ્ધ કાંચિડાએ બંનેને શાંત પાડતા કહ્યુંઃ 'સમાજની વાતમાં મતભેદો ભૂલીને વિચારવું જોઈએ. આપણા આખાય સમાજ સામે રંગ બદલવાની મોનોપોલી ખતમ થવાનું જોખમ સર્જાયું છે. ને સમાજના અગ્રણીઓ આ રીતે ઝઘડે તે યોગ્ય નથી.'

'વાત એમ નથી! માત્ર મારા પર આરોપો લગાવતા પ્રમુખશ્રી ભૂલી ગયા કે તેઓ ખુદ સસલાભાઈના સમર્થક છે. સસલાભાઈ પણ જ્યાં પ્રચાર કરવા જાય છે ત્યાંના રંગ પ્રમાણે રંગાઈ જાય છે.' ઉપપ્રમુખ ગિરગિટ ગેરુઆએ નવો મુદ્દો ઉપાડયો.

'તો તમારા સિંહ ક્યાં ઓછા રંગ બદલે છે? હમણાં કહ્યું કે જો સસલાભાઈનું રાજ આવશે તો માત્ર પક્ષીઓને જ ફાયદો થશે ને પ્રાણીઓ ભૂખે મરશે. એના બે દિવસ પછી કહે છે કે હું પશુ-પક્ષીઓનું ભાગલાવાદી રાજકારણ નથી કરતો. સિંહ ક્યારે કેવો રંગ બદલશે તે કોઈ કહી શકતું નથી!'

બંને દલીલો કરતા હતા ત્યાં જ એક કાચંડાએ આવીને વયોવૃદ્ધ કાચંડાના કાનમાં કંઈક કહ્યું. એ સાંભળીને લાલઘુમ થવાનો વારો વયોવૃદ્ધ કાચંડાનો હતો. આખા શરીરનો લાલ રંગ કરીને એ તાડૂક્યોઃ 'તમે બંનેએ કાચંડા સમાજનું નાક કાપ્યું. અહીં બેસીને એકબીજા પર આરોપો લગાવો છો ને બંનેએ નેતાઓને રંગ બદલવાનું શીખવવા માટે સ્પેશિયલ ઈલેક્શન બેચ શરૂ કરી છે.'

'હેં?' પ્રમુખ-ઉપપ્રમુખ સિવાય સૌ કાચિંડા લાલચોળ થઈ ગયા હતા.

અત્યાર સુધી લડતા-ઝઘડતા પ્રમુખ-ઉપપ્રમુખ હવે એક થઈ ગયા હતા. બંને મળીને રંગ બદલતા અન્ય સમાજોને શીખવવું જોઈએ એવી હિમાયત કરતા હતા...

Gujarat