app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

'કાઉ હગ ડે'ની ઉજવણી કેન્સલ થતાં ગાયોએ રાહતનો શ્વાસ લીધો

Updated: Feb 16th, 2023


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- મહારાજા સિંહે એક દિવસ કહ્યુંઃ 'આપણે સૌ કાઉ હગ ડે સેલિબ્રેટ કરીશું.' આ જાહેરાત પછી જંગલવાસીઓ અને ગાયો એમ બંને પક્ષે ફફડાટ ફેલાઈ ગયો...

જંગલવાસીઓ ઉત્સવપ્રેમી છે એ વાત મહારાજા સિંહ બરાબર સમજતા હતા, પરિણામે રાજા સિંહે અનેકાનેક ઉજવણીઓ શરૂ કરાવી હતી. મહારાજા સિંહ પોતે ભલભલા ઈવેન્ટ મેનેજરોને ટક્કર આપે એટલા ઉમદા ઈવેન્ટ મેનેજર હતા, જેનો લાભ જંગલવાસીઓને મળતો હતો. દીવડા પ્રગટાવવાના ઉત્સવોથી લઈને સામુહિક વાસણો ખખડાવવાની ઉજવણીઓને જંગલવાસીઓ ભવ્ય પ્રતિસાદ આપી ચૂક્યા હોવાથી મહારાજા સિંહનો કોન્ફિડન્સ ગજબ લેવલે હતો.

મહારાજા સિંહ માનતા હતા કે ઉજવણીઓ ઓછી થવી ન જોઈએ. ઉજવણીઓથી જંગલનું જીવન ધબકે છે. ઉજવણીઓ જંગલવાસીઓની રગેરગમાં છે. થોડા સમયથી જંગલવાસીઓ વિદેશી જંગલના તહેવારો ઉજવવા લાગ્યા હતા. મહારાજા સિંહ મૂળે સંસ્કૃતિપ્રેમી, જંગલની પ્રાચીન પરંપરા પ્રમાણે જ ઉજવણીઓ થાય એના આગ્રહી અને વિદેશી જંગલોના ઉત્સવો પોતાના જંગલમાં પોપ્યુલર થાય એના વિરોધી. ઉત્સવપ્રેમી જંગલવાસીઓ માટે અલગ પ્રકારની ઉજવણીનો મૌલિક વિચાર તેમને આવ્યો. જંગલનો મિજાજ બરાબર પારખતા મહારાજા સિંહે એક દિવસ નવા પ્રકારની ઉજવણીની જાહેરાત કરી, જેને નામ આપ્યુંઃ 'કાઉ હગ ડે.'

ગાય માટે જંગલની સરકારને વિશેષ પ્રેમ છે - એ દર્શાવવા મહારાજા સિંહની સૂચના હતી કે દરેક જંગલવાસીએ નિયત થયેલા દિવસે ગાયસમાજ પ્રત્યે લાગણી વ્યક્ત કરવી. સરકારી ગાઈડલાઈન પ્રમાણે જંગલમાં કોઈ પણ ઠેકાણે ગાય દેખાય કે દોડીને એને ભેટવાનું હતું. ગાય કેવું રિએક્ટ કરશે? એને ગમશે કે નહીં? એની ચિંતા જંગલવાસીઓએ કરવાની ન હતી, તેમણે માત્ર ગાયને આલિંગન આપવાનું હતું. મહારાજા સિંહના સમર્થકોએ તો આ જાહેરાતને તુરંત વધાવી લીધી. કાઉ હગ ડેની રાહ જોયા વગર જાહેરાત થઈ એ ઘડીથી ગાયો પ્રત્યે પ્રેમ દેખાડવાનું શરૂ કરી દીધું. સિંહસમર્થક બળદસમાજે ગાયોને ભેટવાનું શરૂ કર્યું. ઘેટાસમાજે પણ મહારાજાનો આદેશ માથે ચડાવીને ઉજવણી આદરી દીધી. ભક્ત શિરોમણી ઘેટાભાઈ ઘાસફૂસિયાએ આ ઉજવણીની આગેવાની લીધી અને ઘેટાસમાજમાં એનો પ્રચાર કર્યો.

પણ આખી ઘટનાથી ગાયો સાવ અજાણ હતી. બળદો-ઘેટાઓ વગેરે આવીને ગાયો કંઈ સમજે-વિચારે તે પહેલાં ભેટી જતા હતા. આખાય જંગલમાં આ શરૂ થવા માંડયું એટલે ગાયસમાજ અકળાયો. સમાજના અગ્રણી જ્ઞાાની ગાયબહેન પાસે આવીને ગાયોએ રજૂઆત કરીઃ 'આજકાલ ગમે તે આવીને અમને ભેટી જાય છે. સેલ્ફી પાડીને રવાના થઈ જાય છે. આ શું ચાલી રહ્યું છે?'

એક ગાયે કહ્યુંઃ 'હું નહાઈને બેઠી હતી ત્યાં અચાનક બે-ચાર ગોબરા ઘેટાઓ આવીને ભેંટી ગયા.નહાયા-ધોયા વગરના આ ઘેટાઓની વાસ મારાથી સહન થતી નથી.'

બીજી ગાયે કહ્યુંઃ 'મારી પાસે તો એક બળદ આવી ચડયો. મારા સામું જોઈને હસ્યો ને પછી હગ કરીને રવાના થયો. એના શિંગડાં મને કેવા લાગ્યા, ખબર છે?'

જ્ઞાાની ગાયબહેને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચેક કર્યો ત્યારે આખો મામલો જાણ્યો. તેમણે ગાયસમાજની તાકીદની બેઠક બોલાવી અને આખી ઘટનાની જાણકારી આપી. કાઉ હગ ડે સુધી આ સ્થિતિનો સામનો કરવાનો થશે એવી જાણકારી તેમણે બધી જ ગાયોને આપી, પરંતુ ગાયોમાં ભારે વિરોધ થયો. ગાયસમાજે સવાલ કર્યોઃ 'શું મહારાજા સિંહે તમને આ ઉજવણીની જાણકારી આપી હતી? આપણા સમાજને ઉજવણી પહેલાં જંગલની સરકારે વિશ્વાસમાં લીધો હતો?' જ્ઞાાની ગાયબહેન પાસે એના કોઈ જવાબો ન હતા. ગાયોનું કહેવું હતું કે ગમે તે ગમે ત્યારે આવીને આમ ચિત્ર-વિચિત્ર પર્ફ્યુમ છાંટીને ભેટી જાય એવું તો કેમ ચાલે? નહાયા-ધોયા વગર ગમે તે સેલ્ફી લેવા આવી ચડે ને આપણાં ખાવા-પીવાનો સમય પણ ન જુએ એવું તે કેવું?

બીજી તરફ ઘણા જંગલવાસીઓ પણ કાઉ હગ ડેની ઉજવણીને લઈને ચિંતામાં હતા. બાબાલાલ બકરા, કૂતરાભાઈ કડકા, બબ્બનભાઈ બંદર, બિલાડાભાઈ બબાલી સહિતના આગેવાનોની બેઠક મળી એમાં આ સવાલો ચર્ચાયાઃ 'ગાયને હગ કરવા જઈએ બરાબર ત્યારે જ એ વિફરે ને શિંગડે ચડાવે તો?', 'ભેટવાનું ચાલતું હોય ત્યારે સેલ્ફી દરમિયાન લાત મારે તો?', 'સેલ્ફી લેતા હોઈએ ત્યારે ગુસ્સાથી મોબાઈલ પર પગ મૂકીને ભાંગી નાખે તો?'

આખરે ગાયસમાજનું પ્રતિનિધિમંડળે જંગલની સરકારને રજૂઆત કરવા પહોંચ્યું. મહારાજા સિંહ તો ન મળ્યા, પરંતુ તેમના અંગત રાજકીય સલાહકાર રીંછભાઈએ ગાયોની રજૂઆત સાંભળી. એ જ વખતે બાબાલાલ બકરા, કૂતરાભાઈ કડકા, બિલાડાભાઈ બબાલી, બબ્બનભાઈ બંદર સહિતના વિવિધ સમાજના અગ્રણીઓ પણ રજૂઆત કરવા આવ્યા. બંને પક્ષની વાત સાંભળીને રીંછભાઈએ હસતા હસતા કહ્યુંઃ 'મહારાજા સિંહની અવસ્થા થઈ છે, તેમની દરેક વાતને આટલી ગંભીરતાથી લેવાનું બંધ કરો. હું નવું નોટિફિકેશન બહાર પાડીને ઉજવણી કેન્સલ કરાવી દઈશ.'

રીંછભાઈએ ધરપત બંધાવી પછી ગાયસમાજે રાહતનો શ્વાસ લીધો અને જંગલવાસીઓને પણ શાંતિ થઈ. બળદો-ઘેટાઓ સહિતના મહારાજાના સમર્થકો થોડા નારાજ હતા, પણ તેમને આશા હતી કે ભવિષ્યમાં મહારાજા સિંહ કોઈ નવી જાહેરાત કરીને ગાયો પ્રત્યે પ્રેમ બતાવવાનો મોકો ચોક્કસ આપશે. આફટર ઓલ, જંગલની સરકાર ગૌપ્રેમી તો હતી જ, એમાં કોઈને શંકા ન હતી!

Gujarat